તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:ભુજમાં ઈફ્કોના કૃષિ ડેપો પર જૂના ભાવે ખાતર મળતા કેંદ્ર પર ખેડૂતોની ભીડ જામી

ભુજ3 મહિનો પહેલા
  • ખાતરમાં થયેલા ભાવ વધારાને પગલે ખેડૂતોએ નારાજગી વ્યકત કરી

જિલ્લા મથક ભુજમાં આવેલા સરકારી ઇફકો કૃષિ ડેપો ખાતે આજે વહેલી સવારથી ખાતર લેવા ખેડૂતો ઉમટી પડ્યા છે. કોરોનાકાળની પરિસ્થિતિ વચ્ચે સંક્રમણનું જોખમ ઉઠાવી ખેડૂતો જુના ભાવે મળતા ખાતર માટે એકઠા થયા છે. તો ખાતરમાં ભાવ વધારો અને સરકારી મંડળીમાં અછતના પગલે ખેડૂતો નારાજ થયા છે.

આજે સોમવારે ભુજના ઇફકો ડેપો ખાતે ખેડૂત દીઠ 7 બોરી ખાતરનું વિતરણ 10 વાગ્યા બાદ શરૂ કરવામાં આવ્યું છે. જેની ખરીદી માટે ભૂજ અને અન્ય તાલુકાના ખેડૂતો ઉમટી પડ્યા છે. સવારે નવ વાગ્યાના સ્થાને એક કલાલ મોડું ઇફકો ડેપો દ્વારા ખાતરનું વેંચાણ શરૂ કરાયું હતું. પરંતુ ખેડૂતો વહેલી સવારથી જ ડેપો પર ખાતર લેવા આવી પહોંચ્યા છે.

આ વિશે માધાપરથી આવેલા વેલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારી મંડળીઓ પાસે છેલ્લા બે માસ થયા ખાતરનો જથ્થો નથી, જ્યારે ઇફકો ખાતે મળી રહ્યો છે. જો સરકાર પાસે ખાતર છે, તો પછી મંડળીઓને કેમ નથી આપતી? એવો પ્રશ્ન કર્યો હતો.

અન્ય એક ભૂજ તાલુકાના કોટડા ગામેથી આવેલા સતીષ કાંતિલાલ ભગત નામના ખેડૂતે સરકાર પ્રત્યે નારાજગી દર્શાવતા કહ્યું હતું કે ખાતરની જે બોરી 1200માં મળતી હતી તેના હવે 1900 ચૂકવવા પડે છે. ભૂતળી (સિંગા) , મગફળીના પૂરતા ભાવ મળતા નથી જ્યારે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2800એ પહોંચી ચુક્યો છે. આમને આમ ચાલ્યું તો હવે ખેડૂતો જમીન પડતર મૂકી, મજૂરીકામ કરતો થઈ જશે.

છેક કોટડા ચકાર ગામથી આવેલા રણછોડ વિઠલ ભગતે રોષ પૂર્વક કહ્યું હતું કે કોરોના પરિસ્થિતિ વચ્ચે અમારે આવી રીતે ભીડમાં ખાતર લેવા આવું પડે છે. એમાંય પાછો ભાવ વધારો, બીજું કે ખુદ સરકાર એક બીજાથી છેટા રહેવાનું કે છે.અને આમ ભીડ પણ ઉભી કરે છે. એવું લાગે છે જાણે સરકાર બચાવવા નહીં પણ મારવા બેઠી છે. ખરેખર તો ખેડૂતોને કૃષિ પાછળ થતા ખર્ચનો આંક સરકારે કઢાવી પાકના પોષણક્ષમ ભાવ મળે એવુ કાર્ય કરવું જોઈએ.. જો આજ પરિસ્થિતિ ચાલુ રહી તો આગામી ચોમાસુ પાક 50 ટકા ઘટી જાસે. અત્યારે ખેડૂતો પાસે ખાતર અને બિયારણ લેવાના પૈસા પણ નથી રહ્યા ધીર ધિરાણ કરી ખેતી કરી રહ્યા છીએ. હવે સરકાર કઈક વિચારે તો સારું.

અન્ય સમાચારો પણ છે...