તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જમીન સંપાદનની ભૂલોને કારણે નર્મદાના કરોડોના કામ અટવાયાં

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ જલ પર્યાવરણ વિકાસ સંઘે કલેક્ટર સમક્ષ કરી રજૂઆત

કચ્છમાં ચાલી રહેલાં નર્મદાની કેનાલના કામોની સમીક્ષા માટે શનિવારે કલેક્ટર દ્વારા બોલાવાયેલી સમીક્ષા બેઠક પૂર્વે કચ્છ જલ પર્યાવરણ વિકાસ સંઘે કરેલી રજૂઆતમાં જમીન સંપાદનમાં થયેલી વ્યાપક ભૂલોના કારણે જીવાદોરી સમી યોજનાના કરોડોના કામો અટવાયા હોવાનું જણાવાયું હતું.

જમીન સંપાદનમાં હાલે કબજો ધરાવતા ખેડૂતોના બદલે અગાઉના માલિકોના નામે એવોર્ડ થયા છે તેવી રજૂઆત કરતાં સંસ્થાએ માંડવી તાલુકાના વાડા ગામનો દાખલો ટાંકીને જણાવ્યું હતું કે, નાનજી ગાજપરિયાની જમીનનો એવોર્ડ અગાઉના માલિક શાંતાબેન વાસાણીના નામે થયો છે. મેરાઉના હસમુખ ભીમાણીની જમીન કપાતમાં જાય છે તેનો એવોર્ડ રમણિક ભીમાણીના નામે કરાયો છે. આ ઉપરાંત બિદડામાં હાલે પોલીસ રક્ષણ સાથે કામ કરાઇ રહ્યું છે તેમાં ખેડૂતોને બોરનું વળતર અપાયું છે છતાં પિયત જમીનની ગણતરી કપિતમાં કરવામા આવી છે.

સરદાર સરોવર નિગમના અધિકારીઓ અને આર એન્ડ બી વિભાગ વચ્ચે સંકલનના અભાવે કામોમાં ઢીલ થઇ રહી છે અને નિગમ પોતાની ભૂલો છૂપાવવા માટે ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળે છે. માત્ર જમીન સંપાદન નહી પણ અન્ય કેટલાક કારણોસર કામ પર વિપરીત અસર પડી રહી છે જેમાં ભુજ-માંડવી, કોડાય-રાયણ અને બાયઠ-લાયજા રોડના ક્રોસિંગનું કામ નિગમ અને આર એન્ડ બીની નિષ્કાળજીને કારણે શરૂ થઇ શક્યું નથી તેમાં પણ કિસાનોને જવાબદાર ઠેરવાઇ રહ્યા છે.

કચ્છ જલ પર્યાવરણ સંઘના કન્વીનર કેશવ ઠાકરાણી અને સહ કન્વીનર પ્રભુદાસ માકાણીએ કરેલી રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે, નિગમના અધિકારીઓ અને જમીન સંપાદનના જે તે સમયના અધિકારીઓએ કરેલી ભૂલભરી કામગીરીના કારણે કરોડોના રોકાણ પછી પણ કચ્છના કિસાનો અને લોકોને નર્મદાના પાણી નસીબ નથી થયાં જેને કારણે રાષ્ટ્રીય ઉત્પાદન પર પણ અવળી અસર પડી રહી છે. આ સંજોગોમાં આગામી બે વર્ષ સુધી કામો આટોપાય તેમ જણાતું નથી વિકલ્પે દર માસે જિલ્લા સંકલનની બેઠકમાં નર્મદાના કામોની સમીક્ષા કરવામાં આવે તેવી માગ સંસ્થા દ્વારા કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...