કચ્છમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સંભવિત ત્રીજી લહેરમાં દર્દીઅોને તકલીફ ન પડે તે માટે સાવચેતી સાથે અાગોતરી તૈયારીના ભાગરૂપે ભુજમાં સમીક્ષા બેઠક મળી હતી. અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પ્રભારીમંત્રી કીર્તિસિંહ વાઘેલાઅે જણાવ્યું હતું કે, કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરના પગલે નાગરિકો તેમજ દર્દીઓને કોઈ સમસ્યાનો સામનો ના કરવો પડે કે કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટે તકેદારી રાખવા સૂચનો કર્યા હતા.
તેમણે ટેસ્ટિંગ, કોલસેન્ટરમાં મોનીટરીંગ કરાય, દર્દીઓને જરૂર પડે યોગ્ય વ્યવસ્થા કરવાની તેમજ દર્દીને ગાઈડ કરવાના જેથી દર્દીનો સમય અને નાણાં બચે તેમ કરવા સૂચન કર્યું હતું. તેમજ કોન્ટેક ટ્રેસીંગ અને ટેસ્ટીંગ વધારવા પર ફોકસ કરવા જણાવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યએ લેબોરેટરી, મેડિકલ સ્ટોર, રેડિઓલોજી, સીટીસ્કેન અને ખાનગી તબીબોની સાથે મળી સરકારના ચોક્કસ ધારાધોરણ મુજબ મહામારીમાં યોગ્ય દર(ચાર્જ) રાખવા જણાવ્યું હતું.
પ્રભારી સચિવ હર્ષદ પટેલે નિયમિત દૈનિક રિપોર્ટ અને જવાબદાર અધિકારી સંક્રમિત થાય તો અન્ય સંકળાયેલા તમામ કામગીરી માટે અન્ય લોકોને તૈયાર કરાય તેવું પણ સૂચન કર્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીર, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, સાંસદ વિનોદ ચાવડા, એપીએમસી ભુજના ચેરમેન કેશુભાઈ પટેલ વગેરેઅે અાગોતરી તૈયારી અને જરૂરી તકેદારી અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અા તકે કલેકટર પ્રવીણા ડી.કે., ડીડીઅો ભવ્ય વર્મા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક અને જિલ્લા તબીબી અધિકારી ડો.કશ્યપ બુચ વગેરે હાજર રહ્યા હતા.
જિલ્લામાં હાલે બાળકો માટે 180 ઉપરાંત 3984 પથારી ઉપલબ્ધ
નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજાએ સંભવિત ત્રીજી લહેરના પગલે જિલ્લાની હોસ્પિટલોમાં શું વ્યવસ્થા છે તે અંગે માહિતી પૂરી પાડતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યારે આઈ.સી.યુ. તેમજ રૂમ એર બેડ સહિત 3984 પથારી ઉપલબ્ધ છે. જરૂર પડશે તો વધારાના 179 અાઇસીયુ વેન્ટીલેટર બેડ, 796 બેડસ, 1068 રૂમ એર બેડસ થઇ 2066 પથારીની વ્યવસ્થા ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કરી શકાશે. વધુમાં બાળકો માટે જિલ્લામાં ઓકિસજન અને આઈ.સી.યુ. થઇ 180 પથારી ઉપલબ્ધ છે, તેમજ 70.27 મેટ્રીક ટન ઓક્સિજન ઉપલબ્ધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.