• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Counting Continues Till Late Night On Election Day From Ballot Papers, Result Of 351 Out Of 361 Gram Panchayats Declared At 11 Pm

ગ્રામ્યોત્સવ:મતપત્રોથી ચૂંટણી થતા રાતે મોડે સુધી ચાલી ગણતરી, રાત્રે 11 વાગ્યે 361 ગ્રામપંચાયતોમાંથી 351નું પરિણામ જાહેર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા - Divya Bhaskar
નખત્રાણા

દેશના સાૈથી મોટા કચ્છ જિલ્લામાં મંગળવારે ગ્રામ્ય વિસ્તારમાં સવારથી રાત સુધી લોકોત્સવનો માહોલ છવાયેલો રહ્યો હતો. જિલ્લાની 478 ગ્રામપંચાયતની સામાન્ય અને 4 ગામની પેટા ચૂંટણી યોજાવાની હતી, જેમાંથી 117 ગ્રામપંચાયતો સમરસ-ટેકનિકલ બિન હરીફ થઇ જતાં બાકી રહેતી 361 ગ્રામપંચાયતોની ચૂંટણીની મત ગણતરી મંગળવારે સવારે 7 વાગ્યાથી તાલુકા મથકોઅે શરૂ થઇ હતી અને જેમ-જેમ અેક પછી અેક ગામોના પરિણામ જાહેર થતા ગયા તેમ તેમ મત ગણતરી કેન્દ્રો બહાર અને જે-તે ગામમાં વિજય સરઘસ નિકળ્યા હતા.

તાલુકા મથકોઅે કડકડતી ઠંડી વચ્ચે ઉમેદવારોના ટેકેદારો અને ગ્રામીણ લોકોનો જમાવડો દિવસભર રહ્યો હતો. પોલીસના વ્યાપક બંદોબસ્ત વચ્ચે અંજારના સતાપરમાં થયેલી અથડામણ જેવા અપવાદો સિવાય મત ગણતરી પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલી હતી. સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીઅોની જેમ ઇવીઅેમના બદલે મતપત્રકો દ્વારા મતદાન થયું હોવાથી મોટાભાગના તાલુકા મથકોઅે રાતના મોડે સુધી મત ગણતરી ચાલુ રહી હતી. કચ્છમાં સરપંચપદની 344 બેઠકો માટે 895 ઉમેદવારો મેદાને હતા અને સભ્યોની 2125 બેઠકો માટે 4747 ઉમેદવારોઅે નસીબ અજમાવ્યું હતું. રવિવારે મતદાન દરમ્યાન કુલ 6,65,333 મતદારોમાંથી 259660 પુરુષ અને 232547 સ્ત્રી મળી કુલ 4,92,207 લોકોઅે મતદાન કર્યું હતું.

અામ, 73.98 ટકા જેટલું ભારે મતદાન થયું હતું. કેમ કે, ધરતીકંપ પછી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નાના-મોટા ઉદ્યોગો અાવ્યા, નર્મદા કેનાલ સહિતનો વિકાસ દેખાયો અને છેલ્લા કેટલાક વર્ષોથી પવનચક્કીઅોનું જાળું સ્થપાયું, તેના કારણે બે દાયકાથી ગ્રામપંચાયતોની ચૂંટણીનું મહત્વ ખુબ જ વધી ગયું અને ગ્રામસંસદો રસ-કસ વાળી બની ગઇ છે, જેની અસર અા વખતની ચૂંટણીમાં પણ ઝીલાઇ છે. કચ્છની 361 ગ્રામપંચાયતોમાંથી રાત્રે 11 વાગ્યા સુધી 351 ગ્રામપંચાયતોના પરિણામ જાહેર થયા હતા.

ચાંન્દ્રાણીની ‘ચોટદાર’ ચૂંટણી
અંજાર તલાુકાના ચાંન્દ્રાણી ગામે મોટો અપસેટ સર્જાયો હતો. ગ્રામ પંચાયતની અેક પેનલના પ્રણેતા જિલ્લા ભાજપ મહામંત્રી, અમુલના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન અેવા વલ્લમજી હુંબલ હતા, અે પેનલના સરપંચપદના ઉમેદવાર સહિત છ દાવેદારોનાે પરાજય થયો હતો, જ્યારે તેમના પુત્રવધુ સહિત માત્ર બે જ ઉમેદવાર જીત્યા હતા. ભાજપ પ્રેરિત પેનલે તો ગામમાં વલ્લમજીભાઇના ફોટા સાથેના બેનરો પણ લગાવ્યા હતા.

છછીમાં અેકમાત્ર વોર્ડ માટે યોજાયેલી ચૂંટણીમાં ટાઇ
અબડાસા તાલુકાની છછી જૂથ ગ્રામપંચાયતમાં સરપંચ સહિત તમામ વોર્ડ બિનહરીફ થયા હતા પરંતુ માત્ર અેક જ વોર્ડ નં.7 માટે ચૂંટણી યોજાઇ હતી, જેમાં કુલ 108 મતમાંથી અેક નોટા અને અેક મત રદ થતાં બંને ઉમેદવારોને 53-53 મત મળવાની સાથે ટાઇ થઇ હતી. ત્યારબાદ ચિઠ્ઠી નાખી ડ્રો પધ્ધતિથી સાલેમામદ ઉઠારને વિજેતા થયા હતા અને સામાપક્ષે રમજાન અલી ગજણ પર હારી ગયા હતા.

વિજેતાના નામ જાણવા ગામડામાંથી ફોન રણક્યા
જિલ્લાના 10 તાલુકા મથકોઅે મત ગણતરી ચાલુ થાય તે પહેલા જ ઉમેદવારો અને ટેકેદારો પહોંચી ગયા હતા અને દિવસ દરમ્યાન ઉત્સુકતા વચ્ચે તાલુકા મથકોઅે અાવેલા ઉમેદવારો, ટેકેદારો પર ગામડાના લોકોઅે સતત ફોનનો મારો ચલાવી કોણ જીત્યું અને કોણ હાર્યું તે જાણવા માટેના પ્રયાસો અાદર્યા હતા.

લાંચ કેસમાં આવી ગયેલા કુકમાના પૂર્વ સરપંચ પણ જીત્યા
તાજેતરમાં ઔધોગિક એકમને પરવાનગી આપવા માટે લાંચ માંગવાના કિસ્સામાં કુકમાના પૂર્વ સરપંચ કંકુબેન વણકર તેમજ પતિ સહિતના સભ્યો ઝડપાઇ જતા જેલવાસની સજા આપવામાં આવી હતી.જેથી ચર્ચામાં રહેલા કંકુબેન ફરી ગ્રામ પંચાયતની ચૂંટણીના જંગમાં ઉતર્યા હતા.જેમાં સરપંચ નહિ પણ વોર્ડ નંબર 8 માં સભ્ય તરીકે ઉમેદવારી કરીને જીત પણ મેળવી છે.કંકુબેને માધ્યમોને જણાવ્યું કે,તેઓ વોર્ડ નંબર 8 માં 150 થી વધુ મતોની લીડ સાથે જીત્યા છે અને આગામી પાંચ વર્ષમાં જે પણ ખૂટતી કડીઓ હશે તે ગામમાં પૂર્ણ કરવામાં આવશે.

અંજારમાં તંત્રનો ભયંકર છબરડો, વરસામેડીના જીતેલા ઉમેદવારને હરેલો ઘોષિત કરાયો
​​​​​​​અંજાર | બેલેટ પેપરથી થતી ચૂંટણીમાં મતગણતરી સમયે સામાન્ય ભૂલો થાય તે સ્વાભાવિક છે. પરંતુ અંજારમાં તંત્રએ એટલો મોટો છબરડો કર્યો કે તંત્રએ માફી માંગવાનો વારો આવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના વરસામેડી ગામ માટેની મતગણતરી સમયે તંત્રનો આ છબરડો સામે આવ્યો હતો. જેમાં પ્રથમ મિતલબા જાડેજાની પેનલને 14 માંથી 9 વોર્ડ મળ્યા હતા અને સામાપક્ષની પેનલને માત્ર 5 વોર્ડ જ મળ્યા હોવાથી મિતલબા સરપંચ બનશે તેવી વાતો વહેતી થતા લોકોએ પોતાના સ્ટેસ્ટ્સમાં પણ અભિનંદન શરૂ કરી દીધા હતા અને વિજય સરઘસની તૈયારી પણ કરી નાખવામાં આઆવી હતી.

પરંતુ અંજાર પુરવઠા શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીએ મોટી ભૂલ કરી મિતલબાને 13 મતોથી હાર્યા હોવાનું જાહેર કરી દીધું હતું. જેથી 700 મતોથી આગળ ચાલતા ઉમેદવાર હારી જતા તંગદિલી સર્જાઈ હતી. જે બાદ રિકાઉન્ટિંગની માંગ કરાતા હકીકતે હારેલા જાહેર થયેલા ઉમેદવાર 737 મતોથી વિજયી હોવાનું ખુલ્યું હતું. નાયબ મામલતદારની આ મોટી ભૂલના કારણે અંજારના મામલતદાર દ્વારા ઉમેદવારની માફી પણ માંગવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...