કાર્યવાહી:પાણીનો વ્યય કરનારા 80 જેટલા રહીશોને સુધરાઇએ ફટકારી નોટિસ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો નહિ સુધરે તો જોડાણ કાપી, દંડ વસૂલવામાં આવશે

ભુજમાં પાણીનો કકળાટ કરવો હોય તો તરત જ મોરચો લઇને સુધરાઇએ પહોંચી જનારા ઘણા છે, પરંતુ ઘરના અંડરગ્રાઉન્ડ કે ઓવરહેડ વોટર ટેન્ક ઓવરફ્લો થાય ત્યારે જવાબદારી સાથે વ્યય અટકાવનાર કેટલા ? બાર દિવસ અગાઉ ભુજ નગર પાલિકાના મુખ્ય અધિકારી તરીકે જવાબદારી સંભાળનાર પરાક્રમસિંહ મકવાણાએ આવા રહેવાસીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. દસ દિવસમાં જ ટીમને ભુજના અગિયાર વોર્ડમાં દોડાવી આવા બેદરકાર એંસી જેટલા રહેવાસીઓને નોટિસ ઠપકારી છે.

નગર પાલિકાએ અનેક પ્રશ્નોના હલ કરવાના હોય છે, તેની વચ્ચે લોકોમાં શિસ્ત આવે તેમજ પાણીનો વ્યય ન કરવો જોઈએ તેવી જવાબદારીનું ભાન થાય તે માટે પાણીનું નિયત સપ્લાય કરવામાં આવે ત્યારે ટાંકા છલકાતા હોય તેનું સેનીટેશન સ્ટાફ દ્વારા સર્વે કરાયું હતું. આ દરમિયાન જેમના ટાંકાનું પાણી છલકાઈ રસ્તા પર વહેતું હોય તેવા જોડાણ ધારકોને નોટિસ પાઠવી હતી. અને હજી પણ જો બેદરકારી દેખાશે તો જોડાણ રદ કરીને દંડ ફટકારવામાં આવશે. આ અંગે ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ જણાવ્યું કે, આર્થિક ઉન્નતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ ત્યારે પાણી વ્યય કરનાર સામે પગલાં લેવાનું કહ્યું હતું. સ્થળ પર જ એકસો રૂપિયાનો દંડ વસૂલવાની સૂચના આપી છે, અને ફરીથી તે જ ઘર કે દુકાન બહાર પાણી દેખાશે તો કનેક્શન કાપી નાખવા સહિતની કાર્યવાહી કરાશે.

સૂચના આપતી ઓડિયો ક્લિપ પ્રસારિત કરી
ભુજ નગરપાલિકા દ્વારા પાણી વ્યય બચાવ અભિયાન શરૂ કર્યું છે, તે ઉપલક્ષમાં લોકોને પાણી ન વેડફવા માટે સૂચના આપતી ઓડિયો ક્લિપ ઉતારી પ્રસારિત કરી છે. સોશિયલ મીડિયા ઉપર અને નગર પાલિકાના વાહન પર લાઉડસ્પીકર લગાવી ભુજના દરેક વોર્ડમાં ફેરવવામાં આવે છે. આવી પહેલ સંભવતઃ પ્રથમ વખત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...