તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પાણીના ટેન્કર મુદ્દે બંને પક્ષના નગરસેવકોની હાથાપાઈ

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝગડો પહોંચ્યો પોલીસના દ્વારે - Divya Bhaskar
ઝગડો પહોંચ્યો પોલીસના દ્વારે
  • રાવલવાડી ટાંકે બુધવારે રાત્રે ભાજપના કાઉન્સિલરે કોંગ્રેસની નગરસેવિકા સામે પથ્થર ઉગામ્યો
  • ભુજ પાલિકાના વિપક્ષી સદસ્યો પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક પાસે કરી લેખિત ફરિયાદ

ભુજમાં રાવલવાડી પાસે નગરપાલિકા સંચાલિત અન્ડર ગ્રાઉન્ડ અને અોવર હેડ ટેન્ક છે, જેમાંથી ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની સુવિધા છે. પરંતુ, શાસક અને વિપક્ષના નગરસેવકો વચ્ચે પાણીના ટેન્કર ઉપર કબજો જમાવવા અવારનવાર બોલાચાલી થતી હોય છે, જેમાં બુધવારે રાત્રે કોંગ્રેસની નગરસેવિકા અાઈસુબેન સમા અને ભાજપના નગરસેવક કાસમ સુલેમાન કુંભાર ઉર્ફે ધાલાભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે અને ભાજપના નગરસેવક ધાલાભાઈઅે કોંગ્રેસની નગરસેવિકા અાઈસુબેન અને તેમના પતિ અલીમામદ સમા સામે મોટો પથ્થર ઉગાડી પાણીનો ટેન્કર લઈને ચાલ્યા ગયા હતા, જેથી મામલો પોલીસ અધિક્ષકની કચેરીઅે પહોંચ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે 10 વાગ્યા બાદ વોર્ડ નંબર 1ના કોંગ્રેસી નગરસેવિકા અાઈસુબેન અલીમામદ સમા અને વોર્ડ નંબર 4ના ભાજપના નગરસેવક હનીફ માંજોઠી પાણીના ટેન્કરની રાહ જોઈને બેઠા હતા, જેમાં ભાજપના નગરસેવક માંજોઠીઅે કોંગ્રેસી નગરસેવિકાનો અગ્રતાક્રમ સ્વીકારી પહેલા તેમને પહેલા તેમને પાણીનો ટેન્કર મોકલવા સહમતિ અાપી હતી. પરંતુ, ત્યારબાદ વોર્ડ નંબર 3ના ભાજપના નગરસેવક કાસમ સુલેમાન કુંભાર ઉર્ફે ધાલાભાઈ અચાનક ધસી અાવ્યા હતા અને પાણીનો ટેન્કર તેમના વિસ્તારમાં લઈ જવા અાગળ વધ્યા હતા, જેથી કોંગ્રેસી નગરસેવિકા અાઈસુબેન અને તેમના પતિ અલીમામદે તેમને અટકાવ્યા હતા.

બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ભાજપના નગરસેવક ધાલાભાઈઅે પથ્થર ઉપાડીને બંને પતિ પત્ની સામે ઉગામ્યો હતો અને પાણીનો ટેન્કર લઈને ચાલ્યા ગયા હતા. જે દરમિયાન ભુજ નગરપાલિકાની વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચના કર્મચારીઅો ડરના માર્યા અાગળપાછળ થઈ ગયા હતા. બીજા દિવસે ગુરુવારે બપોરે અાઈસુબેન અે. સમા, હાસમ સમા, મહેબુબ પંખેરીયા, હમીદ સમા, ફકીરમામદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, કાસમ સમા, અલીમામદ સમા, રજાક ચાકી, અંજલિ ગોર સહિતના પોલીસ અધિક્ષકની કચેરીઅે ધસી ગયા હતા અને ડી.વાય. અેસ.પી. જે.અેન. પંચાલને લેખિત ફરિયાદ અાપી હતી, જેમાં ડી.વાય. અેસ.પી. પંચાલે સાૈને સાંભળીને સંબંધિત સિટી પોલીસ ડિવિઝનને તપાસ સોંપી કાર્યવાહીની ખાતરી અાપી હતી.

ધારાસભ્ય અને સાંસદના નામે ધાકધમકીનો અાક્ષેપ
નગરસેવિકા અાઈસુબેન અે. સમાઅે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અને સાંસદ વિનોદ ચાવડાને કોલ કરી કહ્યું હતું કે, વોર્ડ નંબર 3ના ભાજપના નગરસેવક કાસમ સુલેમાન કુંભાર ઉર્ફે ધાલાભાઈ તમારા નામે ધાક ધમકી કરી રહ્યા છે. સૂત્રોઅે જણાવ્યું હતું કે, અે કોલની અોડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી.

અગાઉ પણ શાસક પક્ષના નગરસેવકોઅે કરી હતી મારામારી : તત્કાલિન પી.અાઈ. પણ ધસી ગયા હતા
અગાઉ 2015ની ચૂંટણી બાદ 2016માં ભુજ નગરપાલિકાના સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ રાવલવાડી ટાંકે પાણીના ટેન્કર મુદ્દે ભાજપના જ હયાત અને માજી નગરસેવકોઅે વોટર ટેન્કર બ્રાન્ચના કર્મચારીઅોને માર મારી પાણીના ટેન્કરની લૂંટ કરી હતી. જે બાદ તત્કાલિન નગરપતિ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા ઘટના સ્થળે ધસી ગયા હતા. તત્કાલિન પી.અાઈ. અે.જે. દેસાઈ પણ ધસી ગયા હતા.

રૂપિયા ખર્ચી પાલિકામાં નોંધણી કરાવનારા શહેરીજનોને સમયસર ટેન્કર મળતું નથી
ભુજ નગરપાલિકામાં રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કરની નોંધણી કરાવનારાના શહેરીજનોને માંડ 10થી 15 દિવસે પાણીનું ટેન્કર મળે છે. પરંતુ, અોળખીતા પારખીતા કે વગદારો નગરસેવકોને કોલ કરે તો તાત્કાલિક મફતમાં પાણીનો ટેન્કર પહોંચી જાય છે. હાલ પણ પાણીની કટોકટી સર્જાઈ છે ત્યારે પણ અેજ સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...