કોરોના ઈફેક્ટ:કચ્છના પરિવહન, પર્યટન અને પેસેન્જર વ્યવસાય પર લાગ્યું કોરોનાનું ગ્રહણ, વગર લોકડાઉને ઔદ્યોગિક એકમોની મુશ્કેલી વધી

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરપ્રાંતીય શ્રમિકો પલાયન કરી જતા ઉત્પાદન પર અસર

કચ્છમાં બે માસથી કોરોનાં કેસના આંકડાનો ગ્રાફ ઊંચો આવી રહ્યો છે. તો અર્થતંત્રનું માળખું ખૂબ નીચું જઇ રહ્યું છે. મેડિકલ અને જરૂરી ચીજ વસ્તુ સિવાય તમામ સરકારી અને ખાનગી ક્ષેત્રના નાના મોટા વ્યવસાયો, ઉધોગોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

મુસાફરો ઘટતા એસટીના રૂટ બંધ કરવાની ફરજ પડીએસ.ટી. વિભાગની વાત કરવામાં આવે તો લાંબા રૂટની સ્લીપર અને ગુર્જર નગરી એક્સપ્રેસ બસો અપૂરતા ટ્રાફિક મળવાના કારણે મોટા ભાગે બંધ કરી દેવાઈ છે. રનિંગ એક્સપ્રેસ બસો જે દોડી રહી છે. તેમાં પણ ટ્રાફિક પૂરતો નથી દેખાઈ રહ્યો. ટ્રાફિક ઘટના કારણે એસ.ટી. વિભાગને ડીઝલ સહિતનો ખર્ચ માથે પડી રહ્યો છે. મુસાફર વર્ગની અવર જવર નહિવત હોવાથી સુપર એક્સપ્રેસ બસો બંધ કરવાની ફરજ પડી હોવાનું એસ.ટી. તંત્રના ચંદ્રકાન્ત મહાજને જણાવ્યું હતું.

જિલ્લાના મહત્વના ટોલનાકાની આવકમાં ગાબડું પડ્યુંકચ્છના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા મૉખા (મુન્દ્રા), સામાખીયાળી, સુરજબારી અને માંખેલ ટોલ નાકા પણ કોરોના મહામારીને લઇ નુકશાની વેઠી રહ્યાં જાણવા મળ્યું હતું. કચ્છના તમામ જાહેર પર્યટન અને તીર્થ સ્થળો હાલ બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે બહારથી જીપ, મીની લકઝરી, બસ અને કાર જેવા ખાનગી વાહનો મારફત આવતા લોકોની અવર જવર તદ્દન બંધ થઈ ગઈ છે. જેની સીધી અસર સુરજબારી, માંખેલ અને સામખીયાળી ટોલ બુથ પર પડી રહી છે, આ પ્રકારના ખાનગી વાહનોનો ટ્રાફિક છેલ્લા બે માસમાં 80 ટકા જેટલો ઘટી ગયો છે. વાત કરવામાં આવે સામાખીયાળીની તો અહીં દૈનિક 40 લાખની આવક સામે 25 ટકા જેટલો ઘટાડો થયાનું ટોલ તંત્ર પાસેથી જાણવા મળ્યું હતું .

પરપ્રાંતીય કામદારોના પલાયનના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર અસરખાસ કરીને મુન્દ્રા અને સામાખીયાળી વિસ્તારમાં આવેલા ઔધોગિક એકમોમાં હોળી પૂર્વે વતન ગયેલા કામદારો, અને ડ્રાયવર સહિતના લોકો કોરોના બીમારી વધી જતાં રોકાઈ ગયા છે. આ લોકો પરત ન ફરતા અને બહારથી પૂરતા પ્રમાણમાં કાચો માલ ન મળતા ઉત્પાદન પર અસર પડી રહી છે. સામાખીયાળી નજીકની ગેલન્ટ કંપનીમાં ઓક્સિજન ન મળતા છેલ્લા 15 દિવસથી સળિયા પ્લાન્ટ બંધ પડ્યો છે. કંપનીના અધિકારી સુશીલકુમાર ઓઝાએ કહ્યું હતું કે કોરોના કેસની સંખ્યા વધી જતા સેંકડોની સંખ્યામાં સ્ટાફના લોકો વગર કહ્યે પોત પોતાના વતન નીકળી ગયા છે.

મોટાભાગના બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના શ્રમિકો કોરોનાના ડરથી ભાગી ગયા છે. અંદાજિત 50 ટકા જેટલો સ્ટાફ ઘટી ગયો છે. આવીજ પરિસ્થિતિ દરેક ઉધોગોમાં સર્જાઈ છે. જેની અસર ચોક્કસપણે ઉત્પાદન પર થવાની છે. આમ ચોવીસ કલાક ધમધમતા એકમોમાં અત્યારે ઉત્પાદન ઘટી ગયું છે.

ઔદ્યોગિક ઉત્પાદન ઘટતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ફટકો પડ્યોખાનગી કંપનીઓમાં ઉત્પાદન ઘટતા ટ્રાન્સપોર્ટ ઉધોગ પર પણ તેની અસર નોંધાઇ રહી છે. ઉધોગો દ્વારા રાજ્યભરમાં માલ પહોંચાડવા માટે ભાડે રાખતી ટ્રાકોને પૂરતા ઓર્ડર ન મળતા વર્ધિ નથી અપાઈ રહી. અનેક માલવાહક વાહનો હાલ ટ્રાસ્પોર્ટ કચેરી બહાર ઉભેલી જોવા મળી રહી છે. આ વ્યવસાયને પણ 25 થી 30 ટકા જેટલું નુકશાન પડી રહ્યાનું ટ્રક માલિકોએ જણાવ્યું હતું.

હાઇવે પરના હોટેલ જગતમાં પણ કોરોનાને લઈ ઘેરી અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને સ્થાનિક લોકોની સાથે ટ્રક ચાલકો , મુસાફરો, અને પર્યટકોની ગેર હાજરીની સીધી અસર હાઇવે હોટલલોની આવક પર પડી રહી છે. સામાખીયાળી ટોલ બુથ નજીક આવેલી હોટેલમાં અત્યારે આસપાસના કામદારો સિવાય સમ ખાવા પૂરતી ગ્રાહકી નથી રહી. વગર લોકડાઉને અહીં લોકડાઉન જેવું ચિત્ર દેખાય છે. એવું હોટેલ સંચાલક રમેશ મરાજે જણાવ્યું હતું. ચામુંડા હોટેલ વાળા ગંગારામ મારાજે પણ 50 ટકાથી વધારે ધંધા ઉપર અસર પડયાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...