તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી પરમો ધર્મ:જેલમાંથી કોરોના થશે તડીપાર : 400ની સરેરાશ કેદીઓની સંખ્યામાં સંક્રમણ માત્ર 14 ટકા !!

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છની જેલના બંદીવાનો સમાજને આપે છે પ્રેરણા
  • પાલારા અને ગળપાદર જેલમાં સજા ભોગવી રહેલા કેદીઅોએ માસ્ક પહેરીને તથા સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરીને કોરોનાને હાવી થવા દીધો નથી

કચ્છમાં હાલ શહેરોથી લઇને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાઅે કહેર મચાવ્યો છે. પરંતુ સુખદ અાશ્ચર્ય વચ્ચે સમાજના રીત રિવાજોના સામંજસ્યને તોડીને જેલમાં સજા ભોગવી રહેલા કેદીઅોએ માસ્ક પહેરીને તથા સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરીને જેલની અંદર કોરોનાને હાવી થવા દીધો નથી ! કચ્છની પાલારા અને ગળપાદરની જેલ મધ્યે કોરોનાનો કહેર જોર પકડી શક્યો નથી. કચ્છની બંને જેલોમાં આજ સુધીના કોરોના સંક્રમિત લોકોની સંખ્યા, કુલ સંખ્યાના 15% થી ઓછી છે.

જેલ શબ્દ ગુનાઓ સાથે સંબંધિત છે, જેલનું નામ સાંભળતા જ સામાન્ય વિચાર નકારાત્મકતા ઊભી કરે પરંતુ કચ્છની આ બંને જેલ એ ખરાં અર્થમાં સાબિત કરી બતાવ્યું છે કે, ‘જેલ એ ભૂલસુધારણા ગૃહ’ છે. જેલના બંદીવાન મહિલા અને પુરુષ કેદીઅો સજાના બેરેકમાં રહીને પણ કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. સમાજના સામાન્ય લોકો કોઈ કારણોસર ગાફેલ બન્યા ત્યારે કોરોના સંક્રમિત બન્યા પણ જેલ પ્રશાસને આ ગાફેલિયત જેલના સ્ટાફ કે બંદીવાનોને બિલકુલ કરવા દીધી નથી.

સૌપ્રથમ લોકડાઉન જાહેર કરાયો ત્યારે અમુક બંદીવાનોને કોર્ટના આદેશ મુજબ છોડી દેવામાં આવ્યા હતા, તેઓ ચોક્કસ મુદતને અંતે જેલ પરત ફર્યા, જેલમાં નવા આવનારા કેદીઓ તથા કોર્ટની કાર્યવાહીના અનુસંધાને કેદીઓ સાથે પ્રશાસનના સ્ટાફની વિભાગીય કામગીરીના લીધે આવન-જાવન વધી હોવાના લીધે ખૂબ સાવચેતી રાખવી પડતી હતી. આ દરેક કિસ્સામાં કોવિડ ગાઇડલાઇનનો ચુસ્ત પાલન કરતાં સંક્રમણ નિયંત્રણમાં રાખવા સફળ બની શક્યા છીએ. તે સિવાય પણ મુલાકાતીઓને કોરોના નેગેટિવના રિપોર્ટ વગર બંદીવાનોને મળવા દેવાની છૂટ આપવામાં આવી નથી.

જેલમાં ડિઝાસ્ટર અવેરનેસ અને વિવિધલક્ષી મેડીકલ કેમ્પ યોજાતા હોય છે. શક્તિવર્ધક ટેબલેટનું વિતરણ, ઉકાળાનું વિતરણ તથા પ્રાથમિક આરોગ્યની તપાસ કરવામાં આવે છે. નિયમિત ધોરણે જેલ ઓફિસ, હોલ અને બધા બેરેકને સેનિટાઇઝ કરવામાં આવે છે. દરરોજ વડી કચેરીમાં કામગીરીનો અહેવાલ મોકલવામાં આવે છે અને સાથે અઠવાડિયામાં બે વાર વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરવામાં આવે છે. દરરોજ સવારે નિયમિત યોગા કરાવવામાં આવે છે તેથી સંક્રમણની સંભાવનાને શૂન્ય બનાવી શકાય.

જેલમાં બંદીવાન ભાઈઓ દ્વારા 2000થી વધુ માસ્ક પણ બનાવવામાં આવ્યા છે. આ સિવાય અન્ય સંસ્થાઓની મદદથી ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. કચ્છની બંને જેલોની હોસ્પીટલમાં ECG, CT Scan તથા ઑક્સીજનની પૂરતી વ્યવસ્થા છે. સિવિલ સર્જનની નિગરાની હેઠળ મેડિકલ સ્ટાફમાં ડોક્ટર, લેબ ટેક્નિશિયન કાર્યરત છે તથા પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ પણ ઊભા કરેલા છે. હંગામી મુદતની રજા ભોગવીને આવેલા બંદીવાનો કે સ્ટાફનું ફરજિયાત કોરોનાના રેપિડ અથવા RT- PCR ટેસ્ટ કરાવવામાં આવે છે.

વર્ષ 2020- 21ના આંકડાઓ પુષ્ટિ કરે છે કે જેલમાં સંક્રમણ ખૂબ ઓછું ફેલાયું છે અને તે પાછળ સ્ટાફની સજાગતા અને બંદીવાનોની સહભાગીદારી મુખ્ય કારણો બની રહ્યા. અત્રેની બંને જેલો દ્વારા સરકારની નવી ગાઈડલાઇન મુજબ જિલ્લા કક્ષાએ અરજી કરવામાં આવી છે કે 18થી વધુ વયના તમામ કેદીઓના રસીકરણ કાર્યક્રમની વ્યવસ્થા કરી આપવામાં આવે.

વર્ષ 2020-2021 દરમિયાન

ગળપાદરપાલારા

બંદીવાનોની સંખ્યા

321322
સ્ટાફની સંખ્યા3796
કોરોના સંક્રમિત5210
રસીકરણ100%100%

(45થી વધુ વયના બંદીવાનો, તમામ સ્ટાફ)

કોરંટાઈન બેરેકની સંખ્યા

1 (30ની ક્ષમતા)4(20ની ક્ષમતા)

કોવિડ દરમિયાનનું સૂત્ર બનાવ્યું છે – ‘સાવચેતી સાથે સુધારણા’: આર. એ. રાવ, પાલારા જેલ અધિક્ષક
અહિયાં દરરોજ કોરોના સંક્રમણ સામે સાવચેતીના પગલાં ભરવા અનુરોધ કરાય છે અને એક પણ ભૂલ ન થાય તે માટે પ્રશાસનની બાજ નજર ગોઠવાયેલી છે. જેલનો સ્ટાફ પણ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવીને વ્યવસ્થા સંભાળી રહ્યા છે ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા પોતાને સુરક્ષિત કરે છે અને સાથોસાથ અન્યને પણ સંક્રમિત થતાં બચાવે છે.

સંક્રમણ થાય તો કેદી અને સ્ટાફ બંનેની હાલત કફોડી થાય: ડી. એમ. ગોહિલ, ગળપાદર જેલ અધિક્ષક
અમે બંદીવાનોને કડક સૂચના આપી છે કે જરા પણ તાવ, શરદી કે કફના લક્ષણો જણાય તો સ્ટાફને જાણ કરવી જેથી તેમને અન્ય બંદીવાનોથી જુદા કરી શકાય અન્યને સંક્રમણ ફેલાતા અટકાવી શકાય. છેલ્લા એક વર્ષથી કોવિડ જાગૃતિની તાલીમ બંદીવાનોને નિયમિતરૂપે આપવામાં આવી છે, જેમાં કોવિડની ગાઈડલાઇનના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...