કોરોનાવાઈરસ:કચ્છની 393 બેંકોમાં સેવા આપતા કોરોના વોરિયર્સ, સરકારી અને પ્રાઇવેટ બેંકો સેવારત

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તમામ બ્રાન્ચોમાં 50 ટકા સ્ટાફ, રોટેશન અને સમગ્ર તકેદારી સાથે બેંકોમાં કામકાજ ચાલુ રહ્યા
  • લોકડાઉન વચ્ચે લોકોના આર્થિક વ્યવહાર ન ખોરવાય તે માટે જિલ્લાની સરકારી અને પ્રાઇવેટ બેંકો સેવારત

કચ્છમાં કોરોના મહામારી વચ્ચે લોકડાઉન અમલી બન્યા બાદ પણ લોકોના આર્થિક વ્યવહારો ન ખોરવાય તે માટે જિલ્લાની 393 બેંકો કાર્યરત રહી છે અને દરેક બેંક શાખામાં કોરોના વોરીયર્સ કર્મચારીઓ તકેદારી સાથે સેવા આપી રહ્યા છે.કાતિલ કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સરકારે લોકડાઉન અમલી બનાવ્યો હતો, જેમાં જે-તે વખતે આવશ્કય ચીજવસ્તુઓ સિવાયની તમામ સેવાઓ પર રોક લગાવવામાં આવી હતી. ત્યારબાદ લંબાયેલા લોકડાઉનમાં છૂટછાટ સાથે વધારાની સેવાઓ શરૂ કરાઇ છે પરંતુ જિલ્લાની 393 બેંકો માર્ચ મહિનામાં શરૂઆતના તબક્કે લોકડાઉન અમલી બન્યું ત્યારથી જ કાર્યરત છે. ધંધા-રોજગાર બંધ હતા તેવા સમયમાં લોકોના નાણાકીય વ્યવહારો ન ખોરવાય તે માટે જિલ્લાની તમામ બેંકો કાર્યરત છે અને બેંકોના અધિકારીઓ, કર્મચારીઓ પણ કોરોના વોરીયર્સ તરીકે સેવા આપી રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં બેંક કર્મચારીઓ સેવા આપી રહ્યા છે
બેંકોમાં નાણાં જમા કરાવવા, ઉપાડવા સહિત અન્વય વ્યવહારો માટે બેંકોમાં લોકોની વિશેષ ભીડ જોવા મળે છે તેમ છતાં બેંક સ્ટાફગણ પણ તબીબો, પોલીસ, નર્સ, જિલ્લા વહવટી તંત્ર વગેરેની જેમ કોરોના વોરિયર્સ તરીકે સેવા  આપી રહ્યા છે. વધુમાં લોકડાઉનમાં પણ અમુક લોકો તો માત્ર ટાઇમ પાસ કરવાના બહારને જ બેંકમાં આવતા હોય છે. દરરોજ નજીવી રકમ ઉપાડવાની સાથે નજીવી રકમ જમા કરાવવાના બહાને ઘરમાં બેસીને કંટાળેલા લોકો તો કયારેક બેંકના કર્મચારીઓ સાથે પણ કારણ વગરની જીભાજોડી કરતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં બેંક કર્મચારીઓ સેવા આપી રહ્યા છે.અત્રે નોંધનીય છે કે, ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરતા કચ્છમાં  બેંકોને લઇને પણ અસમાનતા જોવા મળી રહી છે. રાજકીય ક્ષેત્રે અણમાનીતા અબડાસા, રાપર અને લખપત તાલુકામાં અન્ય તાલુકાની સરખામણીએ બેંકોની સંખ્યા નહિવત છે.

દરરોજ દરેક શાખાને સેનેટાઇઝ કરવાની સાથે રખાતી તકેદારી
કોરોનાનું સંક્રમણ અટકે તે માટે દરેક શાખામાં સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરાય છે અને તે રીતે જે-તે બેંક શાખાની બહાર નિયત અંતરે ગોળ કુંડાળા પણ કરવામાં આવ્યા છે. તમામ બેંક શાખાઓને દરરોજ સેનેટાઇઝ કરવાની સાથે દરેક શાખામાં થર્મલ ગનથી લોકોનું સ્ક્રીનિંગ કરાય છે. બેંકોમાં માસ્ક, હાથના મોજાં, સેનેટાઇઝર વગેરે આપવામાં આવ્યા છે. વધુમાં દરેક કર્મચારી પોતાની જ બોલપેનનો ઉપયોગ કરે તે માટે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા અપાયેલી 10 હજાર જેટલી બોલપેન જિલ્લાની તમામ બેંક શાખાઓમાં મોકલી અપાઇ હોવાનું દેના લીડબેંક મેનેજર સિન્હાએ જણાવ્યું હતું.
સરકાકર ગમે તે હોય બેંક કર્મીઓને પ્રોત્સાહન નથી અપાતું : બેંક યુનિયન જનરલ સેક્રેટરી
કોરોના મહામારી વચ્ચે બંધ ઉદ્યોગ-ધંધાને બેઠા કરવા માટે સરકારે 20 લાખ કરોડના પેકેજ અને નાના વેપારીઓને મદદરૂપ થવા માટે એક લાખની લોનની પણ જાહેરાત કરી છે, જેથી રોજિંદા વ્યવહારોની સાથે સરકારની કોઇપણ યોજનામાં બેંક તો આવતી જ હોય છે. કોરોનાના કહેર વચ્ચે પણ બેંક કર્મીઓ અવિરત સેવા આપી રહ્યા છે, જેથી કોરોનાના કારણે જો કોઇ બેંક કર્મચારીનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં સરકારે રૂ.30 લાખ આપવાનું નક્કી કર્યું છે. વધુમાં સરકાર ગમે તે પક્ષની હોય પરંતુ જે રીતે તબીબો, પોલીસ વગેરેને પ્રોત્સાહન અપાય છે તે રીતે બેંક કર્મચારીઓને ન અપાતું હોવાનું કચ્છ જિલ્લા બેંક યુનિયનના જનરલ સેક્રેટરી અશોકભાઇ ભટ્ટે જણાવ્યું હતું.

દર મહિને જિલ્લાના 2.92 જનધન ખાતામાં જમા થાય છે રૂ.500
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મહિલાઓના જનધન ખાતાઓમાં દર મહિને રૂ.500 જમા કરાવવામાં આવે છે. લોકડાઉનમાં હાલે છૂટછાટ અપાઇ છે પરંતુ શરૂઆતના તબક્કે તો તમામ ધંધા-રોજગાર બંધ હતા જેથી રોજેરોજનું કમાઇને ખાતા લોકો અને મધ્યમ વર્ગના લોકોની હાલત દયનીય બની ગઇ છે, આવી સ્થિતિમાં સરકારની કોઇપણ યોજના હોય તો તેમાં બેંકની વિશેષ જવાબદારી બની જાય છે, જેથી લોકડાઉનમાં દર મહિને મહિલાઓના 2.92 જનધન ખાતામાં રૂ.500 જમા કરાવવામાં આવતા હોવાનું દેના લીડબેંક મેનેજર સંજયકુમાર સિન્હાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...