કોરોના બેકાબૂ:કચ્છની સરકારી કચેરીઓમાં રેપિડ ટેસ્ટથી કોરોના સંક્રમણ તપાસાયું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિ. પં.માં 12માંથી 3 પોઝિટિવની વિગત છુપાવાઈ
  • કલેકટર કચેરી અને બહુમાળીમાં તમામ નેગેટિવ

કચ્છના વહીવટ તંત્રએ ભારત તથા ગુજરાતમાં પ્રતિદિન કોવીડ-19 ના કેસો વધે છે એની કબૂલાત સાથે જિલ્લાની સરકારી કચેરીઓમાં રેપિડ ટેસ્ટથી સંક્રમણ તપાસacાની કામગીરી શરૂ કરાયાની માહિતી અપાઈ છે, જેમાં કલેકટર અને બહુમાળી ભવનમાં વિવિધ સરકારી કચેરીઓમાં રેપિડ ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ આવ્યાના ગીત ગાયા છે. પરંતુ, જિલ્લા પંચાયતમાં કેટલા ટેસ્ટ થયા અને તેમાંથી પોઝિટિવ આવ્યા એની માહિતી છુપાઈ છે.

કેટલા નેગેટિવ અને કેટલા પોઝિટિવ આવ્યા છે વિગત છુપાઈ
અખબારી યાદીમાં જણાવાયું છે કે, કચ્છમાં કોરોનાના વધતા કેસની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધી ગુજરાત એપેડમીક ડિસીઝ કોવીડ-19 રેગ્યુલેશન 2020 જાહેર કરવામાં આવેલ છે. જે સાથે કોવીડ-19ના સંક્રમણને રોકવા અને સાવચેતીના પગલાંરૂપે સરકારે રેપીડ એન્ટીજન ટેસ્ટ પણ શરૂ કર્યા છે. RAT ટેસ્ટ દ્વારા દસેક મીનીટમાં જ કોરોનાનું પરિણામ જાણવા મળે છે. નાક વાટે પરીક્ષણ કરી ટેસ્ટ કિટમાં કોરોના નેગેટીવ, પોઝીટીવની તત્કાળ જાણકારી મળી જાય છે. કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાલમાં રાજય સરકાર દ્વારા રેપીડ ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. જેના પગલે કચ્છ જિલ્લાના વહીવટી માળખા હેઠળ કામગીરી કરતી કચેરીઓને આવરી લેવામાં આવી હતી. કલેકટર કચેરીમાંથી 112 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં તમામેતમામ 112 નેગેટીવ આવ્યા છે. જિલ્લા પંચાયત ભુજ ખાતે પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યાં બેસતી વિવિધ કચેરી શાખાના કર્મયોગીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો. જોકે, કેટલા ટેસ્ટ કર્યા, તેમાંથી કેટલા નેગેટિવ અને કેટલા પોઝિટિવ આવ્યા છે વિગત છુપાઈ છે. પરંતુ, સૂત્રોમાંથી મળતી વિગત મુજબ માત્ર 12 ટેસ્ટ થયા છે, જેમાંથી 3 તો પોઝિટિવ આવ્યા છે. એ વિગત જણાવ્યા વિના ઉમેર્યું છે કે, ત્યારબાદ જિલ્લા તંત્રને સક્રિય રાખતી વિવિધ સરકારી કચેરીઓ, શાખાઓ અને બોર્ડ નિગમની કચેરીઓમાં પણ આ અભિયાન હેઠળ બહુમાળીભવનમાં 34 સેમ્પલ લેવામાં આવ્યા તમામ સેમ્પલ નેગેટીવ આવ્યા છે.

બેન્કર્સ કોલોનીમાં શરીરનું ઓક્સિજન તપાસાયું
ભુજના બેન્કર્સ કોલોનીમાં એક મહિલાનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા. તેમના ઘરના એસપીઓટુ એટલે કે શરીરનું ઓકિસજન લેવલ તપાસવામાં આવ્યું હતું. હોમ્યોપેથિક અને આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકારની ગાઇડલાઇન મુજબ આ વિસ્તાર પ્રતિબંધિત ઝોન જાહેર કર્યો હતો. ભુજ રાષ્ટ્રીય બાલ સ્વસ્થ કાર્યક્રમના તબીબ ડો.હિમાની પટેલ અને ફાર્માસીસ્ટ હિતેશ ગોરસીયા, ડો.રમેશ મિસ્ત્રી અને એફએસડબલ્યુ ડાઇબેન સહિત ટીમે મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...