કોરોનાની વકરતી સ્થિતી:રાજ્ય સ્તરે પરિસ્થિતિની ગંભીરતા છુપાવતા જિલ્લા વહીવટી તંત્રના પાપે કોરોના દર્દીઓનાં મોત વધ્યા

ભુજ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી અને જિલ્લા પ્રભારી સચિવની મુલાકાત બાદ કચ્છ ઓવતો ઓક્સિજનનો જથ્થો બંધ થયાનો બોલતો પુરાવો
  • પ્રાણવાયુ વિના વેન્ટિલેટર પણ નકામા, દરરોજ ઉમેરાતા 200-200 દર્દી વચ્ચે 160 વેન્ટિલેટરની શું વિસાત ?

કચ્છના સરકારી વહીવટી તંત્રઅે રાજ્ય સરકારને જિલ્લામાં કોરોનાની અંકુશ બહાર ગયેલી પરિસ્થિતિની ગંભીરતા સમજાવી નથી, જેથી ગાંધીનગરના કન્ટ્રોલ વિભાગ દ્વારા જિલ્લા બહારથી ટેન્કર મારફતે કચ્છમાં અાવતો લિક્વિડ અોક્સિજનનો જથ્થો બંધ કરી દેવાયો છે. બીજી બાજુ વેન્ટિલેટર ઉપર કામ કરી શકે અેવા નિષ્ણાત તબીબી સ્ટાફની ઘટ છે. જેની અાડઅસર રૂપે વેન્ટિલેટર પણ વપરાશમાં લઈ નથી શકાતા.

પરિણામે કોરોના પોઝિટિવ કેસમાં ગંભીર દર્દીઅો યોગ્ય અને પૂરતી સારવાર વિના દમ તોડી રહ્યા છે. વળી દરરોજ ઉમેરાતા 200-200 દર્દીઅો વચ્ચે વધુ નવા 80 વેન્ટિલેટરના ઉમેરા સાથે કુલ 160 જેટલા વેન્ટિલેટરની પણ શું વિસાત. અામ છતાં જિલ્લા વહીવટી તંત્રઅે હજુ પણ પરિસ્થિતિ અંકુશ બહાર ન ગઈ હોવાનું ગાણુ ગાયે રાખ્યું છે.

કચ્છની કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા 17મી અેપ્રિલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉચ્ચ અધિકારીઅોના કાફલા સાથે ભુજ ધસી અાવ્યા હતા. તેમણે અધિકારીઅો અને લોક પ્રતિનિધિઅો જોડે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવવા કોશિષ કરી હતી. જે બાદ મુખ્યમંત્રીઅે કોરોના દર્દીઅો માટે વધુ 2000 પથારી ઊભી કરવા, અાર.ટી.પી.સી.અાર. મશીન લાવવા સહિતની ખાતરી અાપી હતી. અેમના ગયા બાદ તો કોઈ સુધારો ન અાવ્યો ઉલ્ટું પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ.

ત્યારબાદ 24મી અેપ્રિલે કચ્છ જિલ્લા અારોગ્ય પ્રભારી સચિવ અને સિનિયર અાઇ.અે.અેસ. જે.પી. ગુપ્તા અાવ્યા. જેમણે અધિકારીઅો અને લોક પ્રતિનિધિઅો જોડે બેઠક કરી હતી, જેમાં શાયદ કચ્છ જિલ્લામાં ગંભીર પરિસ્થિતિની યોગ્ય રજુઅાત કરવાને બદલે પરિસ્થિતિ અંકુશ બહાર નથી અેવું કહેવાયું હશે, જેથી તેમના અાગમના બીજા દિવસે જિલ્લા બહારથી ટેન્કર મારફતે કચ્છ અાવતો લિક્વિડ અોક્સિજનનો જથ્થો બંધ કરી દેવાયો.

બીજા દિવસે અેમણે ખાનગી તબીબો જોડે બેઠક યોજી હતી. જે બાદ અોક્સિજનના સિલિન્ડર અને રેમડેસિવિર ઈન્જકેશનના વિતરણમાં ખોટા નિર્ણયો લેવાયા, જેથી હોસ્પિટલમાં પથારી મેળવી ન શકતા દર્દીઅોને ઘર બેઠે અોક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો પણ મળતો બંધ થઈ ગયો. જે બાદ પોઝિટિવ કેસ તો ઠીક કોરોનાથી મોતની સંખ્યામાં પણ ઉછાળો અાવ્યો છે.

અે રાજ્ય સ્તરનો નિર્ણય છે, અેમને પૂછો : DDO
જિલ્લા વિકાસ અધિકારીને પૂછ્યું કે, જિલ્લા બહારથી ટેન્કર મારફતે કચ્છ અાવતો લિક્વિડ અોક્સિજનનો જથ્થો શું રાજ્ય સરકારે સ્થાનિક જિલ્લા સરકારી વહીવટી તંત્રને પૂછ્યા વિના કે સલાહ લીધા વિના બંધ કરી દીધો છે. તો અેમણે કહ્યું કે, અેમા પૂછ્યા વગરની કોઈ વાત નથી.

રાજ્ય સરકારનો નિર્ણય છે. તો અેમને પૂછ્યું કે, રાજ્ય સરકાર જિલ્લા વહીવટી તંત્ર પાસેથી સ્થિતિ જાણીને નિર્ણય લેતી હશે ને. જે નિર્ણય રાજ્ય સરકાર લઈ ચૂકી છે અેના ઉપર અાપણે ટિપ્પણી ન કરી શકીઅે. બરાબર. અેનો જવાબ જોઈઅે તમારે રાજ્ય સરકારનો સંપર્ક કરવું પડશે. મતલબ તમને પૂછીને નિર્ણય નથી લેવાયો. તમને ફરીથી કહું છું કે, તમે ખોટી જગ્યાઅે પ્રશ્ન પૂછી રહ્યા છો.

કલેકટર, DDO જોડે વીડિયો કોન્ફરન્સમાં નિર્ણય લેવાય : જે.પી. ગુપ્તા
જિલ્લા અારોગ્ય પ્રભારી અને સચિવ જે.પી. ગુપ્તાને પૂછ્યું કે, તમે શનિવારે કચ્છમાં અાવ્યા અને રવિવારે જિલ્લા બહારથી ટેન્કર મારફતે કચ્છ અાવતો લિક્વિડ અોક્સિજનનો જથ્થો બંધ થઈ ગયો. અે નિર્ણય કરતા પહેલા રાજ્ય સરકાર સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને પૂછે ખરા. તો અેમણે કહ્યું કે, અે ચર્ચા કરે. અાંકડાના અાધારે ઉપલબ્ધતા કેટલી છે અેના અાધારે પણ નિર્ણય લે. બાકી ડી.ડી.અો. અને કલેકટર જોડે વીડિયો કોન્ફરન્સ થતી જ હોય. અેટલે વીડિયો કોન્ફરન્સમાં નિર્ણય લઈને જાણ કરે.

અન્ય સમાચારો પણ છે...