તૈયારી:પ્રિ-મોન્સુન કામગીરી સાથે કોરોનાને ભૂલવાનો નથી : ભુજની બેઠકમાં તાકીદ

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રિ-મોન્સુન કામગીરીને લઇને સમીક્ષા બેઠક સાથે કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં ચોમાસા માટે શું તૈયારી કરાઇ છે તે અંગે વિચાર-વિમર્શ કરાયો હતો. બેઠકના અધ્યક્ષસ્થાનેથી કલેક્ટર પ્રવીણા ડી.કે.એ  અધિકારીઓને પ્રિ-મોન્સુન કામગીરીની સાથે કોવીડ-19ના મુદ્દે તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. જો વધુ પડતો  વરસાદ થાય તો રેસ્ક્યુ ટીમ અને તેની પાસે બચાવ કામગીરીના  પૂરતા  સાધનો ઉપલબ્ધ છે ? તેની વિગતો માંગી હતી. ઉપરાંત ચેકડેમ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલુકા મથકોને ગામડાઓથી જોડતા રસ્તાનું રિપેરિંગ, પરિવહન વગેરે લગતી કામગીરીની સમીક્ષા સાથે કલેકટરે જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ તકે વન વિભાગ, વીજતંત્ર, આરોગ્ય સેવા, કાયદો અને વ્યવસ્થા, પાલિકા વિસ્તારમાં ગટર વ્યવસ્થા વગેરેની સમીક્ષા કરાઇ હતી. વધુમાં કલેક્ટરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ તાલુકાના પ્રાંત અધિકારી, ટીડીઓ, મામલતદાર અને પાલિકાઓના ચીફ ઓફિસરને પ્રિ-મોન્સુન કામગીરીની સાથે કોવીડ-19ને લઇને જરૂરી તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ તોલંબિયા સહિત વિવિધ કચેરીઓના વડા હાજર રહ્યા હતા. 

કોરોનાના પગલે જિલ્લામાં શેલ્ટર હોમની સંખ્યા વધારાશે
કચ્છમાં ચોમાસાની સિઝનમાં જયાં વધુ પડતો વરસાદ પડ્યો હોય ત્યાંના લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે નિયત શેલ્ટર હોમમાં મોકલી અપાતા હોય છે. વર્તમાન સમયે કોરોના મહામારીથી પ્રિ-મોન્સુન કામગીરીની સાથે કોવીડ-19ને લઇને પણ તકેદારીના પગલા ભરાશે. જેથી અગાઉની જેમ કોઇ એક જ શેલ્ટર હોમમાં લોકોને ખસેડવામાં નહીં આવે અને સામાજિક અંતરનું પાલન થાય તે રીતે દરેક સેલ્ટર હોમમાં ઓછી સંખ્યામાં લોકોને રાખવામાં આવશે. વધુમાં માસ્ક, સેનેટાઇઝર, હાથના મોજા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું ડિઝાસ્ટર મામલતદાર સી.આર. પ્રજાપતિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...