સેલિબ્રિટી છે તો શું થયું?:લોકગાયિકા ગીતા રબારીને ઘરે જઈ રસી અપાતાં વિવાદ; સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કર્યા બાદ ડિલિટ કરી નાખી

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસી લઈ રહેલી લોકગાયિકા ગીતા રબારી - Divya Bhaskar
રસી લઈ રહેલી લોકગાયિકા ગીતા રબારી
  • DDOએ CDHOને કાર્યવાહી કરવા કર્યો આદેશ
  • માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને આજ બપોર સુધી ખુલાસો કરવા નોટિસ

દેશ-વિદેશમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય ભુજ શહેરના જોડિયા ગામ માધાપરની લોકગાયિકા ગીતા રબારીએ શનિવારે ટ્વિટર મારફત પોતાના ઘરે કોરોના સામે રક્ષણ આપતી રસી લીધાની પોસ્ટ મૂકી હતી, જેમાં વિવાદ થતાં પોસ્ટ ડિલિટ કરી નાખી હતી, પરંતુ સમગ્ર પ્રકરણમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ જતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ કર્યો છે, જેને પગલે સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો માગ્યો છે.

રસી લઈ રહેલા ગીતા રબારીના પતિ.
રસી લઈ રહેલા ગીતા રબારીના પતિ.

એકબાજુ લોકોને સ્લોટ નથી મળતાં ને અહીં ઘરે જઈ રસી અપાય છે
એક બાજુ કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા 18થી 44 વર્ષની વ્યક્તિઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પરેશાન થઈ રહ્યા છે, લોગ ઈન થાય એ પહેલાં લોગ આઉટ કરી દેવાય છે, પસંદગીના અને નજીકના સ્થળે કેન્દ્ર ન મળવાથી બે-બે કલાકની મુસાફરી કરી રસી લેવા જઈ રહી છે અને બીજી બાજુ સેલિબ્રિટીઓને વગર રજિસ્ટ્રેશને તેમના ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી અપાયાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લોકગાયિકા ગીતા રબારી અને તેમના પતિ સહિત પરિવારજનોને ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી અપાઈ છે.

પતિએ મૂકેલા ફોટાના સ્ક્રીશશોટ બહાર આવ્યા
જેની સાબિતી આપતી પોસ્ટ સ્વયં ગીતા રબારીએ ટ્વિટર પર કરી હતી, જેથી લોકોએ સવાલો કર્યા હતા કે રજિસ્ટ્રેશન કરાવ્યું? કયો સ્લોટ મળ્યો હતો? સવાલોના જવાબો આપવામાં અસમર્થ અને મોટી ભૂલ કર્યાનું ભાન થતાં જ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી, પરંતુ તેમની પોસ્ટ અને તેમના પતિએ વ્હોટસએપના સ્ટેટસમા મૂકેલા ફોટા- સ્ક્રીન શોટમાં લેવાઈ ગયા હતા. બીજી બાજુ, ટ્વિટર પર ગાઈડલાઈન્સની વાતો કરતા જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ ગયાં હતાં, જેથી સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકની પૂછપરછ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો, જેને પગલે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને રવિવારે બપોર 12 વાગ્યા સુધી ખુલાસો કરવા નોટિસ ફટકારાઈ છે.