સરપંચે હુક્કા-પાણી બંધ કરાવ્યાનો આક્ષેપ:સાપેડામાં ધંધાર્થીઓને અનુસુચિત જાતિના લોકોને કોઈપણ વસ્તુ આપવા પર પ્રતિબંધ ફરમાવતો વીડિયો ફરતો થતાં વિવાદ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઇકાલે આહીર સમાજ અને મહેશ્વરી સમાજના લોકો વચ્ચે બાઇક ચલાવવા મુદ્દે બબાલ થઇ હતી
  • ધંધાર્થી વસ્તુ આપવાની મનાઈ ફરમાવતા જોવા મળ્યા, આવું સરપંચના કહેવા પર કર્યુ હોવાનો વીડિયો વાઇરલ
  • કોઈ જ પ્રતિબંધ લદાયો ના હોવાની ગામમાં જાહેરાત કરાઈ - સરપંચ પતિ

અંજાર તાલુકાના સાપેડા ગામે આજે મંગળવારે અનુસૂચિત સમાજના લોકોને સરપંચ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા હોવાની વાતને દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. વીડિયો અનુસાર અનુસૂચિત સમાજના સભ્યને ગામના કોઈ ધંધાર્થી વસ્તુ આપવાની મનાઈ ફરમાવતા જોવા મળ્યા હતા અને આવું તેઓ સરપંચના કહેવા પર કરી રહ્યા હોવાનું વીડિયોમાં જણાઇ આવ્યું હતું. જો કે આ ઘટનાના પગલે અંજાર પોલીસ વિભાગે તુરંત સાપેડા પહોંચી મામલો સંભાળી લીધો હતો અને બંન્ને સમાજ વચ્ચે શાંતિનો માહોલ કાયમ રાખવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

અનુસૂચિત સમાજના લોકોને ગામમાં હુક્કા પાણી બંધ કરવાનો આદેશ સરપંચ દ્વારા કરવામાં આવ્યો હોવાની વાત વિશે સાપેડા ગામના સરપંચના પતિ માંદેવા મેમાં અહિરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આવી કોઈ મનાઈ કરવામાં આવી નથી, અને કોઈને પણ કોઈ દુકાનદાર જો વસ્તુ આપવાની ના કહે છે તો મને જાણ કરે હું તેમને લેવડાવી આપીશ. આ જ વાતની જાહેરાત ગ્રામ પંચાયત હસ્તેના લાઉડ સ્પીકર દ્વારા પણ ગ્રામજનો સમક્ષ કરી દેવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું.

અંજાર તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ નારણ ધુવાએ કહ્યું હતું કે બનાવની જાણ થતાં જ સમાજના આગેવાનો સાપેડા ખાતે દોડી આવ્યા હતા અને પરિવારની મુલાકાત લીધી હતી. જો કે હાલ પોલીસ બંદોબસ્ત હેઠળ ગામમાં શાંતિનો માહોલ છે. પરંતુ કહેવું રહ્યું કે ખરેખર આજના 21મી સદીમાં પણ આ પ્રકારના ભેદભાવના બનાવ ખેદજનક છે. કોઈ એક સમાજના બે-ચાર જણાની ખરાબ માનસિકતાને લઈ આખો સમાજ બદનામ થાય છે. ત્યારે આવી ઘટનાઓને અમે વખોડીએ છીએ અને તેની નિંદા કરીએ છીએ. તેમજ ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટે વહીવટી તંત્રે સજાગતા જાળવી રાખવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે આહીર સમાજની મેજોરીટી ધરાવતા સાપેડા ખાતે જખ દાદાના સ્થાનકે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત ગામ જમણ યોજાયું હતું. તે દરમિયાન બાઈક ધીરે ચલાવવાનું કહેવા મુદ્દે બંન્ને સમાજના યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને માહોલ ઉગ્ર બની જતાં બબાલ પણ સર્જાઈ હતી. જેમાં બંન્ને કોમના યુવકોને ઈજાઓ પણ પહોંચી હતી. આ મામલે આહીર સમાજના 5 યુવકો સામે જાતિ અપમાનિતની પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી. જેના બાદ સંભવિત આજે મંગળવારે સવારે ગામના અનુસૂચિત સમાજના લોકોને કોઈએ વસ્તુ આપવી નહિ એવી વાત સોશિયલ મીડિયામાં વહેતી થતાં વિવાદ ઉભો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...