મહારાષ્ટ્રિયન સાંસદનો વિચિત્ર કિસ્સો:ચર્ચાસ્પદ સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્રમાં કચ્છના માલધારીઓને ખોટી રીતે ફસાવ્યા હતા!

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંસદ નવનીત રાણા - ફાઇલ તસવીર - Divya Bhaskar
સાંસદ નવનીત રાણા - ફાઇલ તસવીર
  • જોકે કચ્છના માલધારીઓએ કાનૂની લડાઇ લડી પોતાનાં ઊંટોને છોડાવ્યા હતા
  • કચ્છના માલધારીઓ ઊંટ વેચવા જતા હતા અને મહિલા સાંસદે દાવો કતલખાને લઇ જવાતાં હોવાનો કર્યો હતો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની સામે હનુમાન ચાલીસાના પાઠના મુદ્દે અપક્ષ મહિલા સાંસદ નવનીત રાણા અને તેના ધારાસભ્ય પતિ રવિ રાણાની ધરપકડ કરાતા મામલો ગરમાયો છે. મહારાષ્ટ્રની સાથે દેશમાં હાલ આ મામલે રાજકારણ ગરમાયુ હોવાની સાથે મહિલા સાંસદ નવીનત રાણા ચર્ચામાં આવી ગયા છે.

ચોંકાવનારી વાત એ છે કે આ જ નવનીત રાણાએ જાન્યુઆરી માસમાં કચ્છથી પોતાના ઊંટો સાથે હૈદરાબાદ જઇ રહેલા માલધારીઓ સામે પશુઓને કતલખાને લઇ જતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે કચ્છના અગ્રણીઓ અને સંસ્થાઓએ કાયદાકીય લડાઇ લડી પશુઓને માંડ છોડાવ્યા હતાં. મળતી વિગતો મુજબ 8મી જાન્યુઆરીના રોજ કચ્છથી મહારાષ્ટ્રના વિદર્ભમાં નાગપુર તરફ કચ્છના રબારી માલધારીઓ ઊંટનું વેચાણ કરવા જઇ રહ્યા હતાં. ત્યારે મહારાષ્ટ્રના અમરાવતીમાં માલધારીઓને ઊંટોને કતલ કરવાના ઇરાદે લઇ જતા હોવાના કેસમાં ખોટી રીતે અટકાયત કરાયા હતા.

પોલીસે કચ્છના માલધારીઓ પાસેથી 58 ઊંટોને જપ્ત કર્યા હતા અને પશુપાલકો સામે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા માટે કેસ કર્યો હતો. આ મામલામાં લોકસભાના સભ્ય અને પ્રાણી અધિકાર કાર્યકર્તા મેનકા ગાંધીએ પણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર પ્રકરણની સમીક્ષા કરી હતી. તો અમરાવતીના આ અપક્ષ સાંસદ નવનીત રાણા આ ઊંટને કતલકરવાના ઇરાદે લઇ જતા હોવાનો દાવો કર્યો હતો. જેતે વખતે તેઓએ મીડિયામાં હાજર થઇ મોટા ઉપાડે ઊંટોને કતલ ખાને લઇ જવાતા હોવાના દાવા કરી કચ્છના માલધારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં.

નવનીત રાણાનો એક વિડિયો બહાર અવ્યો હતો. જેમાં ‘કતલ માટે હૈદરાબાદ લઈ જવામાં આવતા ઊંટોને બચાવવા’ બદલ તેણે પોલીસની પ્રશંસા કરી હતી. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટપાલકોને તેમના 58 ઊંટ સહીત મુક્તિ મળી હતી. અમરાવતીની કોર્ટ દ્રારા ઊંટને મૂક્ત કરવા આદેશ કરાયો હતો. જેના પગલે કચ્છના રબારી માલધારીઓને પોતાના ઊંટોનો કબ્જો મળ્યો હતો.

આ લોકોના લીધે માલધારીઓને ચાર લાખ રૂપિયા ભરવા પડ્યા !
કોર્ટે કેટલિક શરતો સાથે ઊંટોને મુક્ત કર્યા હતા. અંતિમ ચુકાદો હજુ બાકી છે. તે પહેલા ઊંટોને મુક્ત કરવા માટે તેના ખોરાક અને રખરખાવ ખર્ચ પેટે પ્રતિ ઊંટ દૈનિક 200 રૂપિયાના હીસાબે નિભાવ ખર્ચ ચુક્વવા જણાવ્યુ હતું. જે મુજબ માલધારીઓ દ્રારા આશરે ચાર લાખ રૂપિયાનો ખર્ચ પાંજરાપોળને ચૂકવવો પડ્યો હતો.

આ મામલામાં પણ સ્વ. તારાચંદ છેડાએ જાતે રસ લીધો હતો
આ મામલામાં પણ સ્વ. તારાચંદભાઇ છેડા અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ કચ્છના જૈન અગ્રણીઓ અને અન્ય માલધારી આગેવાનોએ મહારાષ્ટ્રમાં ઊંટોને છોડી મુકવા પ્રયાસો કર્યા હતા. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન તેમજ સહજીવન સંસ્થાએ પણ આ માટે સ્થાનિક અને મહારાષ્ટ્રમાં જરૂરી કાર્યવાહી કરવા જહેમત કરી હતી.