તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:કોંગ્રેસ કાઉન્સિલરો સહિત નગરપાલિકાને કરશે તાળાબંધી

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ શહેરની પાણી સમસ્યા મુદ્દે વિપક્ષ અાકરા પાણીઅે

ભુજ શહેરની પાણી વિતરણ વ્યવસ્થામાં સુધારો નહીં અાવે તો જિલ્લા કોંગ્રેસ દ્વારા નગરસેવકો સહિત નગરપાલિકાને તાળાબંધી કરશે, અેવું વકરતી પાણી સમસ્યા વિશે ચિંતા વ્યક્ત કરતા વિપક્ષે ચિમકી અાપી છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે, ભુજ શહેરમાં પીવાના પાણીની સ્થિતિ દિનપ્રતિદિન કથળતી જાય છે. ભુજ નગરપાલિકા ઉપર છેલ્લા 25 વર્ષ ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે. પરંતુ, પીવાના પાણીની વિતરણ વ્યવસ્થામાં સુધારો લાવી શકી નથી. હાલ ભુજ નગરજનોને માંડ સાત દિવસે પીવાનું પાણી મળે છે. ફક્ત નર્મદા યોજનાના ભરોસે ભુજની પ્રજાને મૂકી દેવાઈ છે.

નર્મદા યોજનામાં ક્ષતિ સર્જાય ત્યારે સ્થિતિ અતિગંભીર સ્વરૂપ લઈ છે. જે છેલ્લા અઠવાડિયાથી અનુભવાય છે. શહેરને નળ વાટે અને વોટર ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાની જવાબદારી મુખ્ય અધિકારી, પ્રમુખ, વોટર સમિતિના ચેરમેનની છે. તેઅો પોતાની જવાબદારીમાં અાંખ અાડા કાન કરી રહ્યા છે અને દોષનો ટોપલો કોંગ્રેસ ઉપર ઢોળી રહ્યા છે. જે વાજબી નથી. સત્તાધિશો ભ્રષ્ટાચારમાં જેટલું અાગોતરું અાયોજન કરે છે. અેટલું પીવાના પાણીના ઉકેલ માટે કેમ નથી કરતા અે અેક પ્રશ્ન છે.

વોટર ટેન્કર વ્યવસ્થામાં પણ ભેદભાવ રાખવામાં અાવે છે. શાસક ભાજપના નગરસેવકો પોતાના અંગત સ્વાર્થ સાધવા મળતીયાઅોને પાણી પૂરું પાડી રહ્યા છે. વોટર ટેન્કર વ્યવસ્થા પર ભાજપના સત્તાધિશો કબજો કરી બેઠા છે. મુખ્ય અધિકારી મૂકપ્રેક્ષક બની જોઈ રહ્યા છે. અવારનવાર રજુઅાત છતાં કોંગ્રેસના નગરસેવકોને ગણકારતા નથી. જેમના માથે જવાબદારી છે અેવા મુખ્ય અધિકારી અને બ્રાન્ચ હેડ કોલ સ્વીચ અોફ રાખી દે છે, જેથી પ્રશ્ન થાય છે કે, વારંવાર પાણીની સમસ્યા સર્જાવાના મૂળમાં ભ્રષ્ટાચાર તો નથી ને. જે બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ગની કુંભાર સમક્ષ ફરિયાદો મળી છે, જેથી ભુજ નગરપાલિકા જો પાણીની સમસ્યામાં સુધારો નહીં લાવે તો કોંગ્રેસ નગરજનોને સાથે રાખી નગરસેવકો સહિત ભુજ નગરપાલિકાને તાળાબંધી કરશે.

અન્ય સમાચારો પણ છે...