કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આજે કોંગ્રેસ સમિતિ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પ્રસંગે ટાઉનહોલ નજીક તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. એ બાદ આશ્ચર્યજનક કાર્યક્રમ રજૂ કરી માધવપુરના મેળામાં ગુજરાત ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કૃષ્ણ અને સુભદ્રાને પતિ-પત્ની તરીકે દર્શાવવાને લઈ તેમની અજ્ઞાનતાનો વિરોધ કરી હિન્દુ સમાજની લાગણી દુભાવવા બદલ કોંગ્રેસ દ્વારા માફીની માગ સાથે તેમના ફોટાઓને સળગાવવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન પોલીસે કોંગી આગેવાનીની અટક કરી હતી.
હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચીઃ શહેર કોંગ્રેસ-પ્રમુખ
આ વિષે શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ હિન્દુત્વનો ઠેકો લઈ ફરે છે, પરંતુ ભાજપના ગુજરાત પ્રમુખ ખુદ હિન્દુ ધર્મના ઇતિહાસથી અજાણ હોવાનું હાલમાં તેમણે માધવપુરના મેળા દરમિયાન જાહેર મંચ પરથી કહેલી વાત પરથી ફલિત થાય છે. 5 હજાર વર્ષ જૂના ગરિમાપૂર્ણ ઇતિહાસમાં કૃષ્ણ અને સુભદ્રા ભાઈ-બહેનના પવિત્ર સબંધને પતિ-પત્ની તરીકે દર્શાવી દેવા બદલ તેમણે લોકોની માફી માગવી જોઈએ. હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણીને એને કારણે ઠેસ પહોંચી છે.
પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટક કરી
આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ફોટા દહનનો કાર્યક્રમ કરવામાં આવતાં પોલીસે કોંગ્રેસ અગ્રણી કિશોરદાન ગઢવી, જિલ્લા મહામંત્રી દશરથસિંહ જાડેજા, ભુજ નગરસેવક હમીદ સમા, અંજલિબેન ગોર સહિતનાઓની અટક કરી લીધી હતી.
શું કહ્યું હતું સીઆર પાટીલે?
પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે લોકમેળાના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના પ્રવચનમા ભાંગરો વાટી દીધો હતો. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિજીના લગ્નનો ઉલ્લેખ કરવાને બદલે રુક્મિણીજીની જગ્યાએ સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો. પાટીલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં આપણે મહાભારતમાં શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના હરણનો પ્રસંગ, કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન કેવી રીતે થયા હતા એ વાંચી કલ્પના કરી હતી. શ્રીકૃણને સુભદ્રાજીએ પત્ર લખ્યો, સુભદ્રાના વિવાહ થયા એ મહાભારત સિરિયલમાં જોયું. આજે શ્રીકૃષ્ણના સુભદ્રા સાથેના વિવાહના સ્થળ પર છીએ. જોકે આ બાદ પાટીલને પોતાની ભૂલ સમજાતાં તેમણે બાદમાં સુભદ્રાજીના બદલે રુક્મિણીજીના નામનો ઉલ્લેખ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.