હાલમાં ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે તેવા સમયે કચ્છનો ટ્રાન્સપોર્ટ ઉધોગ ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે કંપનીઓ દ્વારા ભાડા વધારો ન કરવામાં આવતા સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને જીવનનિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું છે જેથી ટ્રાન્સપોર્ટરો દ્વારા સિમેન્ટ કંપની સામે ધરણા કરવામાં આવ્યા છે,જે છાવણીની જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા મુલાકાત લઈ લડતને ટેકો અપાયો હતો.
અબડાસામાં આવેલી સાંધી સિમેન્ટ કંપની દ્વારા સરહદી પંથકમાંથી ખનીજ ઉસેડીને કચ્છ સાથે અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલમાં ડીઝલના ભાવ વધી જતાં 35 જેટલા સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ કંપની સમક્ષ ભાડા વધારવાની વાત મૂકી હતી જોકે કંપનીએ આ વાતને ગંભીરતાથી ન લેતા કંપનીના ગ્રેડિંગ અને પાવર યુનિટ સામે ધરણા કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રવક્તા પી. સી. ગઢવી, નખત્રાણા તાલુકા પ્રમુખ રાજેશ આહીર, અબડાસા શાસકપક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા, જિલ્લામંત્રી રામદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રતિનિધિ અલીભાઈ કેર, આગેવાન રાવલ મિસરી, કાર્યાલય મંત્રી ધીરજ રૂપાણી સહિતના પ્રતિનિધી મંડળે ઉપવાસી છાવણીની મુલાકાત લઈ જવાબદારોને રજૂઆત કરી હતી.
કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે,હાલમાં ડીઝલના ભાવ 65 થી 100 થઈ ગયા પણ હજી જૂની પદ્ધતિથી જ ભાડું ચૂકવાય છે.ખરેખર હાલમાં એક ટનનું 300 રૂપિયા ભાડું આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.કંપની દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટરોની લડતને તોડી પાડવા માટે અન્ય કંપનીઓને લોડિંગનું કામ આપી દેવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો જો કંપની યોગ્ય નહિ કરે તો કોંગ્રેસ પણ લડતમાં ઝુકાવસે તેવી ચીમકી અપાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.