તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય સભા:‘જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે વિપક્ષી નેતાની ચેમ્બર નહોતી આપી, ભાજપ પણ કોંગ્રેસને નહીં આપે’

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપપ્રમુખે ‘ભૂતકાળ’ને બદલે ‘ભવિષ્ય’માં શબ્દ બોલી દલીલ કરતા પ્રમુખે વાક્ય સુધારી માંગણી ઠુકરાવી

ભુજમાં કચ્છ જિલ્લા પંચાયતની મંગળવારે સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષે વિપક્ષીનેતાની ચેમ્બરની માંગણી કરી હતી. જેને શાસક પક્ષે એમ કહીને નકારી દીધી હતી કે, કોંગ્રેસના શાસનકાળમાં શાસક કોંગ્રેસે વિપક્ષ ભાજપને વિપક્ષી નેતાની ચેમ્બર ફાળવી ન હતી, જેથી ભાજપ પણ કોંગ્રેસને વિપક્ષી નેતાની ચેમ્બર નહીં ફાળવે. જેને વિપક્ષે બદલાની ભાવના ગણાવી હતી.

પ્રશ્નોત્તરી દરમિયાન કઈ સમિતિને ચેમ્બર ફાળવી શકાય એ પ્રશ્નનો જવાબ સાંભળ્યા બાદ વિપક્ષી નેતા તકીશા મીરે વિપક્ષી નેતાને પણ ચેમ્બર ફાળવવા માંગણી કરી હતી, જેથી ઉપપ્રમુખ રણવીર રાજપૂતે સામો સવાલ કર્યો હતો કે, ભવિષ્યમાં મળી છે? જેના જવાબમાં વિપક્ષે કહ્યું હતું કે, ભવિષ્યમાં તો તમને પણ ચેમ્બર નથી મળી. જોકે, ઉપપ્રમુખ પૂછવા એમ માંગતા હતા કે, ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસે વિપક્ષને વિપક્ષી નેતાની ચેમ્બર ફાળવી હતી? પરંતુ, ‘ભૂતકાળમાં’ શબ્દને બદલે ‘ભવિષ્ય’માં શબ્દ બોલી ગયા, જેથી પ્રમુખ પારૂલ રમેશ કારાએ તરત ભવિષ્ય શબ્દની જગ્યાએ ભૂતકાળમાં સુધારીને વાક્ય બોલ્યા કે, તમે અમને નહોતી આપી એટલે અમે તમને નહીં આપીએ. જોકે, પહેલી વખત ઉપપ્રમુખે આક્રમક વલણ અપનાવી વિપક્ષની દલીલોનો જવાબ આપી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

વિપક્ષી નેતા તકીશા મીરે પૂર્વ પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ મંજુર કરેલા વિકાસ કામોને શાસકપક્ષના જ હાલના પ્રમુખે રદ કરતા કટાક્ષ કર્યો હતો કે, શાસક પક્ષની આંતરિક લડાઈમાં પ્રજાની સુવિધાના વિકાસ કામો નથી થતા. જેના જવાબમાં પ્રમુખે ખુલાસો કરતા કહ્યું હતું કે, એ વહીવટી ગૂંચને કારણે થયું છે. બાકી પૂર્વપ્રમુખ જોડે એ બાબતે વાત થઈ ગઈ છે અને એમાં એમને વાંધો નથી. સામાન્ય સભામાં કારોબારી સહિત વિવિધ 8 સમિતિઓના સભ્યોની વરણી કરાઈ હતી. જે સમિતિની બેઠકમાં ચેરપર્સનની વરણી કરવામાં આવશે.

ગ્રાન્ટથી વધુ રકમના કામો હતા એટલે રદ કર્યા : DDO
વિપક્ષી નેતાએ પૂર્વપ્રમુખ લક્ષ્મણસિંહે મંજૂર કરેલા કામો રદ કરવાનું કારણ પૂછતા સામાન્ય સભામાં સચિવ સ્થાને રહેલા જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ પરિપત્ર અને માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ગ્રાન્ટની રકમ કરતા વિકાસ કામોની રકમ વધુ હોય તો રદ કરવાના હોય. જે કારણે રદ કર્યા છે, જેથી વિપક્ષે દલીલ કરી હતી કે ઉપરથી નીચે સુધી તમારી જ સરકાર છે. ગ્રાન્ટની રકમ વધારી શકો અથવા વિકાસ કામોની વધતી રકમ જેટલા જ વિકાસ કામો રદ કરી શકો.

પ્રશ્નોત્તરીમાં સમય બગડે છે, વધુ પ્રશ્નો ટાળીએ
જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા સ્તરની મિની સંસદ ગણાય છે, જેમાં પ્રશ્નોત્તરી માટે એક કલાક ફાળવાય છે. એ પ્રશ્નોત્તરી દરમિયાન સદસ્યોએ અગાઉથી લેખિતમાં પૂછેલા પ્રશ્નોના ઉત્તર પણ લેખિતમાં અપાતા હોય છે. પરંતુ, એ ઉત્તરથી અસંતોષ હોય કે, પેટા પ્રશ્ન હોય તો ડી.ડી.ઓ.એ સંતોષજનક સ્પષ્ટતા કરવાની હોય છે. જોકે, પ્રમુખે એ ચર્ચા ટાળવા વિપક્ષને કહ્યું કે, પ્રશ્નોત્તરી લેખિતમાં અપાઈ ગઈ છે, જેથી ચર્ચામાં સમય બગડે છે. વિપક્ષની સંમતિ હોય તો પ્રશ્નોત્તરી ટાળીએ?! આશ્ચર્યજનક રીતે શાસક પક્ષને ભીડવાની એ તક વેડફતા વિપક્ષે સંમતિ પણ આપી દીધી!!

આંબાપર ગ્રા. પં. બજેટ પસાર ન કરી શકતા સુપરસીડ
અંજાર તાલુકાની આંબાપર ગ્રામ પંચાયત બજેટ પસાર કરવામાં 3 વખત નિષ્ફળ ગઈ હતી, જેથી સુપરસીડ કરવા કમિશનરને દરખાસ્ત મૂકવામાં આવી હતી.

જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સભ્યો

  • ​​​​​​​કારોબારી સમિતિ : મ્યાજર અરજણ, મહેન્દ્ર નારાયણ ગઢવી, મારવાડા પુરૂષોત્તમ મગનલાલ, નયના ધીરજ પટેલ, દામજી કરશન ચાડ, વિરમ વિશ્રામ ગઢવી, રાણીબેન નવીન જરૂ, ભચુભાઈ ભોજાભાઈ વૈદ્ય, રબારી મશરૂ રીણાભાઈ
  • સામાજિક ન્યાય સમિતિ : કુંવરબેન પ્રકાશ મહેશ્વરી, કેશવજી વાછિયા રોશિયા, મારવાડા પુરૂષોત્તમ મગનલાલ, લીલાબેન પ્રવિણ રાઠવા, કંચન વાઘેલા ( કો-ઓપ્ટ.સભ્ય)
  • શિક્ષણ સમિતિ : જયશ્રીબા રાજુભા જાડેજા, જયાબેન બાબુ ચોપડા, લીલા પ્રવિણ રાઠવા, નીતા નરેન્દ્ર ગઢવી, જનકસિંહ બળવંતસિંહ જાડેજા, મનીષા અરવિંદ વેલાણી, મારવાડા પુરૂષોત્તમ મગનલાલ, કિરીટસિંહ જાડેજા (કો.ઓપ્ટ. સભ્ય), કૈલાશ ભટ્ટ (કો.ઓપ્ટ. સભ્ય)
  • જાહેર આરોગ્ય સમિતિ : કરશનજી જાડેજા, સોનલબાઈ ખેતશી થરીયા, રહીમાબાઈ જાની રાયશી, કૈલાશબા પ્રદ્યુમનસિંહ જાડેજા, ભચુભાઈ ભોજા વૈદ્ય
  • જાહેર બાંધકામ સમિતિ: વિક્રમ વિશ્રામ ગઢવી, જનકસિંહ બળવંતસિંહ જાડેજા, મનીષા અરવિંદ વેલાણી, હરીભાઈ હિરાભાઈ જાટિયા, ગંગાબેન કલ્યાણ સેંઘાણી
  • અપીલ સમિતિ : પારૂલ રમેશ કારા, વણવીર ભોજા રાજપૂત, મહેન્દ્ર નારાયણ ગઢવી, રૂપેશ રણમલ છાંગા
  • ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિ : ઘેલા દાના ચાવડા, ધનજી નારાયણ હુંબલ, રાજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, મહાવીરસિંહ મહાદેવભાઈ જોગુ, મ્યાજર અરજણ છાંગા
  • મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ: ગંગા કલ્યાણ સેંઘાણી, કંકુબેન ભગાભાઈ આહિર, જયશ્રીબા રાજુભા જાડેજા, કુંવરબેન પ્રકાશ મહેશ્વરી, લક્ષ્મીબેન દેવશી પાતાળિયા
અન્ય સમાચારો પણ છે...