ટકરાવ:કચ્છની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅોમાં શાસક પક્ષમાં હિતોનો પરસ્પર ટકરાવ

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી અધિકારીઅો અેક ખિલાના જોરે નાચે ત્યાં બીજા ખિલે બંધાવા દબાણ
  • નગરપાલિકા, તાલુકા કે જિલ્લા પંચાયતમાં અેક જેવી સ્થિતિ

કચ્છ જિલ્લાની નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅોના શાસક પક્ષના લોક પ્રતિનિધિઅોના હિતોનો પરસ્પર ટકરાવ થતો જોવા મળી રહ્યો છે, જેમાં વહીવટી અધિકારીઅો અેક ખિલ્લાના જોરે નાચે ત્યાં બીજા ખિલ્લે બંધાવા દબાણ શરૂ થઈ જાય છે, જેથી લોકોના વિકાસ કામોને બદલે અંગત માન સ્વમાનને અગ્રતાક્રમે મૂકાઈ જાય છે.

જિલ્લા પંચાયતમાં તાજેતરમાં જ પંચાયત સિંચાઈ શાખાના ઈજનેરને બદલવા મુદ્દે દાદ ન મળતા ઉપપ્રમુખ રાજીનામું અાપવા સુધી તૈયાર થઈ ગયા હતા, જેમાં ઉપપ્રમુખે નાયબ કાર્યપાલક ઈજનેરના વાણી, વર્તન અને મુનસફીની ફરિયાદો બાદ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખ પાસે રજુઅાત કરી હતી. પરંતુ, કોઈ કાર્યવાહી થઈ ન હતી, જેથી છેવટે જિલ્લા ભાજપ અધ્યક્ષ પાસે રાજીનામું ધરી દેવા સુધી તૈયારીઅો થઈ ગઈ હતી. જોકે, મામલાની ગંભીરતા સમજી જિલ્લા ભાજપ પ્રમુખે છેક ગાંધીનગર રજુઅાત કરી હતી.

જે બાદ નાયબ કાર્યપાલક ઈજનેર સી.અેચ. ગઢવી પાસેથી વધારાનો હવાલો લઈને તેમના સ્થાને કાર્યપાલક ઈજનેર અેચ. કે. રાઠોડને વધારાનો હવાલો સોંપાયો હતો. સૂત્રોઅે જણાવ્યું હતું કે, રાજ્ય સ્તરના અેક લોક પ્રતિનિધિના બળે નાયબ કાર્યપાલક ઈજનેર જિલ્લા પંચાયતના પદાધિકારીને દાદ અાપતા ન હતા. અેટલું જ નહીં પણ અન્ય લોકો જોડે પણ અનુચિત વ્યવહાર કરતા હતા. અેવું કેટલીક તાલુકા પંચાયતો અને નગરપાલિકાઅોમાં થઈ રહ્યું છે.

રાજ્ય સ્તરના વગદારોના બળે સ્થાનિક પદાધિકારીઅોને દાદ ન અાપવાની ઘટનાઅો બની રહી છે. સૂત્રોનું માનીઅે તો માંડવી નગરપાલિકા અને ભુજ નગરપાલિકામાં પણ અેજ સમસ્યાઅે માથું ઉંચક્યું છે, જેમાં સદસ્યોને વિકાસ કામો ઉપરાંત વહીવટી કામોને ગતિ અાપવામાં તકલીફ થઈ રહી છે. ભુજ નગરપાલિકામાં ડ્રેનેજ બ્રાન્ચમાં ફિક્સ વેતનથી કામ કરતા ઈજનેર મુદ્દે અેવા જ દબાણો થઈ રહ્યા છે, જેથી કેટલાક પદાધિકારીઅોઅે સુધરાઈમાં અાવવાનું લગભગ બંધ જ કરી દીધું છે. સૂત્રોનું માનીઅે તો તાજેતરમાં જન્મ, મરણ અને લગ્ન નોંધણી શાખામાં કર્મચારી ઉપર હુમલો પણ શાસક પક્ષના પદાધિકારીઅોના હિતોના પરસ્પર ટકરાવનું ઉદાહરણ બની ગયો છે. જે બનાવ પૂર્વે 18 નગરસેવકોઅે શાખાના વડા બદલવા જિલ્લા ભાજપ કાર્યાલયમાં લેખિત રજુઅાત કર્યાનું ચર્ચાઈ રહ્યું છે.

સુધરાઇમાં ભલામણોનો દોર જારી
ભુજ નગરપાલિકામાં તો દર પાંચ વર્ષ ચૂંટાઈને અાવતા નગરસેવકોઅે રોજંદાર અને કરાર અાધારિત ફિક્સ વેતનથી કામ કરતા કર્મચારીઅો રાખી દીધા છે. જેમની પાસે કડકાઈથી કામ લેવામાં અાવે તો નવી બોડી ઉપર ભલામણોના દબાણ શરૂ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...