વિરોધ:રાપરના ધારાશાસ્ત્રીની હત્યાને વખોડી કાઢી ઠેર-ઠેર ચક્કાજામ

કચ્છએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દયાપર - Divya Bhaskar
દયાપર
  • ભુજ, ભચાઉ, રાપર, નલિયા, દયાપર સહિતના સ્થળોએ દેખાવો સાથે વિરોધ: સંડોવાયેલા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા કરાઇ ઉગ્ર માંગ

રાપરના ધારાશાસ્ત્રીની દિન દહાડે કરાયેલી કરપીણ હત્યાની ઘટનાને દલિત સમાજ, બાર એસો. સહિત વિવિધ સંગઠનોએ આવેદન સાથે વખોડી કાઢી હતી. આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી પાડી, વકીલના પરિવારને ન્યાય અપાવવા માગ કરી હતી. લખપત તાલુકાના નરાના વતની ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કરી દેવાઈ હતી, જેના પગલે જિલ્લામાં ઠેર-ઠેર ચક્કાજામ કરાયા હતા. ભચાઉમાં ભીમા કોરેગાંવના કાર્યકરોએ ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પાસે ધરણા કર્યા હતા. વકીલો પર અસીલોના હિતના રક્ષણ માટે અવાર-નવાર ગુંડાઓ દ્વારા હુમલા થાય છે. રાપરની ઘટનાને વખોડી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સંડોવાયેલા તમામ આરોપીઓને તાકીદે પકડી સખત કાર્યવાહી કરવામાં આવે તેવી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે.

બહુજન ક્રાંતિ મુક્તિ મોરચા દ્વારા બપોરે દયાપર મામલતદાર કચેરીએ આવેદન પાઠવાયા બાદ મોડી સાંજે દયાપર-વિરાણી હાઇવે પર મોટી સંખ્યામાં યુવકો દ્વારા ગુજરાત પોલીસ હાય હાયના નારા સાથે રસ્તા પર ટાયર સળગાવી ચક્કાજામ કર્યો હતો. ત્યારબાદ દોડી આવેલા દયાપર પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એમ. ગેલોત, પોલીસ જવાનોએ ટાયરો હટાવ્યા હતા અને લોકોને પોલીસ મથકે લઇ જવાયા હતા.

અબડાસા તાલુકાના નલિયામાં તાલુકાના મહેશ્વરી, મારવાડા, ગુર્જર, ગરવા બ્રાહ્મણ સમાજના લોકોએ આવેદન પાઠવી, જવાબદારો સામે પગલા ભરવા રજૂઆત કરી હોવાનું અબડાસા તાલુકા મહેશ્વરી સમાજ સંગઠન-નલિયાના પ્રમુખ લાલજી એલ. કટુઆએ જણાવ્યું હતું.કચ્છ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન પ્રાણલાલ મોહનભાઇ નામોરી, પૂર્વ ધારાસભ્ય વાલજી દનિચા તેમજ દાનાભાઇ બડગા, ધર્મેન્દ્ર ગોહિલ સહિતનાઓએ ધારાશાસ્ત્રીના પરિવારને ન્યાય મળે તેવી માગ કરી હતી.

માધાપર પાસે પણ ચક્કાજામ : પોલીસ આવી માંડ મામલો થાળે પાડ્યો
હત્યાના પડઘા ભુજમાં પણ પડ્યા હતાં. માધાપર પોલીસ ચોકી પાસે આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સાંજે અંદાજે 7.20 વાગ્યાથી 8 વાગ્યા સુધી અંદાજે પોણો કલાક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે અંજાર તરફ જતા માર્ગ પર ભુજોડી સુધી અને ભુજ તરફ આરટીઓ સુધી ટ્રાફિક જામ થયો હતો. જોકે પોલીસે આવીને લોકોને સમજાવ્યા હતાં. જેના પગલે માર્ગ ખુલ્લો થયો હતો.

હત્યામાં સંડોવાયેલાની તાત્કાલિક ધરપકડ કરો : સાંસદ ચાવડા
સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, ધારાશાસ્ત્રી દેવજીભાઇ મહેશ્વરી દલિતો, આદિવાસીઓના અધિકારો માટે કામ કરતા હતા. તેમની હત્યામાં સંડોવાયેલા લોકોની તાત્કાલિક ધરપકડ કરવા પોલીસ અધિકારીઓ, ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

ગાંધીધામ, રાપર બાર એસો.એ બનાવ વખોડ્યો
રાપરમાં દેવજીભાઈ મહેશ્વરીની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી, જે ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વકીલ આલમમાં પડ્યા છે ત્યારે ગાંધીધામ અને રાપર બાર એસોસિએશન દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વડાને આ સંદર્ભે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ ઘટના બાદ બાર દ્વારા કારોબારીની તાકીદીની બેઠક બોલાવી ઘટનાને વખોડવામાં આવી હતી. આ કેસમાં ઝડપી તપાસ કરીને આરોપીઓ પકડાઈ જાય અને સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...