ટેકનોલોજી અને ડિજીટલાઈઝેશનના દાવાઓ વચ્ચે સરહદી લખપત તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રાશનની દુકાનોમાં બાયોમેટ્રિક થમ્બની સગવડ ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.જેથી કોમ્યુટરના સેન્ટરમાં જઈ રૂ.10 ચૂકવીને થમ્બ લગાવી આવો પછી જ અનાજ મળે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. દર મહીને જ્યારે રાશન વિતરણ શરૂ થાય ત્યારે આ પ્રકારની સમસ્યા ઉદભવે છે.
આ અંગે સુત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે,તાલુકામાં કુલ 101 ગામો માટે 27 જેટલી વ્યાજબી ભાવની દુકાન આવેલી છે.ત્રણ ગામ દીઠ એક દુકાન ફાળવવામાં આવી છે.તાલુકાની કુલ જનસંખ્યા 66,500 છે જેમાં 10,200 જેટલા કાર્ડધારકો છે.જેથી દર મહીને રાશન લેવું હોય તો દુકાનમાં જઇને અંગૂઠાની નિશાની દેવી પડે પણ તાલુકામાં આવેલી મોટાભાગની રાશનની દુકાનોમાં થમ્બ મશીન આવેલા નથી.તેમજ જ્યાં મશીન છે ત્યાં ઈન્ટરનેટનો અભાવ છે. જેથી નાછૂટકે લોકોને અન્ય ગામમાં કે ગામમાં કોમ્યુટર ઓપરેટર,ઝેરોક્ષની દુકાને જઈ બાયોમેટ્રિક મશીનમાં થમ્બ દેવો પડે છે.આ પેટે રૂ.10 લેવામાં આવે છે. અનાજ સરકારી દુકાનમાંથી લેવાનું અને થમ્બ ખાનગી દુકાનમાં આપવા માટે જવું પડે છે.તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારની ફરિયાદો ઉઠવા પામી છે.તાલુકામાં ઘણા સ્થળોએ આવી ફરિયાદો છે જેથી વ્યાજબી ભાવની દુકાનોમાં થમ્બ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
દુકાનદારોને સૂચના આપી દઉં છું : મામલતદાર
લખપત મામલતદાર જે.એન.દરબારે જણાવ્યું કે,અત્યારસુધી મારી પાસે આવી કોઈ રજૂઆત આવી નથી તેમ છતાં તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોને આ બાબતે સૂચના આપી કાર્ડધારકોને હાલાકી ન થાય તે માટે જણાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.