રજૂઆત:નખત્રાણાના સાંગનારા ગામે પવનચક્કી મામલે નોંધાયેલી એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાની રજૂઆત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંગનારા ગામના ચાર જણ વિરુદ્ધ ફરિયાદ અંગે યોગ્ય તપાસની માગ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર અપાયું

નખત્રાણા તાલુકામાં પવનચક્કીના આગમન બાદ કંપની અને ગ્રામજનો વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટના બનતી રહેતી હોય છે. જેમાં સાંગનારા ગામે પવનચક્કીના કોન્ટ્રાકટર દ્વારા વિજતાર લગાડવાની કામગીરી દરમિયાન ગ્રામજનો દ્વારા દખલ કરી કામ અટકાવી 4 જણ ઉપર એટ્રોસિટી સહિતની વિવિધ કલમો તળે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી, જેના અનુસંધાને આજે સંગનારા ગામના વિવિધ સમાજના આગેવાનો સાથે અનુસૂચિત જાતિના પ્રમુખ અગ્રણીઓએ પ્રાંત કચેરી ખાતે રૂબરૂ પહોંચી યોગ્ય તપાસ કરવાની માંગ સાથે ફરિયાદ રદ થવાની રજુઆત કરી હતી.

નખત્રાણાના સાંગનારા ગામે પવનચક્કી અને તેને લગતી કામગીરી સ્થાપવા બાબતે અવારનવાર ગ્રામજનો અને કંપનીના કોન્ટ્રાકટર વચ્ચે વિવાદ થતો રહ્યો છે. બે દિવસ પૂર્વે નારણપર મોસુડા રોડ પર વિનપોલ કંપનીના વીજપોલ લગાડવાની કામગીરી દરમિયાન કોન્ટ્રાકટરના સુપરવાઈઝર મહેશ હરિલાલ પરમાર દ્વારા સંગનારા ગામના 4 વ્યક્તિઓ વિરુદ્ધ કામગીરી અટકાવી ગાળો આપી, જાતિ અપમાનિત કાર્યની પોલીસ ફરિયાદ નોંધવાઇ હતી. જેના વિરોધમાં આજે સાંગનારા ગામના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અન્ય સમાજના ગ્રામજનો સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

ગ્રામજનોનું કહેવું છે કે પવનચક્કીના કોન્ટ્રાકટર દ્વારા ગામના લોકો વચ્ચે વિખવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. કથિત આધારો સાથે પવનચક્કી એકમના લોકો ધરાર ગામની સીમમાં કામગીરી કરવા આવે છે. અને આ માટે વિરોધ કરતા ગ્રામજનોને ખોટી ફોજદારી દાખલ કરાવી વિખવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે તે પૈકી એક વ્યક્તિ તો છેલ્લા ચાર વર્ષથી ગામમાં પણ નથી છતાં તેનું નામ આપી કાયદાનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને જે જાતિ અપમાનિત ફરિયાદ દાખલ થઈ છે તે એફઆઈઆર સી સમરી ભરી રદ્દ કરવામાં આવે. નખત્રાણા પ્રાંત કચેરી ખાતે રજૂઆત વેળાએ સાંગનારા સરપંચ મંજુલાબેન જેપાર, ઉમરા પાલા જેપાર, વાલજી લીંબાણી, લક્ષમણ રબારી સહિતના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...