કચ્છ સરહદી જિલ્લો છે, સાથે સાથે હસ્તકળામાં અગ્રેસર છે. કચ્છનો ગ્રામ્ય વિસ્તાર કલા કારીગરોથી ભરેલો છે. અનેકવિધ હુન્નર આ સૂકા પ્રદેશના કચ્છી માડુમાં છુપાયેલી છે તેવું ભુજ હાટમાં ત્રિદિવસીય હાથશાળ પ્રદર્શનને ખુલ્લું મૂકતા નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડી. કે.મિશ્રાએ જણાવ્યું હતું.
કચ્છ અને રાજ્યના કુલ પચાસ જેટલા સ્ટોલ સાથે ત્રણ દિવસ સુધી ચાલનાર હાથશાળ પ્રદર્શન શુક્રવારે સવારે ખુલ્લું મુકાયું. ગ્રામ્ય વિસ્તારના કારીગરો, સંસ્થાઓ તથા સરકાર હસ્તકના નિગમ દ્વારા સ્ટોલ પર રાજ્યની ઘણી કારીગરી જોવા મળશે. વણકરોનું ગામ ભૂજોડી ઉપરાંત માંડવી, અબડાસા, નખત્રાણા, રાપર તાલુકા સહિતના કારીગરો તેમની વસ્તુઓ પ્રદર્શન અને વેંચાણ અર્થે અહી ગોઠવી હતી.
ઉદઘાટન બાદ ચીફ જનરલ મેનેજર સાથે સ્થાનિક અગ્રણી દાદુભા સોઢા, કેડીસીસીના ચેરમેન દેવરાજ ગઢવી, નાબાર્ડના ડી ડી એમ નીરજસિંઘ સહિતના લોકોએ ભુજ હાટમાં દરેક કારીગરોની કળા બારીકાઇથી જોઈ હતી. એટલું જ નહિ તેમની આર્થિક ઉન્નતિ કઈ રીતે થાય તે માટે પ્રયાસ કરવા ખાસ યોજના બનાવવા પર ભાર મૂક્યો હતો.
વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે અવધનગરના રાજીબેન વણકર
પ્લાસ્ટિક કે જેના ઝબલા તરીકે વાપરવા પર પ્રતિબંધ છે, તે વેસ્ટને હાથશાળ પર લઈ અને તેમાંથી અનેક વેરાયટી બનાવે છે અવધનગરના રાજીબેન વણકર તેઓ આ કારીગરી ટુંક સમયમાં જ વિકસિત થઈ છે, અને તેનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તો ફાયદાકારક બને તેવું કહ્યું હતું. આ નવિન રીતે તૈયાર થતી વસ્તુઓમાં નાની મોટી બેગ, ડીશ, સોલ્ડર થેલો, મહિલાઓ માટે પર્સ વગેરે અનેક ઉપયોગી વસ્તુ બની શકે. ભુજ હાટમાં આ પ્રકારનો સ્ટોલ પ્રથમ વખત મુકાયો હતો.
પ્રદર્શન સાથે વેંચાણ થાય તો જ ઉદ્દેશ સાર્થક
ભુજ હાટમાં થોડા થોડા મહિને કારીગરોને પ્રોત્સાહન મળે તથા આર્થિક ઉન્નતિ થાય તે માટે સરકાર કે નાબાર્ડ જેવી નાણાકીય સંસ્થા દ્વારા પ્રદર્શનનું આયોજન થતું હોય છે. જેમાં માટે ભાગે લોકો ખરીદી કરતા પ્રદર્શન નિહાળવા આવતા હોય એવું બને છે. એક કારીગરે દુઃખ સાથે જણાવ્યું કે, અમે ઘણા સમયથી આવીએ છીએ, પણ વેપાર નથી થતો. રહેવા અને ખાવા પીવાના પૈસા સરકાર ચૂકવે છે, નહીંતો એ પણ ઘરના ખર્ચાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.