ઠંડીનો ચમકારો વધ્યો:કચ્છમાં ઠંડીનું જોર વધતા જનજીવન પ્રભાવિત, નલિયામાં લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રીએ પહોંચતાં રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું

ભુજએક મહિનો પહેલા
  • ભુજમાં 9.0 સેલ્સિયસ અને કંડલામાં 10.5 સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું
  • સામાન્ય દિવસ કરતા ચહલ પહલ ખૂબ ઘટી, લોકો ચાનો અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા
  • હવામાન વિભાગની આગાહી અનુસાર કોલ્ડ વેવની અસર તળે તાપમાનમાં ઘટાડો નોંધાયો

કચ્છ જિલ્લામાં ઠંડીનું જોર વધી જતાં તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. જેની સાથે જનજીવન પણ પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે. ડિસેમ્બર માસની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો વાતાવરણમાં વર્તાઈ રહ્યો છે, જેની સીધી અસર સમગ્ર જિલ્લામાં અનુભવાઈ રહી છે. નોંધનીય છે કે નલિયામાં લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રીએ પહોંચી જતાં તે રાજ્યનું સૌથી ઠંડુ મથક બનવા પામ્યું હતું.

હવામાન વિભાગ ભુજ કચેરીના રાજેશકુમારના જણાવ્યા અનુસાર આજે ગુરૂવારે જિલ્લા મથક ભુજનું તાપમાન સામાન્યથી 11 ડિગ્રી ઓછું 9.0 સેલ્સિયસ, કંડલામાં સામાન્યથી 6 ડિગ્રી ઓછું 10.5 સેલ્સિયસ અને રાજ્યમાં સૌથી ઠંડુ મથક નલિયા સામાન્યથી 8 ડિગ્રી ઓછું 3.8 સેલ્સિયસ રહેવા પામ્યું છે. જે આ સિઝનનું સૌથી લઘુત્તમ તાપમાન રહેવા પામ્યું છે. જિલ્લામાં સવારના 10.30 વાગ્યા હોવા છતાં લોકોની ચહલ પહલ સામાન્ય દિવસ કરતા ખૂબ ઘટી ગઈ હોવાનું રમેશ ભાનુશાળીએ જણાવ્યું હતું.

નલિયાની મુખ્ય બજારમાં ઠંડીની અસરથી સુનકાર દેખાઈ રહ્યો છે
નલિયાની મુખ્ય બજારમાં ઠંડીની અસરથી સુનકાર દેખાઈ રહ્યો છે

જિલ્લા મથક ભુજમાં વહેલી સવારે કામથી નીકળેલી દરેક વ્યક્તિ સંપૂર્ણ શરીરે ગરમ વસ્ત્રોથી સજ્જ જોવા મળી હતી. પશુ-પક્ષી પણ કૂણા તડકાની ગરમી લેતા જોવા મળ્યા હતા. શહેરનો હમીરસર તળાવ વોક-વે પણ મોર્નીગ વોક કરતા લોકોની ગેરહાજરીથી ખાલી જોવા મળ્યો હતો. લોકો ચાની લારીની આજુબાજુ વીંટળાયેલા અને તાપણું કરતા દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે આવી ઠંડી હજુ આવતીકાલ સુધી યથાવત રહેશે તેવું હવામાન કચેરીએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...