ભુજ શહેર ખાતેના ભાજપ કાર્યાલય બહાર સુરત મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં બંન્ને પક્ષે માહોલ ઉગ્ર બની ગયો હતો. આપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ માફી માંગેના નારા પોકારવામાં આવ્યા હતા. જેની સામે ભાજપ પક્ષના કાર્યકર્તાઓએ કેજરીવાલ હાય હાયના સૂત્રો પોકાર્યા હતા. જેના બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતા મામલો ગરમાયો હતો. જો કે તાત્કાલિક આવી પહોંચેલી પોલીસ બંન્ને પક્ષ વચ્ચે ઘર્ષણ થતાં અટકાવી આપના કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઇ ગઇ હતી.
ગઇકાલે રવિવારે સુરતમાં મહિલા કોર્પોરેશન ઉપર હાથ ઉપાડવાના મામલે આજે સોમવારે કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીએ શહેરના ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરી સરકાર વિરૂદ્ધ પોતાની નારાજગી દર્શાવી હતી. દરમિયાન સામે પક્ષે ભાજપના કાર્યકર્તાઓએ પણ આપ સામે સૂત્રોચ્ચાર પોકારતાં માહોલ ઉગ્ર બની ગયો હતો.
આ વેળાએ પોલીસ દ્વારા દરમિયાનગીરી કરી આપના રાજેશ પિંદોરીયા, રાજેશ જગુવાની, રોહિત ગોર, અંકિતા ગોર અને રફીક રાયમની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા. સમગ્ર ઘટનાક્રમના પગલે શહેરમાં પડી રહેલી ગરમીમાં રાજકીય માહોલ વધુ ગરમ બની ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.