તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સલુઝિવ:શહેરની સફાઈનો ઠેકો ઝોન વાઈઝ નહીં, વોર્ડ પ્રમાણે અપાશે

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી સમિતિએ ઓછા ખર્ચે કામ કરાવવા વ્યૂહરચના ગોઠવી
  • સેનિટેશન સમિતિ વિના ઉતાવળે ટેન્ડરિંગ પ્રક્રિયા કરાઈ હતી

ભુજ નગરપાલિકામાં કારોબારી સમિતિ અને સેનિટેશન સમિતિની રચના કરાઈ ન હતી. છતાં પણ શહેરની સફાઈનો ઠેકો આપવાની ટેન્ડરિંગ પ્રક્રિયા ઉતાવળે હાથ ધરાઈ હતી. પરંતુ, બંને સમિતિની વરણી થઈ ગયા બાદ બંને સમિતિના ચેરમેને ઓછા ખર્ચે કામ કરાવવા વ્યૂરચના ઘડી કાઢી છે, જેમાં શહેરની સફાઈનો ઠેકો ઝોન મુજબ નહીં. પરંતુ, વોર્ડ મુજબ આપવાની ગણતરી ચાલી રહી છે, જેથી ઊંભા ભાવે આવેલા ટેન્ડર રદ કરવાનો નિર્ણય લેવાયાના હેવાલ છે.

ભુજ નગરપાલિકાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતની તારીખ 2021ની 23મી જાન્યુઆરીએ બહાર પડી હતી, જેમાં 5મી માર્ચે ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થયેલી જાહેર કરાઈ હતી. જે બાદ પણ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઅોની વરણીને સારો એવો સમય લાગ્યો હતો. પરંતુ, કોરોનાની બીજી લહેરમાં વણસતી સ્થિતિને કારણે કારોબારી સહિતની સમિતિઓ અને ચેરપર્સનની વરણી સંભવ બની ન હતી. બીજી બાજુ શહેરની સફાઈનો ઠેકો માર્ચ માસમાં પૂરો થઈ ગયો હતો, જેથી ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી.

પરંતુ, કારોબારી સમિતિમાં ટેન્ડર મૂકવાના બાકી હતા. જે દરમિયાન કારોબારી સમિતિ સહિતની સમિતિ અને ચેરપર્સનની રચના થઈ ગઈ. કારોબારી સમિતિના ચેરમેન જગત વ્યાસ અને સેનિટેશન સમિતિના ચેરમેન કમલ ગઢવીએ શહેરની સફાઈ ઓછા ખર્ચે કરાવવા નવી જ વ્યૂરચના ઘડી કાઢી હતી, જેમાં શહેરની સફાઈ ઊંચા ભાવે આવેલા ટેન્ડર સાથે સુસંગત ન હતી. કેમ કે, શહેરની સફાઈનો ઠેકો શહેરના ત્રણ ઝોન પાડીને અપાયો હતો. જ્યારે નવી વ્યૂરચના મુજબ દરેક વોર્ડની સફાઈનો ઠેકો આપવાનો છેે.

કામમાં અને બિલ પાસ કરવામાં ટકાવારીનો છેદ ઉડી જવાની શક્યતા
સૂત્રોના જણાવ્યા મુજબ કોઈપણ સરકારી કચેરીઓના એકાઉન્ટ વિભાગ સહિતના સંબંધિત વિભાગો મોટા મોટા બિલ બને એમા રસ ધરાવે છે. કેમ કે, જેમ ઊંચા બિલ બને એમ 2 ટકા લેખે વધુને વધુ ઉપલી આવકની રકમ લાગા રૂપે મળતી જાય. પરંતુ, વોર્ડ મુજબ સફાઈનો ઠેકો અપાતા બિલ આપોઆપ નીચા બનશે, જેથી ઠેકેદાર બિલ પાસ કરાવવા 2 ટકા આપવાથી હાથ અધ્ધર કરી દેશે.

વોર્ડના વિસ્તાર મુજબ અપસેટ પ્રાઈઝ
નવી વ્યૂરચના મુજબ દરેક વોર્ડની સફાઈનો અલગથી ઠેકો આપવાની ગણતરી છે. જેની અપસેટ પ્રાઈઝ વોર્ડના વિસ્તાર મુજબ નક્કી કરવામાં આવશે, જેથી ખર્ચ પણ ઘટી જશે અને સફાઈમાં પણ ધળમૂળથી સુધારો આવશે. આમ, આખા શહેરને બદલે ઝોન મુજબ અને ઝોન બાદ હવે વોર્ડ મુજબ સફાઈનો ઠેકો આપવા વિચારે નવી આશા જગાવી છે.

પાલિકાના ટ્રેકટર, છકડા-સફાઈ કામદારોનો મહત્તમ ઉપયોગ થશે
વોર્ડ મુજબ સફાઈના ઠેકાથી ભુજ નગરપાલિકાના ટ્રેકરટ, છકડા અને સફાઈ કામદારોનો મહત્તમ ઉપયોગ થશે, જેથી સફાઈના ઠેકાના ભાવ પણ આપોઆપ નીચે આવશે.

ઝોન મુજબ શહેરના વોર્ડ
ભુજ શહેરની સફાઈ માટે શહેરના વોર્ડ મુજબ ત્રણ ઝોન પાડવામાં આવ્યા હતા, જેમાં પહેલા ઝોનમાં વોર્ડ નંબર 1થી 4, બીજા ઝોનમાં વોર્ડ નંબર 8થી 11 અને ત્રીજા ઝોનમાં વોર્ડ નંબર 5થી મૂકવામાં આવ્યા હતા. જે ત્રણે ઝોનની સફાઈનો ઠેકો અલગ અલગ અપાતો હતો.

અન્ય સમાચારો પણ છે...