CMની કચ્છમાં દિવાળી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડોમાં BSFના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી, કહ્યુ- લોકોની સુખ-શાંતિમાં જવાનોની નિષ્ઠા મહત્વપૂર્ણ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રિરંગા કાર્યક્રમ આપણા અને સૈન્યના પરિવારો વચ્ચે આત્મિયતા કેળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ: ગૃહ રાજ્યમંત્રી
  • સંત્રીઓ અને સશસ્ત્રદળોના જવાનો તેમજ પોલીસ સાથે દિવાળીપર્વની ઉજવણી ઉમંગભેર કરી

યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને ગૃહ વિભાગના સંયુકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કચ્છના ધોરડો ખાતે આજે બુધવારે ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદના સંત્રીઓ અને સશસ્ત્રદળોના જવાનો તેમજ પોલીસ સાથે દિવાળીપર્વની ઉજવણી ઉમંગભેર કરી હતી.

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદના સંત્રીઓને સલામ આપવા સૌને સુરક્ષા પુરી પાડતા જવાનોને બિરદાવવા અને પોત્સાહિત કરવા દિવાળીપર્વ તેમની સાથે ઉજવવાની પરંપરા પ્રારભ કરી છે જેને આજે પણ રાજ્યમાં યથાવતરૂપે મનાવાય છે. જેની ઉજવણીના ભાગરૂપે આજરોજ રાજ્યની પશ્રિમ સરહદે કચ્છ-ધોરડો ખાતે મુખ્યમંત્રીએ તેમની ટીમ ગુજરાત સાથે દિવાળીપર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

કચ્છનાધોરડો ખાતે દિપોત્સવીના પાવન પર્વની ઉજવણી પ્રસંગે જવાનો અને કચ્છની ખમીરવંતી પ્રજા વચ્ચે આવવાનો આનંદ છે એમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જવાનોને બિરદાવતા વધુમાં જણાવ્યુ હતું કે, સારામાં સારી સેવા બોર્ડર પર જવાનો કરી રહ્યા છે પ્રજાજનો જે સુરક્ષા, સુખ અને શાંતિનો અનુભવ કરે છે તેમા તેમની નિષ્ઠા પણ મહત્વની છે એ શિખવા અમે પ્રયત્નશીલ રહીશું. અમે પણ એવી નિષ્ઠાથી અમારા શાસન દરમ્યાન પ્રજાના સુખ શાંતિ સમૃદ્ધિ વધારી શકીએ. છેવાડાના માનવી સુધી સરકારની દરેક યોજના પહોંચાડીને પ્રજાની સેવા કરવા તત્પર છીએ.

વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે કુટુંબ ભાવનાથી કામ કરવાની પ્રેરણા આપી છે. ત્યારે વારે તહેવારે કુટુંબની યાદ આવે એવા દિવાળીના અવસરે અમે અહિં છીએ. આજે બોર્ડર પર કુટુંબ છે ત્યારે તેમને મળવાનો અવસર છે. દિવાળીના પ્રસંગે આપણે સૌ વચ્ચે ઉજવીએ. કચ્છ રણોત્સવ બાદ અહીંના પ્રજાજનો માટે અનેક અવસરો ઉભા થયા છે. પ્રવાસન હબ તરીકે કચ્છનો ખુબ વિકાસ થયો છે.

આ તકે મુખ્યમંત્રીએ વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યની રજુઆતને અનુલક્ષીને પાણીની સમસ્યાને નિવારવા તેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પ્રયત્ન કરાશે. એમ પણ જણાવ્યું હતું.

જવાનોને ઉદ્દેશીને મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર જવાનોની પડખે છે તેમને પડતી મુશ્કેલીઓ નિવારવા પ્રયત્ન કરશે. તેમજ મુખ્યમંત્રીએ આ તકે સૌને દિપાવલી તેમજ નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી સૌન્યના જવાનોને દિપાવલીની શુભેચ્છાઓ પાઠવાતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક પર્વ તહેવાર બોર્ડર પર સૈન્ય સાથે મનાવે છે. ત્યારે આજે ગજરાતના મુખ્યમંત્રી સાથે આજે અહીં કચ્છના બોર્ડર પર આ કાર્યક્રમ યોજાયો છે તે ફકત સૈનિકોને શુભકામનાઓ પાઠવવા માટે નથી પરંતુ આપણા પરિવાર અને સૈન્યના જવાનોના પરિવારો વચ્ચે આત્મીયતા કેળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે.

ભારતની સુરક્ષા માટે સદાય તૈનાત એવા સૈનિકો તેમજ તેમના પરિવારોને વંદન કરતા તેમણે લોકો સુરક્ષિત અને નિશ્રિંત બનીને જીવન જીવી શકે છે તે માટે સૈન્યનો અભિનંદન સહ આભાર વ્યકત કર્યો હતો.

કોરોના કાળમાં તેમજ અન્ય આપત્તિકાળમાં શ્રેષ્ડ કામગીરી કરાનારા પોલીસ વિભાગના સહયોગની સરાહના કરતા તેમને પણ અભિનંદન પાઠવ્યાં હતા. ઉપરાતં જણાવ્યું હતું કે, તમામ વ્યવસ્થાઓમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું માર્ગદર્શન પણ મળી રહે છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા આ સિવાય અન્ય નાના-મોટા કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે. આ તકે કચ્છની ધરતી પર સરહદોના રક્ષણ કાજે ભુજ એરબેજ બનાવનારા કચ્છની વિરાંગનાઓને પણ નમન કર્યા હતા.

ત્રિરંગા થીમ પર યોજાયેલા સાંસ્કૃતિ કાર્યક્રમમાં એરફોર્સ, BSF, આર્મી, તટરક્ષકદળ, NCC અને ગુજરાત પોલીસના જવાનો, એસ.આર.પી., અને તેમના પરિવારો, નુપુર એડકમીના કચ્છીના લોક નૃત્ય, આર્મી બેન્ડ તેમજ બી.એસ.એફ.બેન્ડ, લોક કલાકાર ભાવિન શાસ્ત્રી અને ઓસમાણ મીરના લોકસંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉમંગભેર જોડાયા હતા.

મુખ્યમંત્રી સાથે આ ઉજવણીમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષા ર્ડા.નીમાબેન આચાર્ય, માર્ગ અને મકાન, વાહન વ્યવહાર નાગરીક ઉડ્ડયન, મંત્રી પુર્ણેશ મોદી, વાહન વ્યવહાર રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી, જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, કચ્છ-મોરબી સાંસદ વિનોદ ચાવડા, ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડમિનિસ્ટ્રેશન) ટી. એસ, બીસ્ટ, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ પી.આર.જોષી, ધારાસભ્ય સર્વ વાસણ આહીર-અંજાર, વિરેન્દ્રસિંહ જાડેજા-માંડવી, પ્રધ્યુમનસિંહ જાડેજા –અબડાસા, માલતીબેન મહેશ્વરી- ગાંધીધામ, અગ્રણીસર્વ પ્રદિપસિંહ વાધેલા, રત્નાકરજી, આઈ.જી.પી., બોર્ડર રેંજ ભુજ જે.આર.મોથાલીયા, બી.એસ.એફ આઇ.જી. જી. એસ. મલિક, ભારતીય આમી કર્નલ નિતિન ગુલાટી, એરફોર્સ ગ્રુપ કેપ્ટન સત્યદેવસિંહ, કોસ્ટ ગાર્ડ કમાન્ડન્ટ સંદિપ સફાયા, કલેક્ટર પ્રવીણા ડી.કે., પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંધ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...