અજાપરના બેન્સામાં તોડફોડ:માલિકના ગળામાંથી 80 હજારની ચેઇનની લૂંટ

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘ તું બહારથી આવી ધંધો કરે છે પાછો ચાલ્યો જા’ કહી મારામારી કરાઈ

અંજાર તાલુકાના અજાપર ગામે લાકડાનો બેન્સો ચલાવતા માલિકને ઢોર માર મારી 80 હજારની ચેઇન લૂંટી લેવાતા અંજાર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે . જે બનાવમાં ચાર નામ જોગ સહિત કુલ 7 આરોપીઓ સામે વિવિધ કલમો તળે ફરિયાદ કરવામાં આવી છે.

આ અંગે અંજાર પોલીસ મથકેથી વરસામેડીમાં રહેતા અનિલકુમાર ગંગારામજી ગૌરે નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ અજાપર પાટિયા પાસે તેમની બાલાજી પાઈન વૂડ નામની લાકડાની મીલ આવેલી છે. શનિવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં બેનસામાં કામ કરતા અશોકકુમારનો ફોન આવ્યો અને કહ્યું કે, ચાર માણસો આપણા બેનસામાં આવી ગયા છે અને તોડફોડ કરી રહ્યા છે. જેથી ફરિયાદી તરત બેનસામાં દોડી ગયા હતા અને ત્યાં હાજર આરોપીઓ વીરમ રાણા રબારી, રમેશ જેમલ રબારી, બીજલ ભોજાભાઈ રબારી અને એક અજાણ્યો માણસ કે જે બેનસામાં માથાકૂટ કરતા હતા, તેમને બહાર કાઢી ગેટને અંદરથી લોક મારી દીધો હતો.

થોડીવારમાં જ બેનસાનો ગેટ કૂદીને આ ચારેય માણસો પાછા આવ્યા અને મારામારી કરવા લાગ્યા હતા. તેમની સાથે ગોપાલ રબારી અને બીજા બે અજાણ્યા માણસો આવ્યા હતા અને સૌએ એક સંપ થઈ ફરિયાદીને માર મારવાનું શરૂ કર્યું હતું. તું બહારથી આવીને અહીં ધંધો કરે છે. અહીંથી ચાલ્યો જા નહીં તો તારા બેનસામાં આગ લગાવી દેશું તેવું કહીને આરોપી વિરમે ફરિયાદીના ગળામાં પહેરેલી રૂ. 80 હજારની ચેઈન ખેંચી લીધી હતી. આ બનાવ બાદ ફરિયાદીએ અંજાર પોલીસ મથકે કુલ 7 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...