સમસ્યા:બન્ની વિસ્તારમાં ઘેટા-બકરામાં રોગચાળાથી માલધારીઓ ચિંતિત

નાના અંગિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીમારીથી અશક્ત અબોલ જીવો આખરે મોતને ભેટે છે

બન્ની વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઝીણા માલ તરીકે ઓળખાતા ઘેટા-બકરામાં અજ્ઞાત રોગ ફેલાવવાના કારણે પગમાં સોજો આવી જતા ચાલી શકતા ન હોવાથી ચરવા માટે જઇ શકતા નથી જેને લઇને અશકિત આવી જવાથી કેટલાક પશુઓના મોત થઈ રહ્યા છે. રોગચાળાને કારણે ચિંતિત માલધારીઓ દ્વારા અબોલ જીવોની તાત્કાલિક સારવાર કરાય તેવી માગ કરાઇ રહી છે.

બન્નીથી નખત્રાણાના અંતરિયાળ મોતીચૂર, ફુલાય, પૈયામા આવેલા જાકીરભાઇ અને મામદભાઈ સહિતના માલધારીના જણાવ્યા મુજબ તેઓ નખત્રાણા પશુ દવાખાનામાં ઘેટા-બકરાની સારવાર માટે ગયા હતા ત્યારે અમુક દવાઓ આપવામાં આવી હતી અને બાકીની દવાનો સ્ટોક ન હોવાનું જણાવાયું હતું. આ બાબતે નખત્રાણાના ઇન્ચાર્જ પશુ ચિકિત્સક અધિકારી ડો. ભાવિક રાજનનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, પશુઓની સારવાર માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. જો કોઈ ગામના પશુઓને રોગ થયો હોય તો, પશુ પાલન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી હેલ્પલાઇન નંબર પર જાણ કરશે તો જે તે વિસ્તારના પશુચિકિત્સક સ્થળ પર પહોંચીને સારવાર આપશે. દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જો કે ગળસૂંઢા નામના રોગની રસીનો સ્ટોક જે તે વખતે ઉપલબ્ધ ન હતો પણ જિલ્લા મથકેથી રસી આવી ગઇ છે તેમજ પશુપાલક જે તે ગામના સરપંચ, તલાટી, આગેવાન અથવા ખુદ પશુ દવાખાનાનો સંપર્ક કરશે તો જરૂરી સારવાર અપાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

નખત્રાણામાં કાયમી પશુ ચિકિત્સકની નિમણૂક કરો ફુલાયના દોલતખાન મુત્વા એ જણાવ્યું હતું કે, અંદાજે 14 હજાર જેટલા નાના-મોટા પશુઓ છે. ગાય- ભેંસોમાં પણ અન્ય રોગ દેખાઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં પશુઓની સારવાર માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. સ્થાનિકે કોઈ પશુ ડોક્ટર ન હોવાથી દયાપરના પશુ ચિકિત્સકને નખત્રાણાનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે ત્યારે કાયમી પશુ ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી માલધારીઓ માગ કરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...