ખાતમુહૂર્ત:માર્ચ 2022 સુધીમાં સમગ્ર કચ્છમાં દરેક ઘરમાં નળ જોડાણ અપાશે : પા.પુ. મંત્રી

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂદ્રમાતા ખાતે 282 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: કચ્છની પાણીની સમસ્યા હવે ભુતકાળ બનશે

ભુજ તાલુકાના રુદ્રમાતા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના હસ્તે અને મુખ્ય અતિથિ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. 282 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતુ કે, ‘આજે ટપ્પર સિંચાઇ યોજના આધારીત વધારાનું દોઢસો એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવાની યોજનાથી અંજાર તાલુકાના વિવિધ ગામો, પરા, શહેરોને તો લાભ થશે જ સાથે સાથે ભુજ શહેરને પણ આ યોજનાથી લાભ થશે.’

તો મંત્રીએ જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારની નેમ છે કે વર્ષ 2024 સુધીમાં રાજ્યનું એક પણ ઘર નળ વગર ન રહે, એ અંતર્ગત કચ્છ જિલ્લામાં માર્ચ 2022 સુધીમાં એકપણ ઘર નળ વગરનું નહી રહે. વધુમાં પાણી પુરવઠા મંત્રીએ જણાવ્યું કે, નિરામય ગુજરાત દ્વારા પ્રત્યેક ઘર સુધી પહોંચવાની રાજ્ય સરકારની નેમ છે. આ કાર્યક્રમની શરૂઆતમાં પાણી પુરવઠા વિભાગના નિવૃત્ત મુખ્ય ઇજનેર અશોક વનરાએ કચ્છમાં વિભાગ દ્વારા કરવામાં આવનાર કામો અને પાણીની પરિસ્થિતી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

લોકાર્પણ કરવામાં આવેલ વિવિધ યોજનાકીય કામોમાં અંજાર તાલુકાના ટપ્પર ડેમ આધારીત યોજનામાંથી અંદાજીત રૂ.138 કરોડના ખર્ચે વધારાનું 150 એમએલડી પાણી પૂરું પાડવાની યોજના, ભુજ શહેર માટે રૂ. 35.87 કરોડના ખર્ચે તૈયાર થયેલ 23.70 એમ.એલ.ડી. ક્ષમતા ધરાવતા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આ ઉપરાંત નર્મદા પાઈપલાઈન આધારિત યોજનાકીય ખાતમુહૂર્ત અંતર્ગત રૂ. 77.56 કરોડના ખર્ચે બન્ની સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના, રૂ. 13.20 કરોડના ખર્ચે તૈયાર થનાર માંડવી ભાગ-1 સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના, રૂ.17.22 કરોડના ખર્ચે તૈયાર થનાર માંડવી -3 સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના, વાસ્મો આધારીત આશરે રૂ. દોઢ કરોડના ખર્ચે નલ સે જલ યોજના અંતર્ગત કુકમા તેમજ લુણા ગામ માટેની આંતરીક પાણી વિતરણ યોજનાનું પણ ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છના ધારાસભ્યો તથા સ્થાનિક સ્વરાજ સંસ્થાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...