વાહન માલિક પાસેથી મુદ્દત પર વાહન ખરીદી કરી બાદમાં તે વાહન અન્યને ગિરવે મૂકી પૈસા અોળવી જનાર શખ્સને અેલ.સી.બી.અે દબોચી લીધો હતો. અગાઉ અા યુવકનો ટ્રેકટરનો પૈસાનો મામલો પણ પોલીસ મથકે પહોંચ્યો હતો. પશ્ચિમ કચ્છ અેસ.પી.અે વાતને સમર્થન અાપી જણાવ્યું હતું કે, યુવકને ઉઠાવી જાણવાજોગ નોંધ કરી છે અને તપાસ ચાલું છે.
અા અંગે જાણવા મળતી વિગતો મુજબ બેથી અઢી વર્ષ પૂર્વે ટ્રેકટરના પૈસાની માથાકુટમાં ચર્ચામાં અાવેલા ભુજના યુવકને બે દિવસ પૂર્વે પશ્ચિમ કચ્છ અેલ.સી.બી.ની ટૂકડીઅે ઉઠાવ્યો છે. યુવક પાસે અેક કંપનીની ટ્રેકટરની ડિલરશીપ હતી બાદમાં ટ્રેકટર લે-વેંચનો વ્યવસાય કરતો હતો. લે-વેંચના વ્યવસાય દરમિયાન પૈસા મુદ્દે માથાકુટ પણ થઇ હતી જે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બે દિવસ પૂર્વે અેલ.સી.બી.ની ટુકડીઅે અરજીના અનુસંધાને તેને ઉઠાવ્યો હતો, જેની સાથે અન્ય અેક યુવકને પણ ઉઠાવ્યો હતો. જો કે, બીજા યુવકનું નિવેદન લઇ તેને છોડી મુકયો હતો. અેલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર હાર્દિકસિંહ ગોહીલનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, ટ્રેકટર કે વાહનના પૈસા મામલે કોઇપણ યુવકને ઉઠાવ્યો નથી. અલબત્ત અાંતરીક સુત્રોઅે કહ્યું હતું કે, ટીમે તેને ઉઠાવી જાણવાજોગ નોંધ પણ કરી હતી.
દરમિયાન આ બાબતે પશ્ચિમ કચ્છ અેસ.પી. સાૈરભ સિંઘનો સંપર્ક સાધતા તેમણે બનાવને સમર્થન અાપતા કહ્યું હતું કે, ટ્રેકટર અને વાહનના લે-વેંચ સાથે સંકળાયેલા યુવકને ઉઠાવી જાણવાજોગ નોંધ કરાઇ છે, હાલ તપાસને અાડઅસર ન પહોંચે તે માટે નામ જાહેર કરવાનું ટાળ્યું હતું. તપાસ પૂર્ણ થયા બાદ સત્તાવાર વિગતો જાહેર કરવાની વાત કરી હતી.
ટ્રેકટર કાૈભાંડમાં બે કરોડ રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું
અેલ.સી.બી.અે જે યુવકને ઉઠાવ્યો છે તેણે અંદાજે બે કરોડ રૂપિયાનો ફૂલેકું ફેરવ્યું છે. ટ્રેકટર ખરીદી કર્યા બાદ પુરા રૂપિયા વાહન માલિકને ન અાપ્યા હોવાની વાત પણ સુત્રોઅે ઉમેરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.