વિદેશ સાથે વેપાર:બન્નીની સુંદર લીંપણ કલા અમેરિકાના વર્જિનિયા લગ્નમાં બનશે આકર્ષણનું કેન્દ્ર, સીણીયાડોનો યુવાન સોશિયલ મીડિયાથી વેપાર કરે છે

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
માજીખાન મુતવાની ફાઇલ તસવીર - Divya Bhaskar
માજીખાન મુતવાની ફાઇલ તસવીર
  • માજીખાન મુતવા સોશીયલ મીડીયાની પાંખે વિદેશ સાથે કરે છે વેપાર

કહેવાય છે કે, કલાને સીમાડાના બંધન ન હોય. આ ઉક્તિને સાર્થક કરે છે, કચ્છના છેવાડાના રણ વચ્ચે આવેલા સીણીયાડો ગામનો માજીખાન મુતવા. વ્યવસાયે ડ્રાઈવર પિતાનો મોટો દીકરો ભણવામાં તેના બન્ની વિસ્તારમાં હોશિયાર હતો. એસ.એસ.સી.માં એકમાત્ર ઉતીર્ણ થનાર માજીખાન અભ્યાસ બાદ ખાનગી નોકરી કરી, પણ તેમાં જીવ ન લાગતાં કઈક અલગ કરવાની ઈચ્છા સાથે મડવર્ક આર્ટ (કચ્છી લીંપણ કલા) શીખ્યો. ધીમે ધીમે પ્રગતિ કરી આજે વિદેશથી ઓર્ડર આવવા માંડ્યા છે. કચ્છની લીંપણ કલા અમેરિકાના વર્જિનિયા લગ્નમાં સામેલ થઈ છે.

પ્રગતિનો સમગ્ર યશ સોશીયલ મીડિયા ને આપતા કહે છે કે, યુવાઓ આ પ્લેટફોર્મને માત્ર ચેટિંગ કે વિડિયો/ફોટો અપલોડ સિવાય સારા ઉદ્દેશ સાથે લે તો એમાંથી પણ આવક થઈ શકે. હા, એટલું છે કે મહેનત તો કરવી જ પડશે. આઠ વર્ષ અગાઉ નાના પાયે ધંધો શરૂ કરનાર ગામડાનો આ જુવાન ધીરે ધીરે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર પર એકાઉન્ટ બનાવી પ્રોડક્ટની જાહેરાત કરવા લાગ્યો. વિડિયો બનાવી યુ ટ્યુબ પર અપલોડ કર્યા. જેને પરિણામે દેશ વિદેશથી ઓર્ડર આવવા માંડ્યા.

શહેરના વેપારીઓ ગ્રાહકની વાટ જોતા હોય ત્યારે આ કલાકારને એટલા ઓર્ડર આવવા માંડ્યા કે પહોંચી ન વળે. બન્નીના ધોરડો પાસે આવેલા એક નાના ગામડેથી અમેરિકા કાઈ રીતે કામ મળ્યું પૂછતા જણાવે છે કે, ઉત્તર ભારતના એક પરિવારે મારો વિડિયો જોયો, તેમને અમેરિકા લગ્ન પ્રસંગે આવી વૈવિધ્ય સભર ભેટ આપવા વિચાર આવ્યો અને મને એક સાથે પચાસ ફ્રેમનો ઓર્ડર મળ્યો. ઓર્ડર કેટલો મોટો છે, તે મહત્વનું નથી, પરંતુ મહત્વનું છે કે, સરહદ પર છેવાડે બેઠેલો એક કારીગર તેની પ્રોડક્ટ સોશીયલ મીડીયાના કારણે અમેરિકા સુધી વેંચી શકે છે. મડવર્ક શીખવાથી કરીને સફળતા સુધી શિક્ષણ અને સમય સાથે કદમ મિલાવવા માટે તત્પર રહેવાને શ્રેય આપે છે.

‘ગર્વ છે કે પહેલા હું માત્ર કચ્છી હતો, આજે ઇન્ડીયન છું’
માજીખાન ઇલમખાન મુતવા કહે છે કે, જ્યારે મડવર્કની નાની નાની ફ્રેમ બનાવી વેંચાણ શરૂ કર્યું અને રણોત્સવમાં સ્ટોલ લગાવી વેચતો ત્યારે આવનાર પ્રવાસી કચ્છી તરીકે ઓળખતા. આજે ગ્લોબલ બિઝનેસ તરફ વળ્યા બાદ ગ્રાહકો કચ્છી નહિ, પણ ઇન્ડીયન તરીકે ઓળખે છે, જેનો મને ગર્વ છે. અને મારા દેશનું નામ રોશન કરવાનો મને સંતોષ છે.

મડવર્કની નેમ પ્લેટનો ટ્રેન્ડ શરૂ કર્યો
સામાન્ય રીતે મડવર્કની ફ્રેમ બનાવી ઘરની દીવાલમાં શોભ માટે અથવા તો કોઈને ગિફ્ટ આપવા માટે હોય એવી આપણી માન્યતા છે અને જોઈ છે. માજીખાને તેમાં નવો ટ્રેન્ડ શરૂ કર્યો. ડોકટર, મોટા ઉદ્યોગના અધિકારીઓ કે સરકારી અધિકારીઓની નેમ પ્લેટ બનાવી ડિસ્પ્લે કરતા લોકો એ પણ ખરીદવા માંડ્યા. અલગ જાતની વેરાયટી બની છે. અને હવે ટ્રેન્ડ પણ બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...