બજેટ:અંદાજપત્રમાં કચ્છની અપેક્ષાઓ નજર અંદાજ, છતાં સત્તા પક્ષ તો ઠીક, વિપક્ષ પણ સચોટ પ્રતિક્રિયા આપવામાં ઉણો ઉતર્યો

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ અને કોંગ્રેસે બજેટમાં કચ્છ માટે કરાયેલી જોગવાઇઓનો યોગ્ય અભ્યાસ જ ન કર્યો હોવાનું ચિત્ર ઉપસ્યું

રાજ્ય સરકારે બહાર પાડેલા બજેટ પૂર્વે સરહદી કચ્છ માટે અનેક લાભકારી ઘોષણાઓ થશે તેવી આશા સેવાઇ હતી પણ અંદાજપત્રમાં કચ્છની અપેક્ષાઓ હંમેશ મુજબ નજર અંદાજ કરાઇ હતી. આ વચ્ચે સત્તા પક્ષ તો વિપક્ષ પણ તેની પ્રતિક્રિયા આપવામાં ઉણો ઉતર્યો હતો. બંને પક્ષની પ્રતિક્રિયા જાણવા માટે જ્યારે સંપર્ક કરાયો તો કોઇ સચોટ અભ્યાસ વિના જવાબ અપાયા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. જો કે, બજેટને ભાજપે વખાણ્યું હતું તો કોંગ્રેસે રાબેતા મુજબ વખોડ્યું હતું.

વધારાના પાણી માટે રૂા. 4369 કરોડ ફાળવાયા છે : ભાજપનું હળાહળ જુઠાણું
વિધાનસભા ગૃહમાં બપોરે અંદાજપત્ર રજૂ થયા બાદ રાત્રે જિલ્લા ભાજપે આપેલા પ્રતિભાવમાં નર્મદાના વધારાના કામો માટે 4396 કરોડ ફાળવાયા છે તેવું હળાહળ જૂઠું નિવેદન આપવામાં આવ્યું હતું. પાર્ટીએ પાઠવેલી યાદીમાં જણાવાયું હતું કે, કચ્છમાં નર્મદાના વધારાના પાણીની યોજના માટે 4369 કરોડની મંજૂરી આપવામાં આવી છે જ્યારે વાસ્તવિકતા એ છે કે આટલી મોટી રકમની કોઇ જાહેરાત કરાઇ જ નથી. આમ સત્તાક્ષે પણ કચ્છ માટે કરાયેલી જોગવાઇઓનો અભ્યાસ કરવાની દરકાર લીધી ન હતી. ધોરડો, હાજીપીર, ગાગોદર આઉટપોસ્ટની જગ્યાએ નવા પોલીસ સ્ટેશનોની જાહેરાતને આવકારાઇ હતી.

સાંસદના અભ્યાસ વિના જ કાર્યાલયમાંથી પ્રતિભાવની યાદી ઉતાવળે પાઠવી દેવાઇ !
અંદાજપત્ર રજૂ થયા બાદ જાણે પ્રતિક્રિયા આપવાની ઉતાવળ હોય તેમ કચ્છના સાંસદના કાર્યાલયમાંથી રાજ્ય સરકારના વખાણ કરતી યાદી પાઠવાઇ હતી જેમાં માત્ર ગુજરાતનો ઉલ્લેખ હતો. યાદીમાં કચ્છનો ‘ક’ અને નર્મદાના વધારાના પાણી વિશે કોઇ પ્રતિભાવ ન હોતાં સાંસદ વિનોદ ચાવડાનો ફોન પર સંપર્ક કરીને વધારાના પાણી માટે માત્ર 272 કરોડ જ ફાળવાયા છે, આમ કેમ થયું તેમ પૂછતાં તેમણે પોતે ધોરડોના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું કહી બજેટનો કોઇ અભ્યાસ કર્યો નથી તેમ જણાવ્યું હતું.

જો કે, બાદમાં તેમણે વધારાના પાણી વિશે ફોડ પાડતાં કહ્યું હતું કે, સરકારે 4369 કરોડની વહીવટી મંજૂરી આપી છે તેના ટેન્ડર એક સપ્તાહમાં બહાર પડી જશે. અંદાજપત્રમાં 272 કરોડની જોગવાઇ કરાઇ છે તેનાથી કામોની શરૂઆત થઇ જશે. ઉલ્લેખનીય છે કે, વધારાના પાણીના કામો માટે સાંસદે 5 હજાર કરોડ ફાળવવાની માગ કરી હતી.

કોંગ્રેસે નર્મદાના પાણી સિવાય કચ્છનો ક્યાંય ઉલ્લેખ ન કર્યો
કોંગ્રેસે આપેલા પ્રતિભાવમાં કચ્છ માટે નર્મદા યોજનાની જાહેરાતનો ઉલ્લેખ કરાયો હતો પણ નિયમિત પાણી કે વધારાના પાણી તેના વિશે કોઇ સ્પષ્ટતા ન હતી. આમ વિપક્ષ તરીકે નિશ્ચિત અભ્યાસ વિના યાદી પાઠવી દેવાઇ હતી. કચ્છને સરકાર પાસે શું શું અપેક્ષાઓ હતી અને કેટલી ફળીભૂત થઇ તેના વિશે પ્રતિક્રિયા આપવાના બદલે નિયમ મુજબ રાજ્યના પ્રશ્નોની ઝાટકણી કાઢવામાં આવી હતી. આમ વિપક્ષે પણ ઉંડાણપૂર્વક કોઇ અભ્યાસ ન કર્યો હોવાનું ચિત્ર સપાટીએ આવ્યું હતું.

રાપરના ભાજપના પૂર્વ ધારાસભ્ય તો પોતાના પ્રતિભાવમાં નર્મદાના નીર જ ભૂલી ગયા
કચ્છમાં નર્મદાના વધારાના પાણી સારણ જળાશયથી પ્રવેશવાના છે તેેવા રાપર તાલુકાના ભાજપના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ પાઠવેલી યાદીમાં નર્મદાના નિયમિત કે વધારાના પાણી વિશે ક્યાંય ઉલ્લેખ જ કરાયો નથી. તેમની પ્રતિક્રિયામાં પણ મોટા ભાગે રાજ્યની દ્રષ્ટિએ કરાયેલી જોગવાઇઓને આવકારાઇ હતી. કચ્છમાં આગામી પાંચ વર્ષમાં 350 કરોડના ખર્ચે મોટા ચેક ડેમો અને હાઇડ્રોલિક સ્ટ્રક્ચરો બનાવવાનું આયોજન કરાયું છે જેના ભાગ રૂપે 65 કરોડની જોગવાઇ કરાઇ છે તે બાબતને બિરદાવી હતી.

સરકારે પૂરતા નાણા ન આપીને પ્રજાનો દ્રોહ કર્યો છે : કિસાન સંઘ
નર્મદાના વધારાના પાણી માટે સંતો-મહંતો અને વિવિધ સમાજો તેમજ 400થી વધારે ગ્રામ પંચાયતોએ લડત ચાલવી ત્યારે વહિવટી મંજૂરી આપનારા મુખ્યમંત્રીએ યોજનાને સાકાર કરવા બજેટમાં 4369 કરોડ ફાળવાશે તેવી કચ્છના ધારાસભ્યો, સાંસદ અને કિસાન સંઘના પ્રતિનિધિ મંડળને થોડા સમય પહેલાં બાંહેધરી આપી હતી.

આજે અંદાજપત્રમાં માત્ર 272 કરોડ ફાળવીને પ્રજાનો દ્રોહ કરાયો છે. આ ઉપરાંત નિયમિત પાણીના મોડકૂબા અને દુધઇ કેનાલના બાકી રહી ગયેલાં કામો માટે 2500 કરોડ જેટલો ખર્ચ થવા જાય છે તેની પણ કોઇ જોગવાઇ નથી કરાઇ. વધારાના પાણી માટે વધારે રકમ નહીં ફાળવાય તો ફરી આંદોલન છેડાશે તેમ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાએ જણાવ્યું હતું.

ગ્રામોત્થાન લક્ષી બજેટ : જલ પર્યવારણ સંઘ
ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ફાળવણી ઉપરાંત પ્રાકૃતિક ખેતી તરફ વળી રહેલા ખેડૂતોને ગાયોના નિભાવ માટે 213 કરલડ જેટલી રકમ ફાળવીને સરકારે ગ્રામોત્થાનલક્ષી બજેટ રજૂ કર્યું છે. આગામી પાંચ વર્ષમાં કચ્છમાં 350 કરોડના ખર્ચે સિંચાઇ માટે ડેમો બનાવવાની જાહેરાત આવકારદાયક છે તેમ કચ્છ જલ પર્યાવરણ વિકાસ સંઘના કન્વીનર કેશુભાઇ ઠાકરાણીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...