• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • BJP inspired Candidates Declared Uncontested Winners In 10 Out Of 12 Seats Before District Cooperative Purchase And Sales Union Elections

જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી:જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પહેલા 12 માંથી 10 બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે ફોર્મની ચકાસણી બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થશે : 1 તારીખે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલમાં થશે મતદાન

કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે,ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. જોકે અન્ય બેઠકોની જેમ આ ચૂંટણીમાં પણ કુલ 12 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરિફ જાહેર થઈ ગયા છે. દરમ્યાન આજે ફોર્મ ચકાસણી કરવામાં આવશે જેથી ચકાસણી બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થશે.

આ અંગેની વિગતો મુજબ,કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ખેડૂતોની સંસ્થા છે. જેમાં ખેડૂતોની સેવા સહકારી મંડળી અને તાલુકાના ખરીદ વેચાણ સંઘો સભાસદ તરીકે જોડાયેલા છે.આ સંઘ દ્વારા મુખ્યત્વે રાસાયણિક ખાતર,જંતુનાશક દવા,બિયારણ સહિતની વસ્તુઓ મંડળી મારફતે ધરતીપુત્રો સુધી પહોંચતી કરવામાં આવે છે.જિલ્લામાં દસ તાલુકામાં કુલ 12 સીટ આવેલી છે.ગાંધીધામ તાલુકામાં ખેતી ઓછી થતી હોવાથી ગાંધીધામ સીટનો અંજારમાં સમાવેશ કરી દેવાયો છે. જ્યારે ભુજ તાલુકામાં મોટો વિસ્તાર હોવાથી બે સીટ ફાળવવામાં આવી છે. જેથી તાલુકાની કુલ 10 સીટો અને ઇતર મંડળીઓ તથા તાલુકા સંઘો પર ચૂંટણી જંગ શરૂ થઈ ગયો છે.

ચૂંટણી કાર્યક્રમની જો વાત કરીએ તો,8 થી 15 નવેમ્બર સુધી ફોર્મ ભરવાના હતા જેમાં અંતિમ તારીખે વધુ ધસારો ભુજ ગ્રામ્ય મામલતદારની કચેરીએ જોવા મળ્યો હતો.કુલ 12 સીટ માટે 15 ફોર્મ ભરવામાં આવ્યા છે.જેમાં 10 સીટ તો બિનહરીફ થઈ ગઈ છે.નવાઈની વાત તો એ છે કે,તમામ 10 સીટ ભાજપ પ્રેરિત ઉમેદવારની છે એકમાત્ર ભચાઉ અને મુન્દ્રા જૂથ પર 2 અને 3 ફોર્મ ભરાયા હોવાથી અહીં રસાકસી જોવા મળશે. જોકે આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોવાથી સાંજ સુધીમાં વધુ ચિત્ર સ્પષ્ટ થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.17 થી 20 તારીખ સુધી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. જેથી 20 તારીખે હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ મતદાન જરૂરી હોય તો આગામી 1 ડિસેમ્બરના ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવશે.

બિનહરિફ થયેલા ઉમેદવારોના નામ
ભુજ જૂથ 1 માં સમાવિષ્ટ 2 સીટમાં વિશ્રામભાઈ પ્રેમજીભાઈ રાબડીયા અને દેવજી અરજણ ચાવડા તેમજ તાલુકા વાઇઝ જૂથમાં રાપરમાં વાઘેલા દશરથસિંહ બહાદુરસિંહ, માંડવીમાં શંકરલાલ દેવજી વેલાણી, નખત્રાણામાં હંસરાજભાઈ પ્રેમજીભાઈ કેસરાણી,અબડાસામાં વાડીલાલ પરબત પોકાર,લખપતમાં વેરસલજી મોડજી તુંવર,અંજાર - ગાંધીધામમાં ભૂમિત ઉમાકાંત વાઢેર તથા તાલુકાસંઘોની સીટમાં લાલજીભાઈ હંસરાજભાઈ રામાણી અને ઇતર મંડળીઓમાં સુડાભાઈ(શંકરભાઈ) ઓખાભાઈ રબારી સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ જાહેર થયા છે. જોકે આજની ફોર્મ ચકાસણી બાદ સતાવાર જાહેરાત થશે.

મુન્દ્રા અને ભચાઉ તાલુકામાં જ રસાકસીભર્યો જંગ
દસ તાલુકામાં માત્ર મુન્દ્રા અને ભચાઉ તાલુકામાં જ 1 થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં મુન્દ્રા સીટ પર ગિલવા પુનશી દેવરાજ,જાડેજા મહેન્દ્રસિંહ હોશિયારસિંહ અને ગોરડીયા વ્યાસભાઈ માલારામ દ્વારા ઉમેદવારી નોંધાવાઈ છે. જ્યારે ભચાઉ તાલુકામાં પરબત જગા ચાવડા અને ગણેશા ભચા જોસરફાળ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હોવાથી આ બંને તાલુકાની સીટ પર રસાકસી ભર્યો જંગ જોવા મળશે. જોકે હરીફ ઉમેદવારનું સાચું ચિત્ર ફોર્મ ચકાસણી અને ફોર્મ ખેંચાવાની અવધિ બાદ જ જાણવા મળશે.

ચૂંટણીના ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખે અપવાદને બાદ કરતા અેકતરફી માહોલ
ભુજની ગ્રામ્ય મામલતદાર કચેરીઅે કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે અપવાદને બાદ કરતા મોટાભાગે અેકતરફી ફોર્મ ભરાયા હતા. અેવું ભુજ ભાજપ પ્રમુખ જયંત ઠક્કરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંગળવારે ચકાસણી થશે ત્યારબાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...