SOGની કાર્યવાહી:ભુજ શહેરના અડધો કિલો ગાંજા કેસમાં ભાજપ શહેર યુવા મંત્રીની ધરપકડ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • SOGની ટીમે 10,500નો મુદ્દામાલ કબજે કર્યો
  • 15 દિવસે પોલીસે પગલા લીધા પણ પક્ષ તરફથી કોઇ કાર્યવાહી નહીં

શહેરના એરોપ્લેન સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જતા માર્ગ પર એસઓજીએ અડધો કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પકડયો હતો, જે જથ્થો ભુજ શહેર ભાજપના યુવા મંત્રીએ વેંચાણ માટે આપ્યો હોવાની કેફીયત આપતા 15 દિવસે પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની અટક કરી પણ શિસ્તમાં માનતા ભાજપ પક્ષ તરફથી આ યુવા મંત્રી સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી.

ગત 24મી સપ્ટેમ્બરના રીલાયન્સ સર્કલથી ડાબી તરફ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માર્ગ પર ચા-બીડીની કેબીન પર ગાંજાનો વેંચાણ કરતો હર્ષદ ઉર્ફે ચીનો જેન્તીલાલ રાઠોડ (રહે. મુળ સુરેન્દ્રનગર હાલ રઘુવંશી નગર, ભુજ)વાળો પકડાયો હતો. તેની પાસેથી એસઓજીની ટીમે અડધો કિલો ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 5 હજાર તેમજ એક મોબાઇલ કિંમત 5000 અને રોકડા 500 મળી કુલ 10,500નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા આ જથ્થો મહાદેવ ભારથી જયેશ ભારથી (રહે. કેમ્પ એરીયા, ભુજ)વાળાએ વેંચાણ અર્થે આપ્યો હોવાની કેફીયત આપી હતી.

ત્રણ માસ પૂર્વે ભાજપની નવી કારોબારીની રચનામાં શહેર યુવા ભાજપના મંત્રી તરીકે નિયુક્ત થયેલા મહાદેવ ભારથી ગોસ્વામીએ આ જથ્થો આપ્યો હોવાની કેફીયત આપતા તેની સામે ગુનો દર્જ કર્યા બાદ પંદર દિવસે પોલીસે તેની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે, પોલીસે શહેર યુવા ભાજપના મંત્રી સામે કાયદાનો સકંજો કસી ધરપકડ કરી હતી પણ શિસ્તમાં માનતા ભાજપ પક્ષ તરફથી હજુ સુધી કોઇ પગલા ભરાયા નથી. આ અંગે તપાસનીસ ટી. એચ. પટેલે જણાવ્યું હતું કે, બુધવારે રાત્રે અડધો કિલો ગાંજાના કેસમાં મહાદેવ ભારથીની અટકાયત કરાઇ છે.