ભાસ્કર વિશેષ:કોરોના કાળમાં સાઇકલનું બમણું વેંચાણ : આ વર્ષે અડધું પણ નહીં !

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિને કારણે છેલ્લા પાંચ વર્ષમાં સાઇકલનું વેંચાણ ઉત્તરોતર વધ્યું
  • જરૂરિયાત કરતાં શોખ અને કસરતના ઉદ્દેશથી મોટાભાગની ખરીદી

પેટ્રોલનો ભાવ વધારો અને મોંઘવારી કરતા પણ સ્વાસ્થ્ય માટે જાગૃતિ વધતા જો કોઈ બાજુ લોકો આકર્ષાયા હોય તો તે છે સાઈકલીંગ. કોરોના કાળમાં અનેક વ્યવસાયને અવળી અસર પહોંચી હતી, પણ સાઇકલનું વેંચાણ બમણું થયું હતું. એક સમયે જરૂરિયાત હોય ત્યારે જ ખરીદાતી સાઇકલ આજે શોખ અને કસરતના ઉદ્દેશથી વસાવાય છે. સરકારની ગરીબ કલ્યાણ યોજનામાં આજથી બે વર્ષ અગાઉ હજારો સાઇકલ જરૂરિયાતમંદ લોકોને અપાઈ. પરંતુ એક વર્ગ એવો છે કે, જે શોખ સંતોષવા સાઇકલ વસાવે છે.

માટે જ ભુજની બજારમાં ત્રણ હજારથી કરીને ત્રણ લાખ સુધીની સાઇકલ મળી રહે છે.સાઈકલના વધતા જતા ચલણ અંગે નેશનલ સાઇકલ સર્વિસના મયુરભાઈ જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં સાઇકલનું વેંચાણ ઉત્તરોતર વધ્યું છે. ગત વર્ષે કોરોના કાળમાં જીમ બંધ હોવાથી સાઇકલનું બમણું વેંચાણ થયું હતું, જ્યારે હાલ અડધું માંડ રહ્યું છે.

જો કે, થોડા વર્ષોથી ભુજમાં સાઇકલીસ્ટ દ્વારા સોશીયલ મીડીયા પર ફોટો અપલોડ કરવાની શરૂઆત કરતા ઘણા લોકો સાઇકલીંગ તરફ વળ્યા છે. જ્યારે જાગૃત વાલીઓ સંતાનની ઊંચાઈ વધે તે માટે પણ મોંઘી સાઇકલ ખરીદતા હોય છે. ભુજમાં અન્ય એક વેપારીએ જણાવ્યું કે, આ વર્ષે વેચાણની શક્યતાઓ પ્રમાણે સ્ટોક વધુ રાખ્યો છે, પણ હજી સુધી એટલી ઘરાકી નથી. હવે શિયાળો આવ્યો છે, ત્યારે ખરીદી નીકળે તેવી આશા છે.

કુદરત પાસે સાઇકલથી પહોંચવા માટેની સંસ્થા છે ‘ભુજ બાઈસીકલ ક્લબ’
માનદ સભ્યપદ અને માનદ પ્રવૃત્તિના ઉદ્દેશ સાથે આઠ વર્ષ અગાઉ ભુજના સાઇકલપ્રેમીઓ દ્વારા ભુજ બાઈસિકલ ક્લબ સંસ્થા શરૂ થઈ છે. જેમાં બસોથી વધુ સાઇકલીસ્ટ જોડાયેલા છે. કોઈપણ ફી કે પદવી વિના કુદરતના ખોળે સાઇકલથી પહોંચી જનાર ગ્રુપના ડૉ. અભિનવ કોટક જણાવે છે કે, નિયમિત સાઇકલીંગ કરનારા અમારા સભ્યો છે. દરરોજ પચીસથી ત્રીસ કિલોમીટર જઈએ, તો રવિવારે અંદાજે એકસો કિલોમીટર સુધી કુલ સાઇકલીંગ કરીએ. નજીક ટેકરી હોય તો ટ્રેકિંગ પણ કરી લઈએ. આમ સવાર કુદરતની નજીક રહેવાનો સનિષ્ઠ પ્રયાસ કરીએ છીએ.

માંગ વધતા સાઇકલના ભાવ પણ વધ્યા છે
એક સમયે સાઇકલ માત્ર ચારસો રૂપિયાની કિંમતથી શરૂ થતી. ત્યારે મોંઘી સાઇકલ માટે લોન સુદ્ધાં લેવામાં આવતી. આજે માંગ વધતા સામાન્ય સાદી સાઇકલ પણ સાત કે આઠ હજારથી શરૂ થાય છે. તો ગેર વાળી સાઇકલ પંદરથી પચીસ હજાર સુધીની કિંમત પહોંચી છે. વિદેશી કંપનીની વજનમાં હલકી એવી સાઇકલ તો પચોતેર હજારથી દોઢ લાખ સુધીની મળે છે.

અન્ય સમાચારો પણ છે...