વડોદરા ક્રાઇમ બ્રાંચની તવાઇ:દિલ્હીના વેપારી પાસેથી 42 લાખ પડાવનાર ભુજના ઠગની કોરોના રિપોર્ટ પછી થશે સતાવાર ધરપકડ

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સસ્તામાં સોનું આપવાની લાલચ આપી ઠગાઇ કરનાર વડોદરાના વિકીના ઘેર પોલીસના દરોડા
  • ચિટરોમાં કસ્ટમ ઓફિસરની ખોટી ઓળખ આપી સોનું પધરાવવાનો વધતો ટ્રેન્ડ

દિલ્હીના વેપારીને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી 42 લાખ રૂપિયા પડાવી લઇ જીવતા રહેવું હોય તો 30 લાખની ખંડણી આપ તેમ કહી મારી નાખવાની ધમકી આપનારી ટોળકીના મહાઠગને વડોદરાના ક્રાઇમ બ્રાન્ચે ભુજ જઇને દબોચી લીધો હતો. દરમિયાન, આ કેસના માસ્ટરમાઇન્ડ તરીકે બહાર આવેલા વડોદરાના તાંદલજામાં રહેતા ઇલીયાસ ઉર્ફે વિકીના ઘેર પોલીસે દરોડા પાડી સર્ચ ઓપરેશન કર્યું હતું પણ ઇલીયાસ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ઇલીયાસના ઘેર ચારે બાજુ સીસીટીવી કેમેરા લગાવાયેલા પોલીસને જોવા મળ્યા હતા. પોલીસે ઇલીયાસ સહિત ચારની શોધખોળ યથાવત રાખી છે. બીજી તરફ પોલીસે પકડેલા ભુજના હાજી નુરમહંમદ સોઢાનો કોરોના રિપોર્ટ કઢાવી ધરપકડ કરવાની તજવીજ કરી છે.

દિલ્હીમાં રેતીનો વેપાર કરતા સુરેશ રામજશ સિંઘાનિયાએ ક્રાઇમ બ્રાન્ચમાં અલી મહંમદ ઉર્ફે હાજી નુરમહમદ સોઢા (રહે. ભુજ), ઇલીયાસ ઉર્ફે વિકીખાન સિરાજખાન અજમેરી (રહે.તાંદલજા) તથા સલીમ, જયેશ અને કથિત કસ્ટમ ઓફિસર કાદર સામે ફરિયાદ નોંધાવી હતી. સસ્તામાં સોના આપવાની વાત મળતાં તેઓ તેમના મિત્ર દ્વારા વડોદરા આવીને ઇલીયાસ ઉર્ફે વિકીને મળ્યા હતા. તેઓ ઇલીયાસને અકોટા સબ રજિસ્ટ્રાર કચેરી પાછળ કિસન રેસિડેન્સીમાં ઇલીયાસની ઓફિસે મળ્યા હતા. જ્યાં ઇલીયાસે સસ્તામાં સોનું આપવાની લાલચ આપતાં તેમણે વિશ્વાસ મુકીને 4 લાખમાં સોનું લીધુ હતું.

તેમણે 7.50 લાખ આંગડિયામાં મોકલ્યા હતા. ત્યારબાદ તે ફરી વડોદરા આવ્યા હતા અને ઇલીયાસે તેમની એમિટી હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી હતી અને બીજા દિવસે તેમણે ઇલીયાસને 1 લાખ આપ્યા હતા. સામે ઇલીયાસે તેમને 500 ગ્રામ લગડી આપી હતી અને 23.50 લાખ રૂપિયા પછી મોકલજો તેવું કહ્યું હતું. જેથી તેમણે દિલ્હી જઇને ફરીથી આંગડિયામાં 23.50 લાખ આપ્યા હતા. ત્યારબાદ તે ફરી વડોદરા આવ્યા હતા. ઇલીયાસે 5 કિલો સોનું આપવાની લાલચ આપતાં તેમણે તેને 1 લાખ આપ્યા હતા. જોકે તે પછી 5 કિલોના બદલે 1 કિલો મળશે, તેમ ઇલીયાસે કહીને 10 લાખ આપવા જણાવ્યું હતું.

તેઓ ઇલીયાસના કહેવા મુજબ નકલી કસ્ટમ ઓફિસરને મળતાં ઓફિસરે તેને 1 કિલોના બદલે 500 ગ્રામ સોનું આપ્યું હતું અને તેમણે 10 લાખ તેને આપ્યા હતા. વેપારીએ વધારાના 42 લાખ તેમણે વધુ ચૂકવ્યા હતા. ઇલીયાસે વાયદા કર્યા હતા. તે પછી તેને કચ્છના માંડવી લઇ જઇ હાજી નામના શખ્સને મળાવ્યો હતો. હાજીએ પૈસાની માગ કરી હતી હાજીએ તેમની પાસે ધમકી આપી ખંડણી સ્વરુપે 30 લાખ વસુલ્યા હતા.

આ મામલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.એ. જાડેજાએ તપાસ કરીને ભૂજ જઇને હાજી નુરમહમદ સોઢા ઉર્ફે અલી અહમદને પકડી લીધો હતો અને તેનો કોરોના ટેસ્ટ કરાવી ધરપકડની તજવીજ કરી હતી. બીજી તરફ પોલીસે ઇલીયાસ ઉર્ફે વિકીના તાંદલજા સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને સર્ચ કર્યું હતું પણ ઇલીયાસ ફરાર થઇ ગયો હતો. પોલીસે ઇલીયાસ સહિત ચારની શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...