જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં ગુનાખોરી અટકાવવા અને ટ્રાફિક નિયમોના અમલીકરણ સહિતના હેતુસર વિશ્વાસ નેત્રમ પ્રોજેકટ હેઠળ 19 જંકશન પર 209 કેમેરા લગાવવામાં આવ્યા હતા,શહેરમાં ચોરી કે લૂંટની ઘટના બને અથવા કોઈ વસ્તુ ખોવાઈ જાય તેવા સમયે આ સીસીટીવી કેમેરા લોકઉપયોગી રહ્યા છે ત્યારે ગુનાખોરી શોધન માટેની સારી કામગીરીમાં ભુજ નેત્રમ પ્રોજેક્ટનો રાજ્યમાં ત્રીજો ક્રમાંક આવ્યો છે આ સિદ્ધિ બદલ રાજ્ય પોલીસવડા દ્વારા નેત્રમના ઇન્ચાર્જ પીઆઇ એચ.એમ. ગોહિલને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અંગેની વિગતો મુજબ રાજ્યમાં પોલીસ માળખાને આધુનિક બનાવવા માટે ભુજ અને ગાંધીધામ સહિત 34 શહેરોમાં વર્ષ 2019માં વિશ્વાસ નેત્રમ પ્રોજેકટ અંતર્ગત જાહેર સ્થળો અને મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.ભુજની જો વાત કરીએ તો શહેરમાં ગુનાખોરી અટકાવવા અને ક્રાઇમ ડિટેક્શન માટે કેમેરાનો ઉપયોગ કાબીલેદાદ રહ્યો છે.હત્યા,લૂંટ,વાહનચોરીના ભેદ ઉકેલવા તેમજ ખોવાયેલી વસ્તુઓ શોધી આપવા સહિત ટ્રાફિકભંગના ગુનામાં ઇ ચલણ આપવું તે સહિતની કામગીરી નેત્રમ દ્વારા કરવામાં આવે છે.
રાજ્ય પોલીસ દળ દ્વારા નેત્રમની કામગીરીનો વ્યાપ વિસ્તારવા અને વધુ ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે ટીમને પ્રેરણા મળે એ માટે ત્રિમાસિક કામગીરીનો રીવ્યુ લઈ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.ત્રિમાસિક સમયગાળામાં સીસીટીવીની મદદથી ગુનાશોધનની કામગીરીમાં રાજ્યમાં પ્રથમ ક્રમે જૂનાગઢ,દ્વિતીય ક્રમે સુરેન્દ્રનગર અને તૃતીય ક્રમે કચ્છ પશ્ચિમ ભુજ તેમજ ચતુર્થ ક્રમે અરવલ્લીનો નંબર આવ્યો છે જેથી ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા પ્રમાણપત્ર આપી ટીમને પ્રોત્સાહિત કરાઇ હતી.આ સિદ્ધિ બદલ પોલીસવડા સૌરભસિંઘ દ્વારા પણ નેત્રમ ટીમને અભિનંદન પાઠવાયા હતા.
ત્રિમાસિક સમયગાળામાં ઉકેલાયેલા આ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે મળ્યું પ્રમાણપત્ર
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.