તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:રાજ્યમાં સર્વશ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ નંબર હાંસલ કરનાર ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયને સન્માનિત કરાઈ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની ત્રણ સર્વશ્રેષ્ઠ શાળાઓના સંચાલકોને શિક્ષણમંત્રી દ્વારા પ્રોત્સાહિત કરાયા

રાજ્ય સરકાર દ્વારા 'શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઇનામ' યોજના અંતર્ગત વર્ષ 2020-21માં જિલ્લા કક્ષાએ કુલ 62 શાળાને આ યોજનાનો લાભ મળ્યો છે. તે પૈકી રાજ્ય કક્ષાએ પસંદગી પામેલી ત્રણ શાળાઓના સંચાલકોને આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તેમના કાર્યાલય ખાતે પ્રોત્સાહક ઈનામ આપી સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

પ્રથમ ક્રમે પસંદગી પામેલી કચ્છ જિલ્લાની ભૂજ ખાતે આવેલી શ્રી માતૃછાયા કન્યા વિધાલયને રૂ.5 લાખ, દ્વિતીય ક્રમે પસંદગી પામેલી જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી શ્રી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયને રૂ.3 લાખ અને તૃતિય ક્રમે પસંદગી પામેલી વડોદરા જિલ્લાના વાઘોડિયામાં આવેલી વિવેકાનંદ ઉચ્ચતર ઉ.બુ.વિધાલયને રૂ.2 લાખ પ્રોત્સાહક ઈનામ આપી તેના સંચાલકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા-રાજ્ય કક્ષાની શાળાઓ શ્રેષ્ઠ શાળા બનવા પ્રેરાય તે આશય સાથે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાને પ્રોત્સાહક ઈનામ આપવાની યોજના વર્ષ 2013-14થી અમલી બનાવવામાં આવી છે. દર વર્ષે શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક ઈનામ યોજના અંતર્ગત દરેક જિલ્લાની 1 થી 3 ક્રમની શ્રેષ્ઠ શાળાને રૂ. 1 લાખ ઈનામ પેટે આપવામાં આવે છે. જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલી શાળાની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી થાય છે ત્યારબાદ તમામ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવેલી શાળાઓ પૈકી રાજ્યકક્ષાની પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકની શ્રેષ્ઠ શાળા પસંદ કરવામાં આવે છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી સુહાસબેન તન્નાને ટ્રોફી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. રાજ્યની શ્રેષ્ઠશાળા જાહેર થયેલી શાળાના આચાર્ય અને સંચાલકને શ્રેષ્ઠ શાળા પ્રમાણપત્ર તથા ટ્રોફી એનાયત કરવાના આ કાર્યક્રમ અંતર્ગત ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજના આચાર્યા શ્રીમતી સુહાસબહેન તન્ના, જિલ્લા શિક્ષણ નિરીક્ષકશ્રી વસંતભાઈ તેરૈયા , શાળાના શિક્ષક હિમાંશુભાઈ બારોટ, ફતુભા જાડેજાએ આ સન્માનનો સ્વીકાર કર્યો હતો. આપ્રસંગે એસ.એ.પટેલ( IAS), નિયામક શાળાઓની કચેરી ગાંધીનગર, સંયુક્ત શિક્ષણ નિયામક એચ.એન .ચાવડા , એન.એન.માધુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી .એન .પ્રજાપતિએ અને ટીમ એજ્યુકેશન દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...