હવામાન:36.2 ડિગ્રી સાથે ભુજ ગરમીમાં મોખરે, નવા વર્ષ બાદ ઠંડીની વકી

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રણ દિવસ બાદ કારતક માસનો આરંભ થશે તેમ છતાં જિલ્લા મથકે ગરમી ઓછી થવાનું નામ લેતી નથી. છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી રાજ્યમાં ગરમ રહેતા ભુજમાં મહત્તમ ઉષ્ણતામાન 36.2 ડિગ્રી રહેવાની સાથે મોખરાના સ્થાને બરકરાર રહ્યું હતું. બીજી બાજુ નલિયામાં ન્યૂનતમ 15.6ના આંકે શિયાળો જામતો જણાયો હતો. નવા વર્ષ બાદ ઠંડી જોર પકડે તેવો વર્તારો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયો છે.

ભુજમાં મહત્તમ પારો એક ડિગ્રી ઘટીને 36.2 જેટલો રહેવા છતાં રાજ્યમા સૌથી ગરમ શહેર બન્યું હતું. દીપોત્સવ પર્વ ટાંકણે જ ગરમીનું જોર રહેતા શહેરીજનો અકળાયા હતા. નીચું તાપમાન 20.6 રહેવાની સાથે મોડી રાત્રે ઠંડક અનુભવાઇ હતી. નલિયામાં ન્યૂનતમ આંશિક ઉંચકાઇને 15.6 ડિગ્રી થતાં શિયાળો ધીરે ધીરે પક્કડ જમાવતો જણાયો હતો. જો કે ઉંચું ઉષ્ણતામાન 33.8 ડિગ્રીએ પહોંચતાં હવામાન વિષમ બન્યું હતું. કચ્છમાં બીજા ક્રમે ઠંડા બનેલા કંડલા એરપોર્ટ મથકે લઘુતમ પારો 16.4 ડિગ્રી રહેતાં ગાંધીધામ, અંજાર વિસ્તારમાં શિયાળો દસ્તક દેતો જણાયો હતો. મહત્તમ 35.7 રહેતાં ગરમી જારી રહી હતી. કંડલા બંદરે 34.5 અને 18.1 ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણથી ચાર દિવસ સુધી ન્યૂનતમ પારો બેથી ત્રણ ડિગ્રી ઉંચકાશે તેવી વકી હવામાન વિભાગે વ્યક્ત કરતાં કચ્છમાં નૂતન વર્ષ બાદ ઠંડી પડે તેમ જણાઇ રહ્યું છે.