નિર્ણય:કોરોનાની ઝપેટમાં આવતા ભુજ RTO બંધ, ગાંધીધામમાં કામનું ભારણ વધ્યું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દંડ ભરવા માટે દરરોજ 80 થી 90 અરજદારો આવે છે : વી. આર. ચૌધરી

ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં 80 ટકા જેટલો સ્ટાફ કોરોનાથી સંક્રમિત થતા કચેરી સજ્જડ બંધ રખાઇ છે. ભુજની કચેરી બંધ રહેતા ગાંધીધામની કચેરીએ કામગીરીનું ભારણ વધ્યું છે, ત્યાંનો કોઇ કર્મચારી સંક્રમિત ન થાય તેવી રીતે વ્યવસ્થા ગોઠવાઇ છે તેમજ દરરોજ 80થી 90 અરજદારો દંડ ભરવા માટે આવતા હોવાનું જાણવા મળ્યું છે.

દરરોજ 300થી વધુ લોકોની અવર જવર રહેતી એવી ભુજની આરટીઓ કચેરીમાં કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતા તમામ કામગીરી બંધ કરી દેવાઇ છે. વાહન ચાલકોને સરકાર દ્વારા ડિસેમ્બર સુધી છુટછાટ આપવામાં આવી છે, તો ડિટેઇન થયેલા વાહનોનું દંડ ભુજ નહીં પણ ગાંધીધામ ભરી શકાશે તેવો નિર્ણય લેવાયો હતો. ભુજની કચેરી સજ્જડ બંધ જ કરી દેવાઇ હતી ત્યારે ગાંધીધામમાં કામગીરીનું ભારણ વધ્યું હતું. આ અંગે ગાંધીધામના વી. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્રેની કચેરીએ પણ કોઇ સંક્રમિત ન થાય તેવી રીતે કામગીરી કરવામાં આવી રહી છે. ભુજની કચેરીએ દંડ સ્વિકારવાની કામગીરી બંધ કરાયા બાદ અહીં કામગીરીનું ભારણ વધ્યું છે જેની સામે કર્મચારીઓ પુરતા હોવાથી દિવસા દિવસ નિકાલ થઇ જાય છે. અહીં દરરોજ 80થી 90 વાહન માલિકો દંડ ભરવા માટે આવી રહ્યા છે. અમુક કામગીરી ભુજમાં જ થઇ શકે તેવી હોવાથી અહીં કરી શકાતી નથી, તો અમુક કામગીરી કરવાની સત્તા ભુજની કચેરીમાં રહેલી છે જેથી અહીં કરી શકાય એમ નથી.

ભુજમાં માત્ર લાઇસન્સનો ટેસ્ટ ટ્રેક જ ચાલુ
ભુજની કચેરીમાં તમામ કામગીરી બંધ કરી દેવાઇ છે ત્યારે કંપાઉન્ડમાં ઉપરની બાજુએ આવેલા લાઇસન્સના ટેસ્ટ ટ્રેક પર કામગીરી ચાલુ રખાઇ છે. અરજદારોની એપોઇન્ટમેન્ટ પહેલાથી જ આપી દેવાઇ હોવાથી ટેસ્ટ આપવા માટે આવતા અરજદારોની ટેસ્ટ લેવાય છે. જો કે, ડ્રાઇવિંગ સ્કુલના બે શખ્સોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા સંભવત: ટેસ્ટ ટ્રેક પણ બંધ કરી દેવાય તેવી વિચારણાઓ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...