હાલાકી:ભુજવાસીઓને હવે આયુષમાન કાર્ડ માટે માધાપર બ્લોક હેલ્થ ઓફીસ જવું પડશે !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પીએચસીમાં બનતા, હવે તાલુકામથકે કામગીરી ખસેડાઇ

ગંભીર પ્રકારની બીમારીઓમાં રૂ.5 લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળે અને દર્દીના પરિવાર પર આર્થીક બોજો ન આવે તેવા સારા હેતુ સાથે સરકાર દ્વારા આયુષમાન કાર્ડ યોજના અમલમાં મુકવામાં આવી છે,જેમાં તાજેતરમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે,આ કાર્ડ દરેક સરકારી આરોગ્ય કેન્દ્રોમાં બનશે જોકે હવે આ કામગીરી માત્ર તાલુકામથકે જ કરવાનો નિર્ણય લેવાયો હોઈ લોકોને વધુ ધરમધક્કા પડશે.

ભુજ શહેર અને તાલુકાના લોકોને આયુષમાન કાર્ડ બનાવવા હોય તો તાલુકા બ્લોક હેલ્થ ઓફીસ માધાપર ખાતે બની શકશે તેવી જ રીતે અન્ય તાલુકાઓમાં પણ તાલુકામથકે કાર્ડ બનાવવાની કામગીરી ખસેડવામાં આવી છે. પીએચસીમાં અગાઉ કાર્ડ બનતા પણ ત્યાંથી કામગીરી ખસેડી લેવામાં આવતા લોકોની હાલાકીમાં ઘણો વધારો થશે કારણકે વારંવાર સર્વર ડાઉન અને વિવિધ અધૂરાશો મુદ્દે ધક્કા ખવડાવવાની ફરિયાદો વચ્ચે હવે તાલુકા મથકે કામગીરી ખસેડવામાં આવી છે.નોંધનીય છે કે,વિવિધ સમાજો દ્વારા પણ હવે જ્ઞાતિની વાડીમાં કાર્ડ બનાવવા માટે આરોગ્ય વિભાગના સહયોગથી કેમ્પ રાખવામાં આવી રહ્યા છે.

વ્યાયામશાળા યુએચસીમાં કાર્ડ બનતા ત્યારે ધરમધક્કા ખવડાવતા હોવાની ફરિયાદ
વ્યાયામશાળા શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ સવલતો હોવાથી અહીં આયુષમાન કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે પણ અહીં હાજર સ્ટાફ દ્વારા અરજદારો સાથે ગેરવર્તાવ કરી તેઓને ખોટી રીતે ધક્કા ખવડાવવામાં આવતા હોવાની ફરીયાદો ઉઠી છે.ખાસ કરીને સિનિયર સીટીઝનને વધુ હાલાકી ભોગવવી પડે છે.

પુરાવા હોવા છતાં ખોટી રીતે કનડગત કરાતી હોવાથી ઘણા લોકો સરકારી સેવાથી નાખુશ થયા છે. જે મુદ્દે ટીએચઓ ડો.ડી.કે.ગાલાનું ધ્યાન દોરવામાં આવતા તેમણે સ્ટાફ સાથે ચર્ચા કરી આ મુદ્દે ઘટતું કરવાની બાંયધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...