ઠરાવનો અમલ:ભુજ પાલિકાએ નિવૃત્તિ બાદ મંજુરી વિના રખાયેલા 11 કર્મીને સેવામુક્ત કર્યા

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે 11મી નવેમ્બરે કર્યો હતો ઠરાવ
  • શહેર સુધરાઈ મહેકમ મુજબ કાયમી કર્મચારીઓની ભરતી કરવામાં નબળી પૂરવાર

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે 11મી નવેમ્બરે રાજ્ય સરકારની પૂર્વમંજુરી વિના નિવૃત્તિ બાદની નિમણૂકો તાત્કાલિક અસરથી રદ કરવા ઠરાવ કર્યો છે, જેથી ભુજ નગરપાલિકાએ બુધવારે નિવૃત્તિ બાદ નોકરીએ રખાયેલા 11 જેટલા કર્મચારીઓને એકસાથે સેવામુક્ત કરવાનો આદેશ કર્યો હતો. જોકે, એક બાજુ કાયમી કર્મચારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે અને બીજી બાજુ મહેકમ મુજબ કર્મચારીઓની ભરતી કરવામાં ભુજ નગરપાલિકા નબળી પુરવાર થઈ છે, જેથી દિવસોદિવસ હાલત કફોડી થઈ રહી છે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ તેજસ એચ. સોનીએ ઠરાવ પહેલા આમુખમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કોઈ પણ બોર્ડ, કોર્પોરેશન, કંપનીમાં અથવા સરકારના કોઈપણ વિભાગ હેઠળ ઊભી કરવામાં આવેલી સોસાયટી કે તે પ્રકારની અન્ય કોઈ સંસ્થામાં, ગ્રાન્ટ ઈન અેઈડ સંસ્થામાં, જે સરકારી સંસ્થાને ગુજરાત સરકારની સંપૂર્ણ કે અંશત: આર્થિક સહાય મળતી હોય તેવી સંસ્થામાં નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક આપવાની હોય ત્યારે વર્ગ-1, 2 અને 3ના અધિકારી, કર્મચારીઅોને નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક આપવા અંગે દરખાસ્ત સંબંધિત વિભાગે અધિક મુખ્ય સચિવ મારફતે મુખ્યમંત્રીની પૂર્વ મંજુરી માટે રજુ કરવાની રહેશે. તેવી જોગવાઈ કરવામાં આવી છે.

સરકારે પુખ્ત વિચારણાના અંતે ઠરાવ્યું છે કે, કર્મચારીની નિવૃત્તિ બાદ નિમણૂક થઈ હોય તો તાત્કાલિક અસરથી અંત લાવવાનો રહેશે. જેના સંદર્ભ સાથે ભુજ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણાએ વોર્ડરથી હેડ ક્લાર્ક સુધીના તમામની નિમણૂકનો અંત કરવાનો આદેશ કર્યો હતો.

નિવૃત્તિ બાદ કાયમી કરતા વધુ પગાર
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ નિવૃત્ત થયેલા કર્મચારીઅોને પુન: નોકરીઅે રાખવામાં અાવ્યા હતા, જેમાંથી મોટાભાગનાને રોજંદાર, ફિક્સમાં નોકરી કરનારા અને કાયમી કર્મચારીઅો કરતા પણ વધુ પગાર મળતો હતો. કેટલાક કાયમી કર્મચારીઅોને મહિને 22000 રૂપિયા હાથમાં અાવતા હતા. જ્યારે નિવૃત્તિ બાદ નોકરીઅે રાખેલાને મહિને ફિક્સ 25000 રૂપિયા અપાતા હતા. જે પણ કાયદાની જોગવાઈઅોથી વિપરીત છે. હકીકતમાં જોગવાઈ મુજબ ગણતરી કરવામાં અાવે તો 10000 રૂપિયાથી વધુ પગારે રાખી શકાય જ નહીં.

દરેક સંવર્ગમાં દર ત્રણ મહિને કરાર કરવો પડશે
દરેક સંવર્ગમાં અધિકારી, કર્મચારીને અાપવામાં અાવેલી નિવૃત્તિ બાદની કરાર અાધારિત નિમણૂક સંકલિત વિગતો દર ત્રણ માસે ઠરાવ સાથેના પરિશિષ્ટમાં સંબંધિત વિભાગના નાયબ સચિવ કે સમકક્ષ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને સામાન્ય વહીવટ વિભાગને અચૂક રજુ કરવાની રહેશે.

સ્થાનિક ભંડોળ હિસાબની ક્વેરીનો ઉલાળિયો
સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના તત્કાલિન જિલ્લા સહાયક નિરીક્ષક ગિતેશ છગન ગાંધીઅે પણ અે બાબતે ક્વેરીઅો કાઢી હતી. પરંતુ, અેકેય મુખ્ય અધિકારીઅે અે બાબતે નક્કર કાર્યવાહી કરી ન હતી. ઉલ્ટું જિલ્લા સહાયક નિરીક્ષક બધાને અાંખમાં કણાની જેમ ખૂંચતા હતા. જોકે, મોડેમોડે પણ તેમના થકી જ અાવા નિર્ણયો લેવાયા છે. અે પણ અેક હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...