આવેદનપત્ર:ભુજ જિલ્લા બ્રહ્મસમાજે રેલી યોજી નવાનગરમાં થયેલી હત્યાના આરોપીને કડક સજાની માગ કરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન દબાણ અંગે કરેલી રજૂઆતનું મનદુઃખ રાખી નવયુવાનની હત્યા થઈ હતી
  • હત્યામાં સામેલ આરોપીના માથાભારે પરિજનોની પણ તપાસ કરાય-બ્રહ્મ સમાજ

લખપત તાલુકાના નવાનગર (પાંધ્રો)માં ગત તા.8ના રાત્રે 20 વર્ષીય તીર્થ શંકરલાલ રામદયાની ગૌશાળા નજીકના વથાન ચોકમાં મિત્રો સાથે ઉભો હતો. ત્યારે ગામનાજ ગુમાનદાન ઉર્ફે ભવ્ય સરદાનદાન ગઢવીએ તેને છાતીના ભાગે છરી વડે અનેક ઘા મારી હત્યા નિપજાવી દીધી હતી. પરિવારના સભ્યએ આરોપીઓ વિરુદ્ધ કરેલી જમીન દબાણ અંગેની રજૂઆતનું મનદુઃખ રાખી આરોપીએ નવયુવાનની હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો. મામલાની પોલીસ ફરિયાદ કરાયા બાદ હજુ સુધી આરોપી ઝડપાયો નથી. તેથી ગઈકાલે સ્થાનિકે બ્રહ્મસમાજ દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરાયા બાદ આજે સમસ્ત કચ્છ જિલ્લા બ્રહ્મસમાજ અને તેની વિવિધ પાંખ દ્વારા આજે કસૂરવાર આરોપી અને તેને મદદકર્તાઓની સઘન તપાસ હાથ ધરી હત્યામાં સામેલગીરીની કલમો તળે ગુન્હો નોંધી આરોપીને ઝડપી અને કડક સજા માટે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગણી સાથે મોટી સંખ્યામાં સમાજના લોકોએ મૌન રેલી યોજી કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

લખપત તાલુકાના નવાનગર ખાતે થયેલી તિર્થ નામના નવયુવાની હત્યા મામલે આરોપીના પરિવારના સભ્યો સામે આ પૂર્વે પણ આજ પરિવાર દ્વારા હુમલાની ફરિયાદ નોંધાયેલી છે. તો અન્ય બનાવમાં પણ તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થયેલી હોવાનું દર્શાવતું આવેદનપત્ર આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા વિશાળ રેલી સ્વરૂપે પહોંચી આપ્યું હતું. તેમાં જણાવ્યા મુજબ આરોપીના પરિજનો સામે અનેક કેસ દાખલ છે જેઓ માથાભારેની છાપ ધરાવે છે. અને જમીન દબાણ સહિતની ગેરપ્રવુતિ પણ કરતા રહે છે. જેની તંત્ર સમક્ષ મૃતકના મોટાબાપાએ કરેલી રજૂઆતના કારણે જીવલેણ હુમલો કરી યુવકનો જીવ લેવામાં આવ્યો છે. આ માટે જવાબદારો વિરુદ્ધ કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તથા હત્યારાને નાસી જવામાં મદદ કરનાર તેના પરિવારના સભ્યો સામે પણ તપાસ કરી ગુન્હો દાખલ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. આજ પ્રકારનું આવેદન ગઈકાલે લખપતના વડા મથક દયાપર મામલતદાર કચેરીએ પણ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...