આયોજન:15 ઓક્ટોબરે ઐતિહાસિક ઘટનાનું ભુજનું હવાઈમથક બનશે સાક્ષી

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે મહાસાગર પાર કરનાર પાયલટ ભુજથી મુંબઈ સુધી ભરશે ઉડાન
  • ઉડ્ડયન ક્ષેત્રના જનક જેઆરડી ટાટાને શ્રદ્ધાંજલિ આપવા કરાયું આયોજન

આગામી 15 ઓક્ટોબરે ભુજ એરપોર્ટ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે કારણ કે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરો પાર કરનાર વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિત ભુજથી વિમાન લઈ મુંબઈ ખાતે પહોંચશે. નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના જનક જેઆરડી ટાટાને શ્રદ્ધાંજલિ આપવા આ આયોજન કરવામાં આવ્યું છે. 2019માં લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટમાં એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરને એકલા પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા પાયલોટ આરોહી પંડિત 15 મી ઓક્ટોબરે જેઆરડી ટાટા દ્વારા 1932માં કરાયેલી પહેલનું પુનરાવર્તન કરી તેઓને અંજલી આપશે.

જેઆરડી ટાટાને ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના પિતા ગણવામાં આવે છે, તેમણે 15 ઓક્ટોબર 1932 ના કરાંચીથી મુંબઈની ટાટા એર સર્વિસની પ્રથમ ફ્લાઇટ ચલાવી હતી. હાલમાં કરાંચીથી ફલાઇટ ઉડાડવી શક્ય નથી જેથી પાકિસ્તાનની નજીક આવેલા ભુજ એરપોર્ટ પરથી મુંબઈ સુધીની ઉડાન ભરીને તેમના વિઝનને સાચી અંજલી આપવાનું આયોજન ઇન્ડિયન વિમેન પાયલોટ્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે.

આરોહી પંડિત અમદાવાદમાં વિમાનને રિફ્યુઅલ કરશે અને ભુજથી ઉડાન ભરી મુંબઈના જુહુ ખાતે ઉતરશે. JRD ટાટાની પ્રથમ ફ્લાઇટની સમાન વિમાન ક્ષમતા સાથે કચ્છથી ઉડાન ભરશે.500 નોટીકલ માઇલનું અંતર કાપવા માટે તેઓ 60 લિટરથી ઓછા પેટ્રોલનો ઉપયોગ કરશે તેવું જાણવા મળ્યું છે.

વીરાંગનાઓએ 72 કલાકમાં ભુજમાં બનાવ્યો હતો રન-વે
1971 ના ભારત - પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન માધાપર ગામની વીરાંગનાઓએ બોમ્બમારા વચ્ચે પણ 72 કલાકમાં જ ભુજ એરપોર્ટ પર રન વે બનાવ્યો હતો જેના પર ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ પણ બની હતી ત્યારે સ્ત્રીશક્તિને સાર્થક કરતી વધુ એક ઘટનાનું સાક્ષી ભુજ એરપોર્ટ આગામી 15 મી ઓક્ટોબરે બનવા જઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...