તમામ તખ્તો તૈયાર:દિલ્હીની મંજૂરીનું ગ્રહણ નડતા ભુજ - અમદાવાદ વચ્ચેની હવાઈ સેવા શરૂ ન થઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે 1 જાન્યુઆરીથી સેવા શરૂ થાય તેવી સંભાવના

જિલ્લામથક ભુજના એરપોર્ટ પરથી હાલમાં એકમાત્ર મુંબઇ સુધીની ફલાઇટનું સંચાલન કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં ભુજ થી અમદાવાદ વચ્ચેની હવાઈ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને 17 મી ડિસેમ્બરથી ભુજ થી અમદાવાદની હવાઈ સેવા શરૂ કરવાનું આયોજન પણ હતું. જોકે દિલ્હીની મંજૂરીનું ગ્રહણ નડતા આ હવાઈ સેવા શરૂ થઈ શકી નથી તેમજ હવે નવા વર્ષથી જ આ નવી સેવા શરૂ થાય તેવી ઘડીઓ ગણાઇ રહી છે.

ભુજથી અમદાવાદ સુધી ખાનગી બસો અને ટ્રેનોમાં ભારે ધસારો રહેતો હોય છે.મેડિકલ ઈમરજન્સી હોય કે અન્ય કોઈ મીટીંગના આયોજન બંને શહેરો વચ્ચે આવાન જાવાન ચાલુ જ હોય છે.જેથી આ ફલાઇટ સેવાને બહોળો પ્રતિસાદ મળી શકે તેમ છે અને અમદાવાદથી અન્ય કોઈ શહેર સાથે પણ આ સેવાને જોડી શકાય તેવા વિકલ્પ છે.

જેથી સ્ટાર એર દ્વારા આ માટે સહમતી સાધવામાં આવી તેમજ અઠવાડિયા પૂર્વે ભુજ અને અમદાવાદ એરપોર્ટ પર સર્વે કરી ગ્રાઉન્ડ પરિસ્થિતિ તેમજ સ્ટાફની નિમણુંક સહિતની કામગીરી માટે ગતિવિધિ તેજ કરાઈ હતી.એરપોર્ટ ઓથીરિટી સાથે ચર્ચા કર્યા બાદ હવાઈ સેવાના સંચાલન માટે તમામ તખ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.જોકે હવે મામલો દિલ્હી કક્ષાએ મંજૂરીમાં નડ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આવેલા એર હેડ ક્વાર્ટર ખાતે મંજૂરીની પ્રક્રિયા અટવાયેલી છે.અહીંથી મંજુરી મળ્યા બાદ આ સેવા શરૂ થઈ શકશે.આ મહિનાના અંત સુધીમાં મંજુરી મળી શકે તેવી શકયતા સામે આવી છે. જેથી નવા વર્ષના આરંભ સાથે ભુજ - અમદાવાદની નવી હવાઈ સેવા શરૂ થાય તેવા અણસાર જોવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં એક માત્ર મુંબઇની હવાઇ સેવા શરૂ છે જે માત્ર સપ્તાહમાં 4 દિવસ જ ઉડાન ભરે છે. અમદાવાદની ફ્લાઇટ શરૂ થઇ જાય તો લોકોને રાહત મળી રહેશે.

સપ્તાહમાં 6 દિવસ મળી રહેશે કનેક્ટિવિટી
ભુજ - અમદાવાદ વચ્ચે શરૂ થનારી આ ફલાઇટ સેવાનો સપ્તાહમાં છ દિવસ પ્રવાસીઓને લાભ મળી શકશે.રવિવારે રજા અને બાકીના છ દિવસ વિમાનીસેવાનું સંચાલન થશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

વિમાનમાં 50 પેસેન્જરની રહેશે ક્ષમતા
સ્ટાર એરલાયન્સ દ્વારા ભુજથી અમદાવાદ સુધી જે હવાઈ સેવાનું સંચાલન કરવામાં આવનાર છે તે વિમાનમાં 50 પેસેન્જરની ક્ષમતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...