તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:ભાદરવાની વિદાયે અષાઢી માહોલ, 4 તાલુકામાં અડધોથી 3 ઇંચ વરસ્યો

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
રતનાપર મઉ - Divya Bhaskar
રતનાપર મઉ
  • ભુજમાં અડધો, નખત્રાણા અને અબડાસા તાલુકામાં ત્રણ, માંડવી પંથકમાં દોઢ ઇંચ જેટલો વરસ્યો
  • ભચાઉ અને ગાંધીધામ વિસ્તારમાં ઝાપટાં

કચ્છમાં સતત ત્રીજા દિવસે ભાદરવામાં છવાયેલા અષાઢી માહોલને લઇને ભુજ, નખત્રાણા, અબડાસા અને માંડવી પંથકમાં અડધોથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્રણ દિવસ બાદ અધિક આસો માસ શરૂ થઇ રહ્યો છે તેમ છતાં કચ્છ પર મેઘો મંડરાયેલો રહેતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. તો બીજી બાજુ પાણી ભરાયેલા રહેતાં હવે મચ્છરજન્ય રોગચાળો પણ વકરે તેવી ભીતિ લોકોને સતાવી રહી છે. જિલ્લા મથક ભુજમાં સવારથી જ અસહ્ય બફારો અનુભવાયો હતો અને બપોરે બે વાગ્યાના અરસામા ગર્જના સાથે ધીરે ધીરે વાદળોનો જમાવડો થયો હતો જેને લઇને વરસાદ તૂટી પડશે તેમ જણાયું હતું પણ 3થી 5 વાગ્યાના અરસામાં 15 મીલિ મીટર પાણી વરસ્યું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કચ્છમાં વિદાય લેતું ચોમાસું પણ ધોધમાર વરસી રહ્યું છે, હવે તો અનેક વિસ્તારમાં લીલો દુકાળની સ્થિતિ છે. ત્રણ દિવસથી કચ્છમાં મેઘરાજા વરસી રહ્યા છે. સોમવારે પણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસતા નદીઓ પણ બે કાંઠે વહી નીકળી હતી.

ભચાઉ
ભચાઉ

નખત્રાણામાં ઢળતી સાંજે અડધા કલાકમા 12 મીલિ મીટર એટલે કે અડધો ઇંચ જેટલા વરસાદથી મુખ્ય બજાર તેમજ હાઇવે પાણી પાણી થઇ ગયા હતા. વથાણ અને બસ સ્ટેન્ડ પાસે ખાબોચિયાઓ ભરાઈ જતા કીચડ જોવા મળ્યું હતું. તાલુકાના નાગલપર, અંગિયા, ધાવડા, વિથોણ દેવપર, મોરઝર, આણંદસર, ભડલી, મંજલ, કલ્યાણપર સહિતના વિસ્તારોમા વીજળી ના કડાકા ભડાકા સાથે પાણી વરસતા ખેડૂતોની ચિંતામા વધારો થયો હતો. કોટડા જડોદર, મથલ, ઉખેડા, ટોડીયા, રસલીયા, નેત્રા, ખોંભડી ઉગેડી તેમજ આસપાસના વિસ્તારોમા ગગનભેદી અવાજોથી વાતાવરણ ગોરભાયું હતું અને સર્વત્ર મેઘો મંડરાયો હતો. મોરગરમાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ જેટલો ખાબકતાં ગામની પાસે આવેલી નદી વહી નીકળી હતી.

ભોયડ નદી
ભોયડ નદી

રવાપર વિસ્તારમા દિવસભર ઉકળાટ બાદ સાંજે ચાર વાગ્યે વરસાદી ઝાપટુ પડતા પાણી વહી નીકળ્યા હતા. નાગવીરી, નવાવાસ, લીફરી, ખીરસરા, રામપર(સર્વા) , વિગોડી, આમારા સહિતના ગામોમા ઝરમર ઝાપટા પડયા હતા. નિરોણામા દિવસભરના ઉકળાટ બાદ સાંજે 5 થી 6 દરમ્યાન ગાજવીજ સાથે હળવા ઝાપટા પાડ્યા હતા.

દેશલપર વાંઢાય
દેશલપર વાંઢાય

ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય)માં આજે સવાર ના ભારે ઉકળાટ બાદ બપોરે વીજળી ના ભારે કડાકા ભડાકા અને મેઘ ગર્જના સાથે 40 મિનિટમાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. બે દિવસ પહેલા પણ 3 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. આણંદસર, કલ્યાણપર, મણિપર, મંજલ, માધાપર, કુરબાઈ, જીયાપરમાં પણ ભારે વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા હતા. અબડાસા તાલુકામાં બપોરે એકાએક માહોલ ગોરંભાયો હતો અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અડધોથી એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તાલુકા મથક નલિયામાં 8 મીલિ મીટર જેટલો વરસાદ કંટ્રોલ રૂમમમાં નોંધાયો હતો. કોઠારા, જખૌ, ધનાવાડા પંથકમાં ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદથી શેરીઓ અને માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.

માંડવી તાલુકાના ગઢશીશામાં અચાનક ધોધમાર વરસાદથી ઉમિયાનગર અને બસ સ્ટેશન વિસ્તારમાં જોશભેર પાણી વહી નીકળ્યા હોવાનું હરેશ રંગાણીએ કહ્યું હતું. પંથકના રત્નાપરમાં બપોરે 3.15 વાગ્યાના અરસામાં અડધા કલાકમાં દોઢ ઇંચ પાણી વરસ્યું હોવાનું મહેન્દ્ર રામાણીએ જણાવ્યું હતું. મકડામાં પણ વરસાદ પડવાથી પાકને નુક્સાન થયું હોવાનું કરસનજી જાડેજાએ જણાવ્યું હતું.

ગત સપ્તાહે શાંતી રહ્યા બાદ ફરી મેહુલાએ પોતાની બીજી ઈનીંગ બે દિવસથી શરુ કરી દીધી હોય તેમ એકાંતરે હાજરી દાખવવાનો સીલસીલો ચાલી રહ્યો છે. સોમવારના દિવસ દરમ્યાન બફારાનો અહેસાસ થયા બાદ રાત્રીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. વીજળીના ચમકારા અને વાદળોના ગર્જવાના અવાજથી લોકો મોડી રાત સુધી વરસાદ ચાલશે તેવો ક્યાસ લગાવી રહ્યા હતા.

કોઠારામાં ગટરના ઢાંકણ ખૂલ્લા મૂકી દેવાયા, 108 એમ્બ્યૂ. ચેમ્બરમાં ફસાઇ, પ્રસૂતા મુશ્કેલીમાં મુકાઇ
અબડાસા તાલુકાના કોઠારામાં છેલ્લા દસેક દિવસથી બજારમાં ગટરના ઢાંકણા ખોલી નખાતાં સમસ્યા સર્જાઇ હતી. સોમવારે એકાદ ઇંચ પાણી વરસતાં પાણી વહી નીકળ્યા હતા જેને લઇને બજારમાં એક પ્રસૂતાને લઇને જઇ રહેલી 108 એમ્બ્યૂલન્સ ગટરના ખુલા ખાડામાં ફસાઇ ગઇ હતી. જેને લઇને સગર્ભા મુશ્કેલીમાં મુકાઇ હતી. આ વિકટ સંજોગોમાં મહિલાને વધુ તકલીફ ન થાય તે માટે અન્ય એમ્બ્યૂલન્સ બોલાવાઇ હતી.

રત્નાપરમાં નાળિયેરના વૃક્ષ પર વીજળી પડી
માંડવી તાલુકાના રત્નાપરમાં અમૃત ભીમાણીની વાડીમાં નાળિયેરના ઝાડ પર કૃષ્ણ ભગિની ત્રાટકી હતી. આ સમયે વાડીમાં કામ કરતા ખેતમજૂરો ભયભીત બન્યા હતા. સદ્ નસીબે આ બનાવમાં કોઇ જાન હાનિ થઇ ન હતી. ભયમાં મૂકાયેલા શ્રમિકોએ ઘરની વાટ પકડી હતી.

વરાડિયામાં વીજળીએ ભેંસનો ભોગ લીધો
અબડાસા તાલુકાના વરાડિયાના વાડી વિસ્તારમાં ત્રાટકેલી આકાશી વીજળીએ એક ભેંસનો ભોગ લીધો હતો. બપોરે બનેલા આ બનાવથી ભેંસના માલિક માલધારી અલીમામદ સાલેમામદ પર જાણે આભ ફાટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...