કોરોના બેકાબૂ:કોરોનાની સારવાર વચ્ચે દર્દીના મોત ડરથી તો નથી થતા ને ?

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર ટેસ્ટ અને સારવાર ન થાય તો જ ભય
  • મનોચિકિત્સક અને સાજા થયેલા દર્દીઓએ નકાર્યું

કચ્છમાં એક બાજુ કોરોનાના દર્દીઓ વધતા જાય છે અને બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન મોતની સંખ્યા પણ વધતી જાય છે, જેથી કોરોના આવ્યા બાદ સારવાર દરમિયાન ડરથી તો દર્દીના મોત નથી થતા ને? એવા સવાલ સાથે જાતજાતની અટકળો વહેતી થઈ છે. જોકે, મનો ચિકિત્સક એ વાતને નકારી છે અને સારવાર લઈને સાજા થયેલા પણ એ વાતને નકારી છે.

કચ્છ જિલ્લામાં પ્રારંભમાં કોરોનાના દર્દીઓની સંખ્યા નજીવી હતી. પરંતુ, આર્થિક પ્રવૃત્તિઓ વગર લોકોની હાલત કફોડી થાય એમ હતી, જેથી લોક ડાઉન અનલોક કર્યા બાદ ક્રમશ: છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો, જેમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અવરજવર પર પ્રતિબંધ હટતા જ સંક્રમણથી કચ્છમાં પણ કોરોના પોઝિટિવના કેસો વધતા ગયા છે. કેટલાક લોકો હજુ પણ બેદરકાર છે, જેથી મોઢે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. એટલું જ નહીં પણ કોરોનાના લક્ષણ જણાય તો સમયસર સારવાર લેતા નથી, જેથી સ્થિતિ કાબૂ બહાર થઈ જાય છે. એવા કિસ્સામાં, ખાસ કરી જેમને અન્ય બીમારીઓ છે એ લોકોની કોરોનાની સારવાર દરમિયાન તબીયત સ્થિર રહેતી નથી. એટલે કોરોનાની વિલંબથી સારવારના પરિણામે મોતની શક્યતા વધી જાય છે. પરંતુ, કેટલાક લોકો સમજણના અભાવે એવું વિચારે છે કે, કોરોનાના દર્દીઓને કોરોના નહીં પણ કોરોનાનો ડર મારી નાખે છે કે, મને કોરોના થયો છે. હવે હું જીવીશ કે નહીં એ નક્કી નથી. જોકે, મનો ચિકિત્સકોએ એ વાતને નકારી છે કે કોરોનાના ડરથી દર્દીનું મોત થાય. કોરોનાની સારવાર લઈ આવેલા દર્દીએ પણ એ બીકને ખોટી બતાવી છે.

ડર મનની તકલીફ છે, શરીરની નહીં : ડો. જશ અજમેરા
મનો ચિકિત્સક ડો. જશ અજમેરાને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ડર એ મનની તકલીફ છે. શરીરની તકલીફ નથી, જેથી કોરોનાના ડરથી મોત ન થાય. મનનો ડર પણ શરીરને એટલી હદે તાત્કાલિક ધોરણે શરીર પર આડ અસર પણ ન કરે. હા, શરીરને મદદ રૂપ રોગ પ્રતિકારક શક્તિ જેવી વ્યવસ્થાનું જરા સંતુલન બગાડી શકે. પણ એ અપવાદ કિસ્સામાં. જવલ્લે જ.

ખોટી વાત છે : ડો. મહેશ તિલવાણી
કોરોનાના વધી રહેલા કેસ અને મૃત્યાંકને ધ્યાનમાં રાખીને માનસિક આરોગ્ય કેન્દ્રના ડો. મહેશ તિલવાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના ડરથી મોત ન થાય. બિલકુલ ખોટી વાત છે. ડરથી મન ઉપર અસર થાય. શરીર ઉપર ન થાય. વાસ્તવમાં કોરોનાના લક્ષણ જણાયા બાદ સમયસર સારવારના અભાવે મોત થઈ શકે, જેથી કોરોનાના લક્ષણ જણાય તો સમયસર ટેસ્ટ કરાવી લેવાય. એમાં વિલંબ ન કરાય.

બધાંને ખોટી બીક બેસાડી દીધી : દર્દી
કોરોનાની સારવાર બાદ સાજા થયેલા દર્દી કમલેશ જેઠવાએ કહ્યું હતું કે, મને 7/9/20ના કોરોનાં પોઝીટીવ આવ્યો હતો, જેથી 3 દિવસ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં દાખલ હતો. ત્યાબાદ ગડા હોસ્પિટલમાં 5 દિવસ રખાયો હતો. છેવટે 7 દિવસ ઘરે આઈસોલેટ કરાયો. હવે બરાબર છે. બધાંને ખોટી બીક બેસાડી દીધી છે. હું 3 દિવસમાં સાજો થઈ ગયો છું. જોકે, તકેદારી જરૂરી છે. સમયસર ટેસ્ટ કરાવી અને સમયસર સારવાર લેવી પણ આવશ્યક છે. ડરવા જેવું નથી.

અન્ય સમાચારો પણ છે...