ભુજ ખાતે આજે શુક્રવારે 36 એમ્બ્યુલન્સ અને મલ્ટીસ્પેશિયાલિસ્ટ કેકે હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પૂર્વે શહેરના મુખ્ય માર્ગો પરના ખાડાઓ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુરવામાં આવ્યા હતા. પરંતુ જિલ્લાના અનેક આંતરિક અને મુખ્ય માર્ગોની હાલત બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહી છે. જેના કારણે ત્યાંથી પસાર થતા લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને ભુજ-ભચાઉ વાયા દુધઈનો રાજ્ય ધોરીમાર્ગ તેમાં પડેલા ગાબડાઓને લઈ અતિ ખરાબ પરિસ્થિતિમાં ભાસી રહ્યો છે. ત્યારે આ પ્રકારના માર્ગોનું પણ સમારકામ હાથ ધરાય એવી મુખ્યમંત્રીના આગમને કચ્છી માંડુમાં લાગણી ફેલાઇ છે.
ભુજ-ભચાઉ વાયા દુધઈ માર્ગ આઝાદી બાદ ખાસ સીમા સુરક્ષા દળ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. જે સમયાંતરે વાગડ અને અન્ય પ્રાંતના લોકો માટે જિલ્લા મથકે પહોંચવા માટે ઝડપી અને મહત્વનો બની ગયો છે. લિગ્નાઇટ, કોલસો, મીઠા સહિતના ઔધોગિક એકમો માટે પરિવહન કરતા વાહનો અને ખાનગી તથા એસટી બસની લોકોલ રૂટના વાહનો સતત અવરજવર કરતા રહે છે. જેનું ઘણા વર્ષો ચાલેલું નવીનીકરણ ગત વર્ષે જ પૂર્ણ થયું છે. તેમ છતાં માર્ગની હાલત અત્યારથી જ બદતર બની જવા પામી છે. અહીંથી પસાર થતા લોકોને ખાડાઓના કારણે ભારે હાલાકી ભોગવવી પડી છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુજ આવતા આ માર્ગ સુધારની માંગ લોકો કરી રહ્યા છે. તંત્ર દ્વારા માર્ગ સુધારનું કામ હાથ ધરાય તે જરૂરી હોવાનું લોકોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.